- કરદાતાઓએ ઓનલાઇન વેરો ભરી 4.72 કરોડ વળતર મેળવ્યું
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વેરાની 148 કરોડની આવક થઇ છે. પ્રોત્સાહક વેરા વળતર યોજના તા.5 જુલાઇએ પૂર્ણ થાય છે. વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2023-24ના મિલકત વેરા માટે પ્રોત્સાહક રીબેટ યોજના તા.6 મેથી તા.5 જુલાઇ સુધી અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં ઓનલાઇન વેરો ભરનાર કરદાતાઓને રહેણાંક મિલ્કતનાવેરામાં 11 ટકા અને બિન રહેણાંક મિલકતનાં વેરામાં 6 ટકા રીબેટ મળવાપાત્ર છે.
આ યોજના દરમ્યાન તા.25 સુધી 1,26,240 કરદાતાઓએ 104.81 કરોડ મિલકતવેરો ભર્યો છે. જેમાં 75870 કરદાતાઓ દ્વારા 67.68 કરોડ વેરો ઓનલાઇન ભરવામાં આવ્યો છે. જેની સામે કુલ 4.72 કરોડ વળતર મેળવ્યું છે. જ્યારે ઓફલાઇન વોર્ડ કચેરીએ કુલ 50370 કરદાતાઓએ વેરો ભર્યો છે. જેથી કોર્પોરેશનને વેરાની 37.13 કરોડ આવક થઇ છે. અને તે સામે 2.32 કરોડ વળતર મેળવ્યું છે.
આ ઉપરાંત પાછલા વર્ષોનો બાકી વેરો 18.15 કરોડ વસૂલ કર્યો છે. તા.1 એપ્રિલથી તા.25 જૂન સુધી કુલ 122.98 કરોડની મિલકતવેરાની આવક થઇ છે. અન્ય વેરા મળી કુલ 148 કરોડની વસુલાત થયેલ છે. આમ રીબેટ યોજના તા.5 જુલાઇના રોજ પૂર્ણ થયા બાદ વર્ષ 2023-24માં વેરા બિલ આપવાના થશે. તા.5 જુલાઇ પહેલાં મિલકત વેરા બિલ ભરી વળતર યોજનાનો લાભ કરદાતાઓને એડવાન્સ મિલકતવેરી ભરીને લેવા કોર્પોરેશને અપીલ કરી છે.