- ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચનાથી કોર્પોરેશનની દબાણ શાખાએ કમ્પાઉન્ડ વોલ સહિત 8 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરાઇ
વડોદરા કોર્પોરેશનના ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાએ આજે શહેરના અલગ અલગ બે વિસ્તારમાં ટીપી માર્ગ પર ઉભા થયેલા દબાણો દૂર કર્યા હતા. અંદાજે 20 જેટલી મિલકતોના દબાણો તોડી પાડવા સાથે જમીન ખુલ્લી કરવામાં આવી હતી. આ ઉપરાંત ગત સાંજે શહેરના પૂર્વ વિસ્તારમાં હંગામી દબાણો દૂર કરાતા બે ટ્રક ભરી સામાન જપ્ત કરવા સાથે દોઢ ડઝન જેટલા શેર તોડી પાડવામાં આવ્યા હતા.
વડોદરા'પાલિકાની દબાણ શાખાએ આજે ટીપી 12 ફાઈનલ પ્લોટ નં. 61 નિઝામપુરા બસ સ્ટેન્ડ સામે આવેલ જલજ્યોત એપાર્ટમેન્ટની પાછળ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં ઉભા થયેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી. ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચનાથી કોર્પોરેશનની દબાણ શાખાએ અહીંથી કમ્પાઉન્ડ વોલ સહિત 8 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરી હતી. સ્થાનિક પોલીસની મદદથી સમગ્ર કાર્યવાહી કરતા અહીં જેસીબીથી પાલિકાનો રિઝર્વ પ્લોટ ખુલ્લો કરાયો હતો. તેવી જ રીતે, જુના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાછળ ટીપી 10 અંતર્ગત આવતા 18 મીટરના ટીપી રોડ પર ઉભા થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આ જગ્યા પરથી ફેન્સીંગ, વાડ, કમ્પાઉન્ડ વોલ સહિત આઠ જેટલા દબાણો દૂર કરાયા હતા. એવી જ રીતે, ગઈકાલે સાંજે મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ થઈ હાઇવે સુધીના માર્ગ ઉપર ઉભા થયેલા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. અહીંથી અંદાજે દોઢ ડઝન જેટલા શેડ દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો. ઉપરાંત બે ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.