સાવલી પોલીસ મથકના PSI રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાયા, જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર

ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવી, ACBએ પોલીસ મથકમાં છટકુ ગોઠવી ઝડપ્યા

MailVadodara.com - PSI-of-Savli-police-station-caught-taking-bribe-of-20-thousand-rupees-a-shakeup-in-the-district-police-system

- PSIએ આણંદના દારૂના કેસમાં 35 હજારની લાંચની માંગણી કરી હતી


વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકના પી.એસ.આઇ. ડી.એમ. વાસદીયાને વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાએ સાવલી પોલીસ મથકમાં જ રૂપિયા 20 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. પી.એસ.આઇ.એ આણંદના દારૂના એક કેસમાં રૂપિયા 35 હજારની લાંચની માંગણી કરી હતી.

આ બનાવની વિગત એવી છે કે, મિકેનીકનો વ્યવસાય કરતા જયેશભાઇ જયંતિભાઇ મિસ્ત્રીએ સેકન્ડેન્ડ કાર તેમના ભાઇ ભાવિનકુમાર મણીભાઇ સુથારના નામે લીધી હતી. જે કારનું સ્ટેમ્પ પેપર ઉપર લખાણ કરી નોટરી કરાવીને જયેશભાઇએ પોતાના નામે કરાવી હતી. દરમિયાન વર્ષ -2019માં નાણાંની જરૂરીયાત પડતા તેઓએ આ કાર તેઓના મિત્ર પવનભાઇ પંડિત પાસે ગીરો મૂકી રૂપિયા 1,20,000 લીધા હતા.

જોકે, જયેશભાઇ મિસ્ત્રી સમયસર પોતાના મિત્ર પાસેથી કાર છોડાવી ન શકતા મિત્ર પવનભાઇ પંડિતે આ કાર આણંદના લોટીયા ભાગોળમાં રહેતા સંજયભાઇ પાસે ગીરો મૂકી નાણાં લીધા હતા. આ દરમિયાન આ કાર સાવલી પોલીસે દારુના કેસમાં પકડી હતી. પોલીસ તપાસમાં આ કાર જયેશભાઇ મિસ્ત્રીના ભાઇ ભાવિનકુમારના નામે હોવાથી પોલીસે તેની તા. 5-8-023ના રોજ અટક કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ દરમિયાન આ કેસની પતાવટ માટે જયેશભાઇ મિસ્ત્રીના પતિ ગૌરાંગગીરી ગોસ્વામી પી.એસ.આઇ. ડી.એમ. વાસદીયાને મળ્યા હતા. તેઓેએ આ કેસની પતાવટ માટે રૂપિયા 35 હજારની માંગણી કરી હતી. આ કેસના ફરિયાદી અને મિકેનીક જયેશભાઇ મિસ્ત્રીની પત્ની લાંચ આપવા માંગતા ન હતા. આથી તેઓએ વડોદરા એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.


વડોદરા એ.સી.બી.ના મદદનીશ નિયામક પરેશ ભેંસાણીયાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. એમ. કે. સ્વામીએ સ્ટાફની મદદ લઇ આજે સાવલી પોલીસ મથકમાં છટકું ગોઠવ્યું હતું. જયેશભાઇ મિસ્ત્રી અને તેમનો મિત્ર રાહુલ ઉર્ફ દેવો રમેશભાઇ સુથાર બંને સાવલી પોલીસ મથકમાં આવ્યા હતા. અને પી.એસ.આઇ. ડી.એમ. વાસદીયાને મળ્યા હતા. પી.એસ.આઇ.એ લાંચની રૂપિયા 20 હજાર રકમ કમ્પ્યુટરના છેલ્લા ડ્રોઅરમાં મૂકાવી હતી.

ફરિયાદીના પતિ જયેશભાઇ અને રાહુલભાઇએ પી.એસ.આઇ.ના કહેવાથી રૂપિયા 20 હજાર ડ્રોઅરમાં મૂકતાજ એ.સી.બી. ટીમ આવી પહોંચી હતી. અને પી.એસ.આઇ. ડી.એમ. વાસદીયાની ધરપકડ કરી વડોદરા લઇ આવી હતી. એ.સી.બી.એ તેઓ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર જગાવી મૂકી હતી.

Share :

Leave a Comments