- ફૂટપાથ આગળ બેરીગેટ્સ અને એની આગળ જીપ પાર્ક કરી પોલીસ દરરોજ ટ્રાફિક જામ કરે છે...!!
- આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે ત્યારે સાંકડા રોડ પર ટ્રાફિકની સમસ્યા વધુ જટિલ બનશે..!
વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા જટિલ બની રહી છે એવામાં પોલીસ જ આડેધડ પાર્કિંગ કરે તો ફરિયાદ ક્યાં કરવી ? ટ્રાફિકના સૌથી વધુ ભારણ ધરાવતા રાવપુરા રોડ પર પોલીસ જ રોડ ની વચ્ચોવચ જીપ પાર્ક કરી ટ્રાફિક જામ કરે છે.
વડોદરા શહેરમાં ટ્રાફિકનું ભારણ દિન-પ્રતિદિન વધતું જાય છે. ટ્રાફિકના ભારણને ખાળવામાં પાલિકા અને પોલીસ સદંતર નિષ્ફળ ગયા છે એ સનાતન સત્ય છે. એવામાં જેની જવાબદારી છે કે ટ્રાફિકનું ભારણ ઓછું કરવાનું, પરંતુ એ વિભાગ જ ટ્રાફિક જામ કરે તો સવાલ ઉઠે એ સ્વાભાવિક છે. રાવપુરા રોડ પર આવેલું રાવપુરા પોલીસ મથક ટ્રાફિકનું સૌથી વધુ ભારણ ધરાવતા રોડ પૈકીના એક રોડ પર આવેલું છે. જો કે રાવપુરા પોલીસ મથકની પોલીસ જીપના ડ્રાયવરને કદાચ ખબર હોય એવુ લાગતું નથી. રાવપુરા પોલીસની જીપ રોડ પર વચ્ચોવચ પાર્ક કરવામાં આવે છે અને એ પણ દરરોજ.
પોલીસ ની જીપ આડેધડ પાર્ક થવાથી ટ્રાફિક ની સમસ્યા વધુ જટિલ થાય છે. જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો એ સ્પષ્ટ કરે છે કે પોલીસ જ ટ્રાફિક જામ કરે છે. પોલીસ સ્ટેશન ના ફુટપાઠ નીચે બેરીગેટ્સ અને બેરીગેટ્સ પછી જીપ પાર્ક થાય તો સાંકડા રોડ પર ટ્રાફિક જામ ના થાય તો બીજું શું થાય ? ખેર, હવે જયારે પોલીસની જીપ ને કારણે ટ્રાફિક જામ થતો હોવાનું અમે કેમેરામાં કંડારી રહ્યા હતા ત્યારે સત્ય સ્વીકારવાને બદલે રાવપુરા પોલીસ મથકના એક મહાશય પોલીસનો લૂલો બચાવ કરવા દોડી આવ્યા હતા. તેમણે પોલીસના બચાવમાં પાર્કિંગ ની જગ્યા નહીં હોવાની દલીલ કરી હતી. જો કે પોલીસ સ્ટેશનની પાછળ આવી દશ જીપ પાર્ક થઈ શકે એટલી જગ્યા છે.
અમે તમને એ પણ જણાવી દઈએ કે આ રોજનું છે. હવે આગામી દિવસોમાં તહેવાર આવી રહ્યા છે ત્યારે ખરીદી કરવા નીકળતા નાગરિકોને કેટલી હાલાકી ભોગવવી પડશે ?