ફોરેક્સ ટ્રેડિંગમાં 80% સુધીનો નફો અપાવવાની લાલચે વેપારી સાથે રૂપિયા 21 લાખની છેતરપિંડી

MailVadodara.com - Rs-21-Lakh-fraud-with-trader-with-lure-of-up-to-80-percentage-profit-in-forex-trading

- ઠગે સારું વળતર જોઈતું હોય તો રૂા.21 લાખ રોકાણ કરવું પડશે તેમ કહેતા વેપારીએ મિત્ર પાસેથી 15 લાખ લઈ આંગડિયા મારફતે મુંબઈ મોકલ્યા હતા

વડોદરામાં ઓનલાઇન ઠગો દ્વારા જાત જાતના પ્રલોભન આપીને રૂપિયા ખંખેરી લેવાના બનાવ બની રહ્યા છે ત્યારે એક વેપારીએ ફોરેક્સ ટ્રેડિંગના નામે 21 લાખ ગુમાવ્યા હોવાનો કિસ્સો સાયબર સેલ સમક્ષ આવ્યો છે.

ન્યુ સમા રોડ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં રહેતા કલ્પેશભાઈ સુથારે સાયબર સેલ પોલીસને જણાવ્યું છે કે, તારીખ 24 ઓક્ટોબરે મને ફોરેક્સ ટ્રેડિંગમાં ઊંચું વળતર આપવાની ઓફર કરતો મેસેજ મળ્યો હતો અને ત્યારબાદ મોબાઈલ પર સુરેશ મૌર્યના નામે એક વ્યક્તિએ વાતચીત કરી 40 થી 80% સુધીનું વળતર મળી શકશે તેવી વાતચીત કરી હતી. કોલ કરનાર ઠગે મોકલેલી લિંક પર મેં વિગતો આપી હતી અને તેણે મારી પાસે એની ડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. ઠગે મારી પાસેથી રકમ મેળવી હતી અને તેની સામે ટ્રેડિંગમાં પ્રોફિટ પણ બતાવવામાં આવતો હતો. આ દરમિયાન ઠગે મને સારું વળતર જોઈતું હોય તો રૂ.21 લાખ રોકાણ કરવું પડશે તેમ જણાવતા મેં મારા મિત્ર પાસે 15 લાખ લઈ આંગડિયા મારફતે મુંબઈ ખાતે રૂપિયા મોકલ્યા હતા તેમજ 6 લાખ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા. મારા એકાઉન્ટમાં 71 લાખની રકમ હોવા છતાં આ રકમ મને મળતી ન હતી તેમજ ઠગ દ્વારા જુદા જુદા કારણો બતાવી વધુ રકમની માંગણી કરવામાં આવતી હતી. જેથી મારી સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવતા સાયબર સેલને જાણ કરી હતી.

Share :

Leave a Comments