- નિવૃત્ત શિક્ષિકા આરતીબહેને બીમારીથી ત્રાસીને આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું, સોસાયટીમાં ગમગીની ફેલાઇ ગઇ
શહેરના કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે આવેલી સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષિકાએ વારસિયા વિસ્તારમાં આવેલા સરસિયા તળાવમાં ઝંપલાવી આપઘાત કરતાં દોડધામ મચી હતી. આધેડ મહિલા એક્ટિવા લઇને આપઘાત કરવા માટે નીકળ્યા હતા. બનાવ અંગે તેમણે ફાયરબ્રિગેડ અને પોલીસને જાણ કરતાં મૃતદેહ તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે મોકલાયો હતો. તેઓએ બીમારીથી ત્રાસીને આપઘાત કરી લીધો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
શહેરના કારેલીબાગ અમિતનગર સર્કલ પાસે આવેલી અરવિંદ પાર્ક સોસાયટીના સી-19 નંબરના મકાનમાં આરતીબહેન રોતાની (ઉં.વ.67) શિક્ષિકા તરીકે નિવૃત્ત થયા બાદ પતિ સાથે નિવૃત્ત જીવન પસાર કરી રહ્યા હતા. નિવૃત્તીમય જીવન દરમિયાન તેઓ બ્લડ પ્રેશર સહિત વિવિધ બીમારીનો સામનો કરી રહ્યા હતા. બીમારીનું દુઃખ સહન ન થતાં તેઓ સોમવારે ઘરેથી એક્ટિવા લઇને નીકળી ગયા હતા અને વારસીયા સરસીયા તળાવ પાસે પહોંચી ગયા હતા અને તળાવના ઉંડા પાણીમાં ભૂસકો મારી જિંદગીનો અંત આણ્યો હતો. આ બનાવ અંગે સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરો દોડી આવ્યા હતા અને તળાવમાં પડતુ મૂકતા ડૂબી ગયેલા આરતીબહેનનો મૃતદેહ બહાર કાઢી સિટી પોલીસના હવાલે કર્યો હતો.
સિટી પોલીસે લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. બીજી બાજુ પોલીસે પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી. તપાસમાં મૃતકનું નામ આરતીબહેન હોવાનું કારેલીબાગ રહેતા હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વધુ તપાસ કરતા આરતીબહેને બીમારીથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનું બહાર આવ્યું હતું. આરતીબહેને આપઘાત કરી લીધો હોવાની જાણ સોસાયટીમાં થતાં સોસાયટીમાં ગમગીની ફેલાઇ ગઇ હતી. તે સાથે બનાવે ચકચાર પણ જગાવી મૂકી હતી. આ બનાવ અંગે સીટી પોલીસે આપઘાતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.