- અંધારાનો લાભ લઇ ઝાડી-ઝાંખરામાં નાશી ગયેલા કાર ચાલક વોન્ટેડ જાહેર
- જરોદ પોલીસે કારમાંથી 43,200ના કિંમતની દારૂ-બિયરની 360 નંગ બોટલો સહીત કુલ રૂપિયા 2,43,200ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો
આગામી 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી પહેલા રાજ્યમાં દારૂની રેલમછેલ કરવા શહેરમાં ઘૂસાડવામાં આવતા વિદેશી દારૂના જથ્થાને પોલીસની નજર થી બચાવવા બુટેલગરો અવનવા પેતરા અપનાવી રહ્યા છે. બીજી તરફ બુટલેગરોના પેતરાઓને નિષ્ફળ કરી દારૂના જથ્થાને ઝડપી પાડવા પોલીસ પણ સક્રિય થઇ ગઈ છે. ત્યારે હાલોલ વડોદરા રોડ પરથી જરોદ પોલીસે વૈભવી કારનો ફિલ્મી ઢબે પીછો કરી દારૂ બિયરના જથ્થા સાથે કુલ 2.43 લાખ ઉપરાતનો મુદામાલ જપ્ત કરી અંધારાનો લાભ લઇ ઝાડી-ઝાંખરામાં નાશી ગયેલા કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જરોદ પોલીસ મથકની ટિમ પોલીસ મથકના હદ વિસ્તારમાં પટ્રોલિંગમાં હતી તે દરમિયાન હાલોલ વડોદરા રોડ પર હાલોલ તરફથી ખંડીવાડા કેનાલ નજીક જતા રોડ પર પસાર થઇ રહેલ એક સફેદ કલરની ફોર્ડ કંપનીની ફિયાસ્ટા ફોર વ્હીલ ગાડી જેનો આગળનો તેમજ પાછળના કાચ તુટી-ફુટીને હાલતમાં હોય પોલીસને શંકા ગઈ હતી. પોલીસે કાર ચાલકને કાર રોકવા ઈશારો કરતા કાર ચાલકે કાર ના રોકતા પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કરી દર્શન હોટેલ સામે આવેલ કારને કોર્ડન કરી ઉભી રખાવતા કાર ચાલક પાલડી ગામના રોડ ઉપર કાર મુકી અંધારાનો લાભ લઇ ઝાડી-ઝાંખરામાં નાશી ગયો હતો.
જરોદ પોલીસે કારમાં તપાસ કરતા કારમાંથી રૂપિયા 43,200ના કિંમતની દારૂ તેમજ બિયરની 360 નંગ બોટલો મળી આવતા પોલીસે દારૂ બિયરના જથ્થા સહીત કુલ રૂપિયા 2,43,200ની કિંમતનો મુદામાલ જપ્ત કરી અંધારાનો લાભ લઇ ઝાડી-ઝાંખરામાં નાશી ગયેલ કાર ચાલક વિરુદ્ધ જરોદ પોલીસ મથક ખાતે પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.