- છુટાછેડાના કેસમાં બીજી મુદ્દત પડતાં ઘરે જઇ રહેલા બનેવીને રસ્તામાં રોકી સાળાએ બોલાચાલી કરી
- સાળાએ કહ્યું, તારી પત્નીએ તારા હાડકાં તોડી સબક શિખવાડવા કહ્યું છે, ગડદાપાટુનો માર માર્યો
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં કોર્ટમાં ચાલી રહેલા છુટાછેડાના કેસમાં સાળાએ બનેવી પર હુમલો કરીને તેને લોહીલુહાણ કરી દીધો હતો. આ મામલે પતિએ તેની પત્ની અને સાળા સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ગોત્રી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના જાંબુઆ વિસ્તારમાં આવેલા ગાયત્રીનગરમાં રહેતા અને ખાનગી કપનીમાં સિનિયર એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં કપીલકુમાર દિનેશભાઇ દત્તાત્રેયે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા લગ્ન 3 વર્ષ પહેલાં ગોત્રી રોડ સ્થિત ખોડિયાનરનગર ખાતે રહેતી આરતી શિવદયાલ શર્મા સાથે થયા હતા. લગ્ન થયા બાદ અમે પતિ-પત્ની એક વર્ષ સુધી સાથે રહ્યા હતા. પરંતુ, બે વર્ષ પહેલાં મારા પત્નીએ મારી સામે કોર્ટમાં ભરણપોષણનો કેસ કર્યો હતો.
તા.5 ઓગસ્ટના રોજ દિવાળીપુરા કોર્ટમાં કેસની મુદત હોવાથી અને મારો કેસ બીજી કોર્ટમાં ટ્રાન્સફર થયો હોવાથી મને મારા વકીલે બોલાવ્યો હતો. જેથી હું બપોરના દોઢ વાગ્યે બાઇક લઇને કોર્ટમાં ગયો હતો અને વકીલે તપાસ કરતા મને કોર્ટમાંથી બીજી મુદત 24 ઓગસ્ટની આપી હતી. જેથી હું સાંજના 5 વાગ્યે કોર્ટની બહાર મારી બાઈક લઈને નિકળ્યો હતો, તે વખતે અમુલ પાર્લર પાસે રોડ પર મારા સાળા ક્રિષ્નાકાંત શિવદયાલ શર્મા કાર લઈને આવ્યા હતા અને મને બળજબરીપૂર્વક ઘરે જતા રોકીને મારી સાથે બોલાચાલી કરી હતી અને મને ગંદીગાળો બોલીને મારું અપમાન કર્યું હતું.
મારા સાળાએ ઉશ્કેરાઇ જઈને મને ધમકી આપી હતી કે, તારી પત્ની આરતીએ તારા હાડકાં તોડી તને સબક શીખવાડવા મને કહ્યું છે, તું મારી બહેનને 50 લાખ રૂપિયા આપીને છૂટાછેડા લઈ લે, તો અમે બધા કેસ પાછા ખેંચી લઈશું અને જો તું આવું નહીં કરે તો તને અને તારા પરીવારને જાનથી મારી નાખીશ, જેથી મેં તેને કહ્યું હતું કે જે થાય તે કોર્ટમાં થશે તેમ કહેતા કૃષ્ણકાંત શિવદયાલ શર્માએ મને હાથ વડે ગડદાપાટુનો માર માર્યો હતો. જેથી હું ઇજાગ્રસ્ત થયો હતો અને મને લોહી નિકળવા લાગ્યું હતું. આ સમયે આ સમયે આસપાસના લોકો ભેગા થઈ જતા તે મારાથી દૂર થઈ ગયો હતો. તે વખતે ક્રિષ્ણકાંત શર્માની પત્ની સરીતાએ પોલીસ કંટોલ રુમમાં જાણ કરી હતી,
હું મારી જાતે પોલીસ સ્ટેશન ગયો હતો અને અરજી આપીને 108 એમ્બ્યુલન્સ દ્વારા મને ગોત્રી જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કરાવીને હું ઘરે ગયો હતો અને ત્યારબાદ મેં મારી પત્ની આરતી અને મારા સાળા કૃષ્ણકાંત શર્મા સામે ફરિયાદ નોંધાવી છે.