જમીનના કેસમાં નિસ્બત નહીં હોવા છતાં અરજીઓ કરી તોડ પાડતા RTI એક્ટિવિસ્ટની ધરપકડ

આરોપીએ ફરિયાદીના ગળે ચપ્પુ મુકી મારી નાખવાની ધમકી આપી 1 કરોડ પડાવ્યા હતા

MailVadodara.com - RTI-activist-arrested-for-filing-and-vandalizing-petitions-despite-having-no-connection-to-land-case

- નાગરિકો પાસેથી ખોટી રીતે રૂપિયા પડાવવા માટે જમીન મિલકતમાં કોઇ હક્ક ન હોવા છતાં નામદાર કોર્ટ તેમજ સરકારી કચેરીઓમાં RTIની અરજીઓ કરી રૂપિયા પડવતો હતો

વડોદરામાં જમીન-મિલકત ધરાવતા નાગરિકો પાસેથી ખોટી રીતે રૂપિયા પડાવવા માટે જમીન મિલકતમાં કોઇ હક્ક નહીં હોવા છતાં નામદાર કોર્ટ તેમજ સરકારી કચેરીઓમાં RTIની અરજીઓ કરી રૂપિયા મેળવવાનો ધંધો ચાલતો હતો. આ મામલે પોલીસે બે નાગરિકો સાથે એક જ પ્રકારની મોડસ ઓપરેન્ડીથી પૈસા પડાવનાર કહેવાતા RTI એક્ટિવિસ્ટ ડાહ્યાભાઇ શનાભાઇ રાજપૂત (રહે. વડોદરા) સામે છાણી અને ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે અને ત્યારબાદ છાણી પોલીસે તેની ધરપકડ કરી છે. વડોદરા પોલીસે લોકોને અપીલ કરી છે કે, આ પ્રકારના તત્વોનું દૂષણ ડામવા માટે તુરંત પોલીસને સંપર્ક કરો.


આરોપી સામે છાણી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ડાહ્યાભાઇ શનાભાઇ રાજપૂત (રહે. પરિવાર પાર્ક, કરોડિયા)નો દશરથ ગામની જમીનમાં કોઇ હક્ક હિસ્સો નહોતો છતાં ગુજરાત હાઇકોર્ટ, કલેક્ટર કચેરી, સિવિલ કોર્ટ, મામલતદાર અને કૃષિ પંચ વડોદરા ગ્રામ્યની કોર્ટમાં ગણોતધારાને લગતો કેસ દાખલ કર્યો હતો. જે કેસ સંબંધે સમાધાન પુરચીશ લખી આપી ફરીથી આ બાબતે કોઇ અરજી નહીં કરે તેમ લખી આપ્યું હતું. તેના બદલામાં તેણે રૂ. 10 લાખ મેળવ્યા હતા. ત્યારબાદ તેણે ધમકી આપીને 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને જણાવ્યું હતું કે, તમે મને ઓળખતા નથી. આ પહેલા પણ ઘણા લોકોને સીધા કરી દીધા છે. તમે મને 75 લાખ રૂપિયા આપી દો. નહીં તો તમે શોધ્યા નહીં જડો અને જીવથી જશો. તેણે પૈસા પડાવવા માટે જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આખરે ઉપરોક્ત મામલે છાણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

આરોપી સામે ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, ડાહ્યાભાઇ શનાભાઇ રાજપૂતે વર્ષ 2017થી 2025 સુધી દશરથની અન્ય જનીમ બાબતે 99 વર્ષના ભાડા કરારવાળો લેખ કોઇ ડોક્યૂમેન્ટમાં સહીં કરવાના બહાને બનાવી તેમાં સહી મેળવીને ફરિયાદીના ભાઇ-બહેનો વિરૂદ્ધ કલેક્ટર કચેરીમાં ખોટા કેસો અને દાવાઓ કરી તે દાવા અને કેસોમાં સમાધાન કરવાના બહાને બળજબરીથી પૈસાની માંગણી કરી હતી. અને જો પૈસા નહીં આપો તો હેરાન-પરેશાન કરી જીવવું હરામ કરી દેવાની ધમકી આપી હતી. જે મામલે આખરે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

બંને ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ડાહ્યાભાઇ શનાભાઇ રાજપૂતે અન્ય લોકો સાથે મળીને ગોત્રીની જમીનમાં પોતાનો હક-હિસ્સો નહીં હોવા છતાં ફરિયાદી સામે દાવાઓ કરી, જમીનમાં ઘૂસવા નહીં દેવાનું જણાવીને એક ફરિયાદીના ગળાના ભાગે ચપ્પુ મુકીને મારી નાંખવાના ભયમાં MOU કરીને રૂ. 1 કરોડ પડાવ્યા હતા. ત્યારબાદ ફરીથી દાવાઓ કરીને અવાર નવાર રૂ. 14 કરોડની માંગણી કરવામાં આવી હતી. જો પૈસા નહીં આપે તો જમીમાં ઘૂસવા નહીં દેવાની તથા જાનથી મારી નાંખવાની ધમકી આપીને ગુનો આચર્યો હતો. તે મામલે આરોપી સામે વર્ષ 2024માં ગોત્રી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને તે સમયે તેની ધરપકડ કરવામાં આવી હતી.

Share :

Leave a Comments