- પાણીગેટ પોલીસે જુગારીઓની અંગજડતી અને દાવ પરના રોકડા, 7 મોબાઇલ અને 6 બાઇક મળી 2.37 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
શહેરના વાઘોડિયા રોડ પર ડી માર્ટ પાસે આવેલા સોસાયટીના મકાનમાં ચાલતા જુગારધામ પર પાણીગેટ પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસની રેઇડના પગલે જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જેમાં 8 ખેલીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. જુગારીઓની અંગજડતી અને દાવ પરના રોકડા, 7 મોબાઇલ અને 6 બાઇક મળી 2.37 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર કલાદર્શન ચાર રસ્તા પાસેની વ્રજ વિહાર સોસાયટીમાં રહેતો રાજેશ જાનુરાવ થોટે ડી-માર્ટ પાસે આવેલી મારૂતીધામ સોસાયટીના મકાન નં. 24માં બહારથી માણસો બોલાવીને જુગાર રમાડે છે. તેવી બાતમી પેટ્રોલિંગમાં ફરી રહેલા પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ મળી હતી. જેના આધારે પોલીસે બાતમી મુજબના મારુતિધામ સોસાયટીના મકાન નંબર 24માં દરોડો પાડ્યો હતો. પોલીસની રેઇડનાપગલે જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે પોલીસ સ્થળ પરથી 8 ખેલીઓ રાજેશ જાનુરાવ થોટે, જગદીશ જીવનભાઇ વસાવા, મહેશ હનમંતભાઇ ચૌધરી, ઇશ્વર અર્જુનભાઇ ચૌધરી, ઘનશ્યામ શાન્તારામભાઇ પવાર, નિતેશ કાશીનાથ ગાયકવાડ, પવન વિષ્ણુભાઇ પવાર ર્તેથા સુરેશ શિયારામભાઇ ભાટિયાને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં જુગારીઓના અંગજડતી અને દાવ પર લાગેલી રોકડ, 7 મોબાઇલ અને 6 બાઇક 2.15 લાખ સાથે 2.37 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.