- લાયસન્સ રદ કરવાની જોગવાઈનો કોર્પોરેશનના તંત્ર દ્વારા અત્યાર સુધી કેમ ઉપયોગ ન કરાયો તે મુદ્દે વડોદરા શહેર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તાજેતરમાં હલકી કક્ષાનો ખાદ્ય પદાર્થ વેચવા બદલ 22 વેપારીઓના લાઇસન્સ એક મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ મુદ્દે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર તેમજ ફૂડ સેફટી કમિશનરને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, છેલ્લા બે વર્ષમાં જે કોઈ દુકાનદાર અથવા રેસ્ટોરન્ટમાંથી હલકી કક્ષાનો અથવા તો અખાદ્ય ફૂડ મળી આવ્યું હોય તો એ તમામના લાઇસન્સ રદ કરવાની માગણી કરવામાં આવી છે.
વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા મ્યુનિસિપલ કમિશનર તેમજ ફૂડ સેફટી કમિશનરને આપેલા પત્રમાં વધુમાં જણાવાયું છે કે, અગાઉ આ બાબતે રજુઆત કરવા છતાં પણ આજ સુધી કોઇ દુકાન કે રેસ્ટોરન્ટના લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી. અત્યાર સુધી તંત્ર એવું કહેતું હતું કે અમારી સત્તામાં અખાઘ ખોરાકનો જથ્થો નાશ કરવાની અને સબ સ્ટાન્ડર્ડ પ્રોડકટ હોય તો કલેકટર ઓફીસને જાણ કરવા સિવાય કોઇ અધિકાર નથી. એક્ટની સેકશન 32 અંતર્ગત લાયસન્સ સસ્પેન્ડ કરવાની જોગવાઇ હતી તો આનો ઉપયોગ અત્યાર સુધીમાં કેમ કરવામાં આવતો ન હતો તે સવાલ ઉઠાવ્યો હતો.
અગાઉ પત્ર લખીને એવી પણ રજુઆત કરેલી હતી કે આ દાંત વગરનું ડીપાર્ટમેન્ટ છે, કોઇ એકશન લઇ શકતું નથી તેમ છતાં કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આ દરમિયાન તંત્ર દ્વારા એવું જણાવાયું છે કે ફૂડ સેફટી ઓફિસરો દ્વારા ખાદ્ય પદાર્થોના જે નમૂના લેવામાં આવ્યા છે તેમાં જે નમુના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે તેના દુકાનદારોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસો આપવામાં આવેલ હતી. આ નોટિસની મુદત 15 દિવસની હતી. જે વેપારીઓએ આ ઇમ્પ્રુવમેન્ટ નોટિસોનો જવાબ નથી આપ્યો તેવાના લાઇસન્સ એકટ મુજબ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.