- યાર્ડમાં ટ્રેન ધીમી પડતા પર્સની ચોરી કરીને ઉતરી ગયેલા ચોર પર મહિલાની નજર પડતાં ચોર-ચોરની બૂમાબૂમ કરી પરંતુ, તે ભાગી ગયો
રાજસ્થાનથી રણકપુર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને બોરીવલ્લી તરફ આવી રહેલ મહિલાના માથા પાસેથી ચોરે રૂપિયા 1.31 લાખની મતા ભરેલ પર્સની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. વડોદરા સ્ટેશન પહેલા યાર્ડમાં ટ્રેન ધીમી પડતા ચોર પર્સ ચોરીને ઉતરી ગયો હતો. બાદમાં મહિલાએ બૂમાબૂમ કરી પરંતુ, તે ભાગી ગયો હતો. આ બનાવને લઇ રેલવે પોલીસે ગઠિયાને શોધખોળ હાથ ધરી હતી.
આ બનાવ અંગે રાજસ્થાન ખાતે રહેતા અને કેટરર્સનો ધંધો કરતા વિનોદકુમાર નારમણલાલજીએ રેલવે પોલીસમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, તા.4 માર્ચના રોજ સાંજે 4.45 વાગ્યે ફાલના રેલવે સ્ટેશન પરથી મારી પત્ની સીમા તથા નાના ભાઈ લાદુ સાથે બોરીવલ્લી રેલ્વે સ્ટેશન જવા માટે ટિકિટ લઇને રણકપુર એક્સપ્રેસ ટ્રેનના કોચમાં બેઠા હતા. ટ્રેનમાં સીટીંગમાં વેઈટિંગ હોવાથી મારી પત્ની સીટ નીચે પોતાનો સામાન લઈ બેઠા હતા. તે દરમિયાન મારી પત્નીએ થેલામાં મોબાઇલ, એક તોલા સોનાની માથામાં પહેરવાની રખોડી બોર જે બે નંગ 60 હજાર, એક ગળામાં પહેરવાની સોનાની ચેઇન જેની કિંમત રૂપિયા 25 હજાર અને રોકડા રૂપિયા 45 હજાર તેમજ આધારકાર્ડ, પાનકાર્ડ, એ.ટી.એમ કાર્ડ યુનિયન બેંક પરચૂરણ સામાન મૂકેલો હતો.
મારી પત્નીએ પર્સ ભરેલો થેલો તેના માથા પાસે મૂક્યો હતો. આ દરમિયાન વડોદરા રેલ્વે સ્ટેશન આવ્યાના 5 મિનિટ પહેલા ટ્રેન ધીમી પડી હતી. તે વખતે લાઇટ બંધ હતી, તે દરમિયાન મારી પત્ની સીમાના માથા પાસે રાખેલા થેલામાંથી ગઠિયો 1.31 લાખની મતા ભરેલુ પર્સ કાઢીને લઇ ચાલુ ટ્રેને ઉતરી ગયો હતો. મારી પત્નીએ એ જ વખતે ચોર-ચોરની બૂમો પાડી હતી પરંતુ, ચોર ભાગી ગયો હતો. રેલવે પોલીસે તેમની ફરિયાદના આધારે ચોરીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.