- આઠ વર્ષ બાદ શાસકોને ભાન આવ્યું કે બગીચો તો આંધળો છે..!
વડોદરા મહાનગર પાલિકાના નિંદ્રાધીન તંત્રના પાપે લોકોને સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. કલાલી ખાતે આઠ વર્ષ અગાઉ બનેલા મ્યુઝિયમ ટ્રી અને સાયકલ ટ્રેક પર સ્ટ્રીટ લાઈટ લગાવવામાં આવી નથી. કોન્ટ્રાકટરે મુદત પુરી થયા ના બે માસ કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં સ્ટ્રીટ લાઈટ નાંખી નથી.
- કલાલી ખાતે આઠ વર્ષ અગાઉ બગીચો અને સાયકલ ટ્રેક બનાવ્યો, પરંતુ સ્ટ્રીટ લાઈટ લગાવવાનું ભૂલી ગયા..!
- સાયકલ ટ્રેક નું નામ પડે એટલે ભોપાળું બહાર આવે છે..!
વડોદરા શહેરમાં પ્રજાના ટેક્ષના નાણાં આડેધડ ઉડાવવામાં કુશળ વહીવટી તંત્રના અધિકારીઓ અને તેમને છાવરતા શાશકો ના પાપે પ્રજાને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેવું પડે છે. કલાલી ખાતે ડમ્પિંગ યાર્ડ હટાવી આઠ વર્ષ અગાઉ મ્યુઝિયમ ટ્રી અને સાયકલ ટ્રેક બનાવવામાં આવ્યા હતા. જો કે હરખપદુડા અધિકારીઓ અને શાશકો અહીં લાઈટ લગાવવાનું ભૂલી ગયા. પાલિકાએ રૂપિયા અગિયાર કરોડના ખર્ચે ખરીદેલા CCTV કેમેરા રાત્રે જેમ આંધળા થઈ જાય છે એમ આ બગીચો પણ રાત્રે આંધળો થઈ જાય છે.
- મેં. રાજદીપ ઇલેક્ટ્રિકલ્સ પ્રા. લી નામના કોન્ટ્રાકટરે ૨૫,ઓગસ્ટ ના રોજ કામ પૂરું કરવાનું હતું..
અહીં લાઈટ નથી એનું ભાન શાસકોને આઠ વર્ષ પછી આવ્યું એટલે એક વર્ષ અગાઉ ગત નવેમ્બર માસમાં લાઈટો લગાવવાના કામ ને મંજૂરી મળી. ગત નવેમ્બર માસથી મંજૂરી મળ્યા બાદ સાત મહિના બાદ ૧૨ જૂને મેં. રાજદીપ ઇલેક્ટ્રિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ ને રૂ. ૭,૯૯,૮૨૬ માં લાઈટો લગાવવાનું કામ સોપાયું. આઠ વર્ષ સુધી અહીં અંધારું રહ્યું એવી શરમજનક બેદરકારી બાદ લાજવાને બદલે ખાતમહૂર્ત કરી ગાજવામાં આવ્યું. ૧૨ જુને વર્ક ઓર્ડર અપાયો અને કોન્ટ્રાકટરે આ કામ ૨૫ ઓગસ્ટ ૨૦૨૪ સુધી પૂરું કરવાનું હતું. કામ પૂરું કરવાની સમય મર્યાદા પુરી થવાને આજે અઢી મહિના વીંતી ગયા છે, પરંતુ અહીં આજે પણ રાત્રે અંધારું હોય છે. આ કામ સમયસર કરાવવાની જેની જવાબદારી છે એ સ્ટ્રીટ લાઈટ વિભાગ ના અધિકારી ભરત રાણા ને અમે જ્યારે પૂછ્યું તો એમનું કહેવું છે કે આ કામનું મટીરીયલ પ્રોક્યોરમેન્ટ માં છે. ૧૫ દિવસમાં થઈ જશે. કોન્ટ્રાક્ટરને બે વાર સૂચના આપી છે. જરૂર પડશે તો પેનલ્ટી કાપીશું. બીજી તરફ પાલિકામાં કોંગ્રેસ પક્ષના નેતા ચંદ્રકાન્ત શ્રીવાસત્વ અધિકારીઓ અને શાશકોની બેદરકારી ગણાવી કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની માંગ કરી રહ્યા છે.
સ્ટ્રીટ લાઈટ વિભાગની ઘોર બેદરકારી અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રી એ જણાવ્યું હતું કે બેદરકારી જણાશે તો બદલ કોન્ટ્રાકટર સામે પેનલ્ટી સહિત કડક કાર્યવાહી કરવાની સૂચના આપીશું.
- લાઈટ વગર વહેલી સવારે અને મોડી સાંજે અંધારામાં સાયકલ કેવી રીતે ચલાવવી..?
પાલિકાને પેઢી માનતા અધિકારીઓની સંખ્યામાં જૂજ નથી. ત્યારે અહીં સવાલ એ છે કે શાસકોની જવાબદારી માત્ર ખાતમહૂર્ત કરવા પૂરતી જ છે ❓સ્થાયી સમિતિના સભ્યોની જવાબદારી કામો મંજુર કરી વાહ-વાહી કરવા પૂરતી જ છે ❓ શાશકો અધિકારીઓ સમયસર કામ પૂરું કરાવે છે કે નહીં એનું ધ્યાન કેમ રાખતા નથી ❓ તંત્ર ના પાપે પ્રજાને સુવિધાઓથી વંચિત કેમ રહેવું પડે ❓પાલિકામાં અધિકારીઓનું રાજ ચાલે છે ❓અધિકારીઓ શાસકોને ગાંઠતા નથી ❓ જે તે કામો માં બેદરકારી બદલ જવાબદારી નક્કી કરી અધિકારીઓ સામે કાર્યવાહી ના થવી જોઈએ ❓ જ્યાં સાયકલ ટ્રેક નું નામ પડે ત્યા ભોપાળા બહાર કેમ આવે છે ❓આવા ઘણા સવાલોના જવાબ અધિકારીઓ શાસકોની ઈચ્છા શક્તિ સામે ઉભા થાય છે.