- ડમ્પર ચાલક અકસ્માત સર્જી ફરાર, ઘટનાને પગલે લોકોના ટોળા એકઠા થઇ ગયા
- આર્મી જવાનોએ બપોરના સમયે ઘરે જમવા માટે જઇ રહ્યા હતા, હેલ્મેટ પણ પહેર્યાં હતા પરંતુ, ડમ્પરની ટક્કર વાગતા જવાનોના હેલ્મેટ માથામાંથી નીકળી ગયા હતા
વડોદરા શહેરના બરોડા ડેરી નજીક સ્પંદન સર્કલ પાસેથી એક્ટીવા ઉપર પસાર થઇ રહેલા બે આર્મી જવાનને પૂરપાટ પસાર થઇ રહેલા ડમ્પરે અડફેટમાં લેતાં એક જવાનનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે બીજા જવાનને ગંભીર ઇજા પહોંચતા સારવાર આપવામાં આવી રહી છે. આર્મી જવાનો જમવા માટે જઇ રહ્યા હતા. તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. આ બનાવને પગલે સ્થાનિક લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. તે સાથે અકસ્માતમાં મોતને ભેટેલા આર્મી જવાનોના સાથી જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા. આ બનાવ અંગે મકરપુરા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી ફરાર થઇ ગયેલા ડમ્પર ચાલકની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
મળેલી માહિતી પ્રમાણે શહેરમાં ફરજ બજાવતા અમીતકુમાર સિંઘ તેમજ સાથી જવાન આજે બપોરે એક્ટીવા લઇને બરોડા ડેરી સ્પંદન સર્કલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે દરમિયાન પુરપાટ વેગ પસાર થઇ રહેલા ડમ્પર ચાલકે એક્ટીવાને અડફેટમાં લીધું હતું. ડમ્પરની ટક્કર વાગતા જ એક્ટિવા ચાલક અમીતકુમાર સિંઘ સહિત બંને જવાનો નીચે પટકાયા હતા. જેમાં અમીતકુમાર સિંઘના માથા ઉપર ડમ્પરનું તોતીંગ વ્હીલ ફરી વળતા તેમનું સ્થળ પર કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
આર્મી જવાન અમીતકુમાર સિંઘ આર્મી હેડ ક્વાર્ટર ખાતે રહેતા હતા. અને NCCમાં ફરજ બજાવતા હતા. બપોરના સમયે તેઓ પોતાની એક્ટીવા ઉપર હેલ્મેટ પહેરી ઘરે જમવા માટે જઇ રહ્યા હતા. આ દરમિયાન સ્પંદન સર્કલ પાસે અકસ્માત સર્જાર્યો હતો. જેને પગલે સ્થાનિકો દોડી આવ્યા હતા. જોકે, તે પહેલાં ડમ્પર ચાલક ડમ્પર સ્થળ પર મૂકી ફરાર થઇ ગયો હતો. નોંધનીય છે કે, આર્મી જવાનોએ હેલ્મેટ પણ પહેર્યાં હતા. પરંતુ, ડમ્પરની ટક્કર વાગતા જવાનોના હેલ્મેટ માથામાંથી નીકળી ગયા હતા.
દરમિયાન આ બનાવની જાણ મકરપુરા પોલીસને થતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. અને લાશનો કબજો લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપી હતી. સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે આર્મી જવાનોના અધિકારીઓ સહિત જવાનો મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા. આર્મી જવાન અમીતકુમાર સિંઘના અકસ્માતમાં નિપજેલાં મોતથી જવાનોમાં ગમગીની ફેલાઇ ગઇ હતી.
આ બનાવ અંગે મકરપુરા પોલીસે ડમ્પર ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે અને ફરાર થઇ ગયેલા ડમ્પર ચાલકની શોધખોળ હાથ ધરી છે. વડોદરામાં ટૂંકા ગાળામાં જ ડમ્પરની અડફેટે બીજા જવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ બનાવને પગલે સ્થાનિક લોકોએ પણ શહેરના માર્ગો ઉપર બેફામ દોડાવતા ડમ્પર ચાલકો સામે રોષ ઠાલવ્યો હતો.