- MSUની વિવિધ ફેકલ્ટી અને દીવાલો પર ઠેર ઠેર પોસ્ટરો લાગતા તંત્ર દોડતુ થયું
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં વાઈસ ચાન્સેલર લાપતા થયા હોવાના પોસ્ટર લાગતા શિક્ષણ જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. ABVPના કાર્યકરોએ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં વીસી ડો.વિજયકુમાર શ્રીવાસ્તવ ગુમ થયા હોવાના પોસ્ટરો લગાવ્યા છે. આ પોસ્ટર કોમર્સ, સાયન્સ સહિત અનેક ફેકલ્ટીઓમાં લાગાવાયા છે. જેને પગલે યુનિવર્સિટીની સિક્યુરિટી અને વિજિલન્સ દોડતી થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, વીસી દ્વારા પદવિદાન સમારોહની તારીખ જાહેર કરવામાં સમય લગાવાયો હતો. સાથે સાથે ગયા વર્ષના સ્કાપ, ફોલ્ડર આપવા અને ગયા વર્ષની માર્કશીટ આપવામાં નથી આવી તેવો પણ પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીમાં વાઇસ ચાન્સેલર પોતાની મનમાની કરવા માટે જાણીતા છે. તેઓ એ હદે મનમાની ચલાવે છે કે, સિન્ડીકેટ મેમ્બરો દ્વારા રજૂ કરવામાં આવતી વિદ્યાર્થીઓના હિતની વાતો પણ સાઇડ પર મુકાઇ જાય છે, ત્યારે તાજેતરમાં સિન્ડીકેટ મેમ્બરોએ બેઠકમાંથી વોક આઉટ કર્યું હતું. છતાં પણ તેમના વર્તનમાં કોઇ સુધારો જણાયો નથી. આજે યુનિવર્સિટીમાં સિન્ડીકેટની બેઠક મળવા જઇ રહી છે, તે પહેલા યુનિવર્સિટી કેમ્પસમાં ઠેર ઠેર એમ.એસ.યુ.ના વીસી ખોવાયા છે, તેવા પોસ્ટરો લગાડવામાં આવ્યા છે. પોસ્ટરો લાગવાને કારણે યુનિવર્સિટી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વાઈસ ચાન્સેલર પ્રો.વિજયકુમાર શ્રીવાસ્તવની કાર્યપધ્ધતિ સામે યુનિવર્સિટીમાં સિન્ડિકેટ, અધ્યાપક આલમ, વિદ્યાર્થી આલમ, કર્મચારીઓ એમ તમામ મોરચે ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાઈસ ચાન્સેલરને હવે સરકાર હટાવે તેવી પણ માંગણી ઉઠી રહી છે.
યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીની દીવાલો પર લાગેલા પોસ્ટરમાં વીસી ડો.વિજયકુમાર શ્રીવાસ્તવનો ફોટો મુકવામાં આવ્યો છે. જેમાં વીસી લાપતા થયા હોવાનો ઉલ્લેખ છે અને તેમને પ્રશ્નો પુછતા લખવામાં આવ્યું છે કે, પદવીદાન સમારોહની તારીખ જણાવવાનો કષ્ટ કરો, ગત વર્ષના ફોલ્ડર અને સ્કાર્ફ આપવાનો કષ્ટ કરો, અને 30000 વિદ્યાર્થીઓને માર્કશીટ પહોંચાડવાનો કષ્ટ કરો. આ પોસ્ટર મહારાજા સયાજીરાવ દ્વારા શિક્ષાના ઉદ્દેશ્યથી દાનમાં આપવામાં આવેલી યુનિવર્સિટીના વિદ્યાર્થી દ્વારા લખવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આ પોસ્ટરો લાગતા જ તંત્ર દ્વારા યુનિવર્સિટીની વિજિલન્સને દીવાલો પરથી પોસ્ટરો હટાવવાના આદેશ આપવામાં આવ્યા હતા. વિજિલન્સના સભ્યોએ પોસ્ટરો હટાવવા માટે દોડધામ કરી હતી. જોત જોતામાં પોસ્ટરોના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વીસી ડો.વિજયકુમાર શ્રીવાસ્તવ વિવાદિત વીસી હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. ABVP વિદ્યાર્થી નેતાઓની માંગ છે કે, વીસીએ નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ, વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે વીસીને મળવા જઈએ ત્યારે મળતાં નથી, ગાંધીનગર છે એવો જવાબ મળે છે, એટલે વીસી લાપતા થયાના પોસ્ટર લગાવ્યા છે.