બરોડા ડેરીમાં આગામી બે માસ માટે પ્રમુખ સતિષ પટેલ,ઉપપ્રમુખ પદે ક્રિપાલસિંહ રાઉલજી ચૂંટાયાં

ચૂંટણીના પગલે બરોડા ડેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

MailVadodara.com - President-Satish-Patel-Vice-President-KripalSingh-Raulji-elected-for-next-two-months-in-Baroda-Dairy

- ટેકેદારો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા, જિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરીના પ્રથમ 2.5 વર્ષ માટેની મુદ્દત આગામી જુલાઈમાં પૂર્ણ થશે


વડોદરા જિલ્લામાં સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરીમાં આગામી બે માસ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે જિલ્લા ભાજપા પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા) તેમજ ઉપપ્રમુખ પદે ક્રિપાલસિંહ મહારાઉલની સર્વાનુંમતે વરણી કરવામાં આવી છે. આ ચૂંટણી આજે બરોડા ડેરીના બોર્ડરૂમ ખાતે યોજવામાં આવી હતી.

જિલ્લા સહકારી ક્ષેત્રે અગ્રેસર બરોડા ડેરીના પ્રથમ 2.5 વર્ષ માટેની મુદ્દત આગામી જુલાઈ માસમાં પૂર્ણ થાય છે પરંતુ, છેલ્લા કેટલાક સમયથી બરોડા ડેરીમાં ચાલી રહેલા વિવાદના પગલે અને ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પાદરાની બેઠક ઉપરથી બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલે (દિનુમામા) બળવો કરીને ચૂંટણી લડ્યા બાદ તેઓએ બરોડા ડેરીનાં પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. તે બાદ બરોડા ડેરીમાં શરૂ થયેલા વિવાદને પગલે ઉપપ્રમુખ જી.બી. સોલંકીએ પણ કાર્યકારી પ્રમુખ અને ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. પરિણામે પ્રમુખ અને ઉપપ્રમુખની ખાલી પડેલી જગ્યા માટે આજે ચૂંટણી યોજાઈ હતી.

આગામી બે માસ માટે પ્રમુખ ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં અગાઉથી નિર્ધારિત જિલ્લા ભાજપા પ્રમુખ અને બરોડા ડેરીના ડિરેક્ટર સતીશ પટેલ (નિશાળિયા) પ્રમુખ તરીકે અને બે દિવસ પૂર્વે જ કોંગ્રેસમાંથી ભાજપામાં આવેલા ડિરેક્ટર ક્રિપાલસિંહ મહા રાવલની ઉપપ્રમુખ પદે સર્વાનુમતે આગામી બે માસ માટે વરણી કરવામાં આવી હતી.


બરોડા ડેરીના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના પગલે બરોડા ડેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ચૂંટણીના પગલે સંભવિત પ્રમુખ અને ઉપ્રમુખના ટેકેદારો તેમાં શુભેચ્છકો મોટી સંખ્યામાં બરોડા ડેરી ખાતે આવી પહોંચ્યા હતા અને સર્વાનુમતે ચૂંટાયેલા પ્રમુખ પ્રમુખને ફુલહાર કરીને શુભેચ્છાઓ પાઠવી હતી.

નવનિયુક્ત પ્રમુખ સતીશ પટેલ (નિશાળિયા)એ જણાવ્યું હતું કે બધાને સાથે રાખી બરોડા ડેરીના વણથંભી વિકાસને આગળ ધપાવવામાં આવશે. પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં દૂધની આવકમાં ઘટાડો થતો હોય છે પરંતુ, બરોડા ડેરી દ્વારા જે રીતે સુચારું આયોજન કરવામાં આવે છે તે રીતે આ વખતે પણ કરવામાં આવશે અને બરોડા ડેરીના દૂધની આવકમાં સતત વધારો થતો રહે તેવા પ્રયાસો કરવામાં આવશે. આ ઉપરાંત બરોડા ડેરીમાં ઉનાળાની સિઝનમાં દૂધની આવક જળવાઈ રહે તે માટે દૂધ ઉત્પાદક પશુપાલકોને પોષણક્ષમ ભાવ આપવામાં પણ બરોડા ડેરી દ્વારા વિચારણા કરવામાં આવશે.

આજે બરોડા ડેરી ખાતે આગામી બે માસ માટે યોજાયેલી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં તત્કાલીન પ્રમુખ દિનેશ પટેલ દિનુ મામા ઉપપ્રમુખ જી.બી. સોલંકી કુલદીપસિંહ રાહુલજી, શૈલેષ પટેલ, રણજીતસિંહ રાઠવા, મેયર નિલેષ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ ડૉ. વિજય શાહ, સાસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય (શૈલેષ મહેતા સોટ્ટા), સહકારી આગેવાન અને બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંકના ચેરમેન અતુલ પટેલ સહિત તમામ ડિરેક્ટરો ઉપસ્થિત રહ્યા હતા.

Share :

Leave a Comments