- પુત્ર જર્મનીથી આવ્યા બાદ આવતીકાલે અંતિમ સંસ્કાર કરાશે
શહેરના સુશેન-તરસાલી રોડ પર પૂરપાટ ઝડપે જઈ રહેલા બાઇકની અડફેટે એક્ટિવા ચાલક નિવૃત આર્મી જવાનનું મોત થયું છે. અકસ્માતમાં નિવૃત આર્મી જવાનનું માથુ ફાટી ગયું હતું. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. મૃતકનો મોટો પુત્ર જર્મનીમાં અભ્યાસ કરતો હોવાથી તે વડોદરા આવ્યા બાદ આવતીકાલે નિવૃત આર્મી જવાનના અંતિમ સંસ્કાર કરાશે.
વડોદરાના સુરેશ-તરસાલી રિંગ રોડ પર આવેલી વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા મહેશ ગંગારામ ચાલકે (ઉ.33)એ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા મોટાભાઇ રાજેશ ગંગારામ ચાલકે (ઉ.48) આર્મીમાંથી નિવૃત થયા હતા અને હાલ સુશેન સર્કલ પાસે આવેલ SRP ગ્રુપ-9ના મિલન માર્કેટમાં શાકભાજીની દુકાન કરીને જીવન ગુજારતા હતા. હું અને મારો ભાઇ હાલ સંયુક્ત પરિવારમાં રહેતા હતા.
ગઇકાલે 31 માર્ચના રોજ હું મારી નોકરી ઉપર જતો હતો. તે દરમિયાન સાંજના 6:15 વાગ્યાની આસપાસ મારી પત્ની અંજલીનો મારા ઉપર ફોન આવ્યો હતો કે, મારા મોટાભાઇ રાજેશને અકસ્માત થયો છે અને તેઓને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે, ફરજ પરના ડોક્ટરોએ તેઓને મૃત જાહેર કર્યાં હતા.
ત્યારબાદ મને જાણવા મળ્યું હતું કે, મારા મોટાભાઇ રાજેશ સાંજના 6 વાગ્યાની આસપાસ પોતાની શાકભાજીની દુકાનથી એક્ટિવા લઈને ઘરે આવવા માટે નીકળ્યા હતા. આ સમયે તેઓ સુશેન-તરસાલી રોડ પર અન્નપૂર્ણા હોટલ પાસે રોડ ક્રોસ કરતા હતા. ત્યારે બજાજ પલસર બાઇક પર સવાર નિતેશ બદ્વીપ્રસાદ વર્મા (રહે.ધનટેકરીની ચાલી, અકોટા પોલીસ લાઇનની બાજુમાં, વડોદરા) અને અન્ય બે યુવાનો અક્ષય વર્મા અને અમિત વર્મા જઈ રહ્યા હતા. બાઇક ચાલકે ગફતલભરી રીતે બાઇક ચલાવીને મારા ભાઇની એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં મારા ભાઇને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હોસ્પિટલમાં પહોંચતા સુધીમાં તેમનું મૃત્યું થયું હતું. પોલીસે બાઇક ચાલક નિતેષ વર્મા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતકના નાનાભાઇ મહેશ ચાલકેએ જણાવ્યું હતું કે, મારા મોટાભાઇ રાજેશ ચાલકે આર્મીમાં કેપ્ટન થઈને ફેબ્રુઆરી-2022માં જ નિવૃત થયા હતા અને નિવૃત થયા બાદ શાકભાજીની શોપ શરૂ કરી હતી. પોતાની દુકાનથી ફ્રેશ થવા માટે ઘરે આવી રહ્યા હતા, તે સમયે ત્રણ છોકરાઓ પલસર બાઇક પૂરપાટ ઝડપે આવી રહ્યા હતા અને મારા ભાઇની એક્ટિવા સાથે એક્સિડેન્ટ કર્યો હતો. જેમાં મારા ભાઇનું મોત થયું હતું. અકસ્માત બાદ એક છોકરો પકડાઇ ગયો છે અને બે સ્થળ પરથી ભાગી ગયા છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા મોટાભાઇનો એક પુત્ર દિક્ષાત જર્મનીમાં માસ્ટરનો અભ્યાસ કરે છે, તે વડોદરા આવવા નીકળી ગયો છે અને નાનો પુત્ર પાર્થ વડોદરાની એમ.એસ.યુનિવર્સટીમાં અભ્યાસ કરે છે.