વડોદરામાં હનુમાન જયંતીએ વહેલી સવારથી જ મંદિરોમાં ભક્તિનું ઘોડાપૂર; રાત્રે ઠેર-ઠેર મહાપ્રસાદનું આયોજન

આજે ચૈત્ર સુદ પૂનમના રોજ શહેરના હનુમાનજી મંદિરોમાં આજના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો

MailVadodara.com - On-Hanuman-Jayanti-in-Vadodara-devotees-flock-to-temples-from-early-morning-Organizing-Mahaprasad-at-night

- વહેલી સવારથી જ મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ અને હનુમાન યાગ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું, ઘણી જગ્યાએ ભક્તો દ્વારા ભંડારાનું પણ આયોજન કરાયું

આજે ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતીની વડોદરા શહેરમાં શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરાના હનુમાનજી મંદિરોમાં વહેલી સવારથી શ્રધ્ધાળુઓએ દર્શન માટે લાંબી કતારો લગાવી હતી. શહેરના હનુમાનજી મંદિરોમાં આજના દિવસે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. સાથે વહેલી સવારથી જ મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આજે શ્રી હનુમાન જ્યંતિ  નિમિત્તે ફતેપુરા વિસ્તારમાંથી નીકળનારી શોભાયાત્રાને અનુલક્ષીને શહેર પોલીસ દ્વારા નો એન્ટ્રી અને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 22 જેટલા શહેરના રસ્તાઓને ડાયવર્ટ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે.



ધાર્મિક કાર્યક્રમોનું આયોજન આજના મંગળવાર હોવાથી હનુમાનજીનો પ્રિય વાર છે, તેથી મંગળવારના રોજ હનુમાનજીની ભક્તિ ભાવનાનું અનેરું મહત્વ રહેલું છે. ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન  જયંતી ઘણા વર્ષો બાદ મંગળવારે આવી છે, તેથી ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હનુમાન જયંતીના પાવન પ્રસંગે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં અખંડ રામધૂન, સુંદરકાંડના પાઠ, હનુમાન ચાલીસાના પાઠ, હનુમાન યાગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ઘણી જગ્યાએ હનુમાન ભક્તો દ્વારા વિશેષરૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.


શહેર-જિલ્લાના શ્રીહનુમાનજી મંદિરોને સુશોભિત કરી રોશનીથી શણગારાયા છે. શહેરમાં નવા બજાર વિસ્તારમાં શ્રીરોકડનાથ દાદા, હરણી સ્થિત ભીડ ભજન હનુમાનજી, કાળાઘોડા ખાતેના પંચમુખી હનુમાનજી, સુરસાગર કિનારે હઠિલા હનુમાનજી, સહિતના મંદિરોમાં સવારથી ભક્તોનો અવિરત ઘસારો જોવા મળી રહ્યો છે. તદુપરાંત શહેર-જિલ્લાના અસંખ્ય ભક્તો સાળંગપુર હનુમાન દાદા તથા જાંબુઘોડા નજીક આવેલા ઝંડ હનુમાનજી સહિત અનેક મંદિરોએ દર્શનાર્થે પહોંચ્યા છે.

આજે વડોદરા શહેરમાં હનુમાન જયંતીને લઇ ભાવિ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યું છે. શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં સાંજના સમયે મહાપ્રસાદ (ભંડારો)નું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સાથે આવનાર ભાવિ ભક્તો માટે કોઈ અગવડ ન પડે તે માટે મંદિર પ્રશાસન દ્વાર વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.


શહેરના ચોખંડી વિસ્તારમાં આવેલ ભીડભંજન હનુમાન મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી છે. ભકતોએ હનુમાનજીના આશીર્વાદ મેળવ્યા હતા. વહેલી સવારે મંદિરના મહંત ચંદ્રપ્રકાશ ગીરી મહારાજે હનુમાન દાદાની આરતી કરી હતી. તો હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મંદિરોમાં સુંદરકાંડ તથા હનુમાન ચાલીસા પઠન સહિતના વિવિધ કાર્યક્રમો યોજાશે. તેની સાથે સાથે વિવિધ સ્થળોએથી હનુમાનજીની શોત્રાયાત્રાઓનું પણ આયોજન કરવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરા શહેરમાં નીકળનારી શોભાયાત્રાને લઇ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં 22 જેટલા શહેરના રસ્તાઓને ડાયવર્ટ કરી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. શહેરમાં નિકાળનાર શોભાયાત્રામાં ખાસ કરી શહેરના ફતેપુરા મેઇન રોડ વિસ્તારમાંથી શોભાયાત્રા સાંજના સમયે નીકળી ફતેપુરા ફતેપુરા ચાર રસ્તા, અડાણીયાપુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી, એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજા, પદમાવતિ ત્રિકોણથી જમણી બાજુ વળી, ગાંધી નગરગૃહ, જયુબિલી બાગ સર્કલથી જમણી બાજુ વળી, ભકિત સર્કલથી સીધા રોકડનાથ હનુમાનજી મંદિર પૂર્ણ થશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં વડોદરા શહેર ભાવિક ભકતો જોડાય છે, જેને લઇ પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓએ ગત રોજ ફૂટ પેટ્રોલિંગ હાથ ધાર્યું હતું.

આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાવાના હોવાથી કોઇને અગવડ ના પડે તે માટે પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રી અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આજે બપોરે ત્રણ વાગ્યાથી શોભાયાત્રાના રૂટ પર રોડની બંને તરફ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. 

Share :

Leave a Comments