ઉંડેરા ગામથી ગોત્રી તરફ જતા રોડ ઉપર ખુલ્લી વરસાદી કાંસમાં સ્કૂલવાન ખાબકી, બાળકોનો આબાદ બચાવ

કોઇનો જીવ જાય તેની પાલિકા રાહ જુએ છે, સ્થાનિકોમાં ભારે રોષ

MailVadodara.com - On-the-road-leading-from-Undera-village-to-Gotri-the-school-van-fell-into-the-open-rain-ditch-the-children-were-rescued

- સ્કૂલવાન વરસાદી કાંસમાં ખાબકી હોવાની જાણ બાળકોના વાલીઓને થતાં તેઓ હાંફળા-ફાંફળા સ્થળ પર દોડી ગયા, કોઇ જાનહાનિ નહીં

- અગાઉ પાલિકાનો ડોર ટુ ડોર કચરાનો ટેમ્પો આ કાંસમાં ખાબક્યો હતો


શહેર નજીક ઉંડેરા ગામ પાસેની ખૂલ્લી વરસાદી કાંસમાં બાળકો સવાર સ્કૂલવાન ખાબકતા બાળકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે, આ ઘટનામાં કોઇને જાનહાની થઇ નથી. પરંતુ, બનાવને પગલે સ્થાનિક લોકોએ ખૂલ્લી કાંસને લઇ પાલિકા સામે પ્રચંડ રોષ ઠાલવ્યો હતો. નોંધનીય છે કે, થોડા સમય પહેલાં આ રોડ ઉપર જ પાલિકાની કચરાની ગાડી ખાબકી હતી.

વડોદરા મહાનગર સેવા સદનમાં ઉંડેરા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ, પાલિકા દ્વારા હજુ સુધી ગામને અને ગામ વિસ્તારમાં પાયાની કોઇ સુવિધા કોર્પોરેશન દ્વારા પૂરી પાડવામાં આવી નથી. થોડા સમય પહેલાં ઉંડેરા ગામ પાસે ખૂલ્લી કાંસમાં કચરાની ગાડી ખાબકી હતી. અને તેમાં દંપતિને સામાન્ય ઇજા પહોંચી હતી. આ ઘટના પછી પણ પાલિકા દ્વારા ખૂલ્લી કાંસને પુરવા માટે કોઇ તસ્દી લેવામાં ન આવતા આજે સ્કૂલવાન ખાબકી હતી.


આજે ઉંડેરા ગામમાંથી ગોત્રી તરફ પસાર જતા રોડની બાજુમાં ખૂલ્લી વરસાદી કાંસ આવેલી છે. આ ખૂલ્લી કાસમાં એક સ્કૂલવાન ખાબકી હતી. જોકે સ્કૂલ વાનમાં સવાર ભૂલકાઓનો આબાદ બચાવો થયો હતો. પરંતુ, સ્કૂલવાન વરસાદી કાંસમાં ખાબકતાં જ વાનમાં સવાર બાળકો ગભરાઇ ગયા હતા. જોકે, વાન ચાલક અને સ્થાનિક લોકોએ વાનમાં સવાર 4 જેટલા બાળકોને બહાર કાઢી લીધા હતા. સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી.


મળેલી માહિતી પ્રમાણે ઉંડેરા ગામ પાસે બાળકો સવાર સ્કૂલવાન ખૂલ્લી વરસાદી કાંસમાં ખાબકી હોવાની જાણ બાળકોના વાલીઓને થતાં તેઓ હાંફળા-ફાંફળા સ્થળ પર દોડી આવ્યા હતા. જોકે, વાલીઓએ બાળકોને હેમખેમ જોતા રાહત અનુભવી હતી. દરમિયાન સ્કૂલવાન ચાલકે અન્ય વ્યવસ્થા કરીને બાળકો માટે સ્કૂલમાં જવાની વ્યવસ્થા કરી હતી.


સ્થાનિક સામાજિક કાર્યકર અબ્દુલ પટેલે જણાવ્યું હતું કે, આ ખૂલ્લી કાંસની ફરતે સંરક્ષણ દિવાલ બનાવવાની માંગણી વારંવાર કરવામાં આવી છે. પરંતુ, પાલિકાના સત્તાધીશોની ઉંઘ ઊડતી નથી. અહીં વારંવાર ભયંકર અકસ્માતો સર્જાય છે. કેટલીવાર શાળા જતા બાળકો અને નોકરિયાતોને અકસ્માતો નડ્યા છે. આજે સ્કૂલના બાળકોને લેવા જઈ રહેલ સ્કૂલવાન કાંસમાં ખાબકી હતી. અગાઉ પાલિકાનો ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતો ટેમ્પો આ ખુલ્લી કાંસમાં ખાબક્યો હતો. પાલિકા આ ખૂલ્લી કાંસમાં કોઇનો જીવ જાય તેની રાહ જોઇ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

Share :

Leave a Comments