- તમામ પ્રકારની નોંધણી www.voters.eci.gov.in ઉપર અને વોટર હેલ્પલાઈન એપ્લિકેશન દ્વારા તેમજ ટોલ ફ્રી 1950 નંબર પર સંપર્ક કરીને માહિતી મેળવી શકાશે
વડોદરા જિલ્લામાં તા.28 નવેમ્બર સુધીમાં મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવાની પ્રક્રિયા શરૂ થશે. તારીખ 01/01/2025ની સ્થિતિએ જેના 18 વર્ષ પૂર્ણ થતા હોય તેમજ જેઓનું હજુ સુધી મતદાર યાદીમાં નામ નોંધાયેલ નથી એવા તમામ લાયક ભાવિ મતદારોનું મતદાર યાદીમાં નામ નોંધાય તે હેતુથી તા.29/10/2024થી તા.28/11/2024 દરમિયાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. 17/11/2024 (રવિવાર), તા.23/11/2024 (શનિવાર) અને તા.24/11/2024 (રવિવાર)ને ખાસ ઝુંબેશના દિવસો નક્કી કરવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લામાં સમાવિષ્ટ ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોમાં કુલ- 1306 તેમજ શહેરી વિસ્તારના મતદાન મથકોમાં કુલ-1270 મળી કુલ મતદાન મથકો- 2576 ખાતે બુથ લેવલ ઓફિસર ખાસ ઝુંબેશના દિવસોએ સવારના 10.00 કલાકથી સાંજના 05.00 કલાક સુધી ઉપસ્થિત રહેશે સાથે જ મતદારયાદીમાં નામ દાખલ કરવા ફોર્મ નં. 06, નામ કમી કરવા માટે ફોર્મ નં.07 તેમજ મતદારયાદીમાં સુધારા (ફોટો સ્થળ અને અન્ય વિગતો) માટે ફોર્મ નં. 08 જરૂરી આધાર પુરાવા સાથે સ્થળ ઉપર જ રજુ કરી શકાશે. મહત્વનું છે કે, ઉપરોક્ત તમામ પ્રકારની નોંધણી www.voters.eci.gov.in ઉપર અને વોટર હેલ્પલાઈન એપ્લિકેશન દ્વારા પણ કરી શકાય છે. ટોલ ફ્રી નંબર 1950 પર સંપર્ક કરીને જરૂરી માહિતી મેળવી શકાશે.