- દક્ષિણ વિસ્તારના ગામો ઉપરાંત કરજણ અને શિનોર તાલુકાના 5.50 લાખથી વધુ લોકોને પીવાનું ચોખ્ખું પાણી ડિસેમ્બર મહિનાના અંત સુધીમાં મળતું થઇ જશે
વડોદરા શહેરથી દક્ષિણ વિસ્તારના ગામો ઉપરાંત કરજણ અને શિનોર તાલુકાના ૫.૫૦ લાખથી પણ વધુ લોકોને પીવાનું ચોખ્ખું પાણી આપવા માટે રૂપિયા ૧૮૪ કરોડના ખર્ચથી નાંખવામાં આવી રહેલી બલ્ક પાઇપ લાઇનનું કામ પૂર્ણ થયું છે. આ ઉપરાંત પાદરા, સાવલી અને ડેસર તાલુકાના ગામો માટે ચાલી રહેલી પાણી પુરવઠા યોજનાઓ આગામી વર્ષે માર્ચ ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થતાં વડોદરા જિલ્લાને સો ટકા સરફેસ પાણી મળતું થઇ જશે. ગુતાલ નજીક નર્મદા કેનાલથી એક પેકેજમાં ૩૯ અને પેકેજ બીજામાં ૪૯ એમ ૮૮ કિ.મીની પાઇપ નાખવાનું કામ પૂર્ણ કરાયું છે.
વડોદરા જિલ્લાના કરજણ, શિનોર અને વડોદરા દક્ષિણ વિભાગના ગામોમાં હાલ પાતાળ કૂવા આધારિત સ્વતંત્ર કે જૂથ યોજના દ્વારા ગ્રામજનોને પીવાનું પાણી આપવામાં આવે છે. તેમના માટે પાણી પુરવઠાની વડોદરા બલ્ક પાઇપ લાઇન યોજનાના કુલ બે પેકેજ હેઠળ નર્મદાનું પાણી નાખવા માટે લાઇન બિછાવવાની કામગીરી પૂર્ણ થઇ છે. પ્રથમ પેકેજમાં નર્મદા મેઈન નહેરની ૮૧.૮૧ કિ.મી.ની સાંકળેથી નીકળતી વડોદરા બ્રાંચ કેનાલના ગુતાલ ગામ પાસેના પ્રથમ પુલ આધારિત વાઘોડિયા (સુધારણા) જૂથ પાણી પુરવઠા યોજનાનો સમાવેશ થાય છે. મેઈન પાઈપલાઈન મારફતે વડોદરા (દક્ષિણ) વિભાગ, કરજણ જુથ પાણી પુરવઠા અને શિનોર જુથ પાણી પુરવઠા યોજનાના ૩ મુખ્ય હેડવર્ક્સ સુધી પાણી ૬ પમ્પ દ્વારા પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પેકેજથી બીજા પેકેજ સુધી ૩૯ કિ.મી. લાંબી પાઇપ લાઇન નાંખવામાં આવી છે.
અંતિમ તબક્કાની કામગીરીમાં ૫,૫૦,૪૨૧ વ્યક્તિને ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં પાણી મળશે. પાણી પુરવઠા વિભાગ દ્વારા આ ઉપરાંત રૂા.૧૩૨ કરોડના ખર્ચથી પાદરાને મહીસાગરનું પાણી આપવા માટેની યોજના માર્ચ-૨૦૨૪ સુધી પૂર્ણ કરવાની તૈયારી છે.
પાદરા, સાવલી અને ડેસરના ગામો માટેની પાણી પુરવઠા યોજના માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરી જિલ્લાને ચોખ્ખું સરફેસ પાણી મળતું થશે. નાઇટ્રેટ, આલ્કલિટી, ટીડીએસને ધ્યાને રાખી ઘરોમાં ભૂગર્ભ જળને આરઓ જેવી પદ્ધતિથી ટ્રીટ કરવું પડે છે. પુરવઠા વિભાગની 132 કરોડના ખર્ચે પાદરાને મહીસાગરનું પાણી આપવાની યોજના 2024 સુધી પૂર્ણ કરવાની તૈયારી છે. 80 કરોડની સાવલી અને 100 કરોડની ડેસરની યોજના ડિસેમ્બર-2023 સુધીમાં પૂર્ણ કરાશે. પ્રથમ પેકેજમાં રાજ્ય સરકાર દ્વારા કુલ 98.16 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અને બીજા પેકેજમાં 86.33 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.