- નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, વાહનો ચાલકો અટવાયા
વડોદરામાં ભારે ઉકળાટ બાદ બપોરે પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ થયો છે. જેને પગલે નોકરી-ધંધા પરથી ઘરે જઈ રહેલા લોકો અટવાઈ ગયા હતા અને પહેલા વરસાદને કારણે ધરતીપુત્રોમાં ખુશી વ્યાપી ગઈ છે.
વડોદરા શહેરમાં ગત શનિવારથી ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે. ચાલુ સિઝનમાં વડોદરા શહેર સાથે તમામ તાલુકાઓમાં વરસાદની હાજરી નોંધાઈ હતી. સૌથી વધુ વરસાદ વડોદરા જિલ્લાના ડેસર તાલુકા ખાતે પડ્યો હતો. જ્યાં અત્યાર સુધીમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જેથી ખેડૂતો હરખાયા હતા. તો બીજી તરફ વડોદરા શહેરમાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.
આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક છૂટો છવાયો વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યાથી વડોદરાના વિવિધ વિસ્તારોમાં એકધાર્યો મુશળધાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદને કારણે શહેરના રાવપુરા, ન્યાય મંદિર, માંડવી અને માંજલપુર સહિત અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં આજે અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થઈ જતા રસ્તા પર નીકળેલા વાહન ચાલકો અટવાઈ ગયા હતા. તો કેટલાક રીક્ષા ચાલકો અને બાઈક ચાલકોના વાહનો ખરાબ થઈ જતા તેઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મળતી માહિતી મુજબ, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. અહીં વીતેલા 24 કલાકમાં આજે સવારે છ વાગ્યા સુધી સાત મીમી વરસાદ નોંધાયો હતો. હાલોલમાં વરસાદ પડતા તેના પાણી આજવા સરોવરમાં આવતા હોવાથી આજવાની સપાટીમાં હવે ધીરે ધીરે વધારો નોંધાય તેવું અનુમાન છે. સીઝનના પહેલા વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. વડોદરા શહેરની સાથે વડોદરા જિલ્લાના કેટલાક તાલુકાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળ્યા છે. હાલમાં ચાલી રહેલા શરદી, ખાંસી, તાવની બીમારી વચ્ચે વરસેલા વરસાદથી લોકોમાં ગભરાટ ફેલાવી દીધો હતો અને ફૂટપાથવાસીઓ દયનીય સ્થિતીમાં મુકાઇ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, ગત શનિવારની વહેલી સવારથી નૈઋત્યના ચોમાસાનો પ્રારંભ થયો હતો. શનિવારથી વરસાદનો પ્રારંભ થયો હોવાથી આ વર્ષે શહેર માટે ચોમાસુ સારું રહે તેવું અનુમાન લોકો લગાવી રહ્યા છે.