શહેરના મકરપુરા GIDCમાં આવેલી વરુણ ઇન્ડસ્ટ્રીઝમાં શહેર PCB પોલીસે દરોડો પાડી 100 પેટી દારૂનો જથ્થો ઝડપી પાડતા ચકચાર મચી ગઇ છે. વિદેશી દારૂનો ધંધો શરૂ કરનાર ફેક્ટરી માલિકને પીસીબી પોલીસે રૂપિયા 5 લાખના દારૂના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. જાેકે પોલીસે દરોડો પાડી દારૂ પકડ્યો ત્યારે કંપની માલિકની તબિયત ખરાબ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી મુજબ વડોદરા શહેર PCB પોલીસના પીઆઇને બાતમી મળી હતી કે, મકરપુરા જીઆઇડીસીમાં વરૂણ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની આવેલી છે. જેના માલિક વિનુભાઇ સનાભાઇ રાઠોડ (રહે. સાનિધ્ય ડુપ્લેક્સ, સાંઇ ચોકડી, માંજલપુર) ફેબ્રિકેશનની ધંધાની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો છે, અને હાલ કપનીની ઓફિસવાળા રૂમમાં દારૂનો જથ્થો છે. જેથી બાતમીના આધારે PCB પીઆઇની સૂચના મુજબ પીસીબી સ્ટાફ સહિતની ટીમે બાતમી આધારિત મકરપુરા GIDCમાં આવેલ વરૂણ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીમાં દરોડો પાડ્યો હતો.
પોલીસે દરોડો પાડી વરૂણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીમાંથી અંદાજિત 100 પેટી ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ઓફિસમાં ચેક કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની 869 બોટલ તથા બિયરના 720 ટીન મળી કુલ રૂપિયા 5,06,000નો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી બે મોબાઈલ કબ્જે લીધા હતા. પ્રાથમિક તપાસમાં તેને જણાવ્યું હતું કે, સેલવાસ ખાતે રહેતો ધર્મેશ પાસેથી દારૂ લાવ્યો હતો તેમજ એક બોલેરો પીકઅપ જીપમાં ડ્રાઇવર તથા ચાર મજૂરો આ દારૂ ઉતારી ગયા હતા. જેથી પીસીબીની ટીમે કંપની સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જાેકે PCB પોલીસના દરોડા દરમિયાન વરૂણ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના સંચાલકને અચાનક ગભરામણ થતાં તેમને પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ વરૂણ ઇન્ડસ્ટ્રીઝ કંપની ખાતે પહોંચી હતી અને કંપની સંચાલકને સારવાર અર્થે 108 મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.