- વિદ્યાર્થીને માથામાં ગંભીર ઇજા પહોંચતા ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડાયો
વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતા એમ. એસ. યુનિવર્સિટીમાં બી.કોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અગાઉ થયેલા ઝઘડાની અદાવતે રસ્તામાં રોકી લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. તેના મિત્રો વચ્ચે છોડાવવા માટે પડતા તેમને પણ માર માર્યો હતો. વિદ્યાર્થીને માથામાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ગોત્રી જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઇજાગ્રસ્ત યુવકે ગોત્રી પોલીસ સ્ટેશનમાં હુમલાખોર સામે ફરિયાદ નોંધાવી છે.
શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા સંસ્કાર નગરમાં રહેતા શ્લોક દિપલકુમાર શાહ એમ.એસ.યુનિવર્સીટીમાં બીજા વર્ષમાં બી.કોમનો અભ્યાસ કરે છે. વિદ્યાર્થીએ ફરિયાદ નોંધાવી છે કે, હું તથા મારા મિત્ર ભરત મધુસિંહ મકવાણા તથા પાર્થીવ રસીકભાઇ પરમાર ગઇકાલે રાત્રે આશરે 1.30ની આસપાસ ગોત્રી રોડ સ્થિત કિશન કોમ્પલેક્ષ પાસે ચા-નાસ્તો કરવા માટે ગયા હતા. ત્યાર બાદ ઘરે જઇ રહ્યા હતા તે સમય દરમિયાન ગોત્રી શાક માર્કેટ પાસે ઉચીત પુરબીયાએ મને બુમ મારી ઉભો રાખ્યો હતો. અને મને કહ્યું કે તું ક્યા ગયો હતો અને ક્યાં જાય છે? તેમ કહી શાક માર્કેટ પાછળ સંજુનગર સામે ખુલ્લા મેદાનમાં આવ તેમ કહેતા અમે ત્રણેય મિત્રો ત્યાં ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ ઉચીત પુરબીયાએ કહ્યું હતું કે, ત્રણેક મહીના પહેલાં અંબિકાનગર ચાર રસ્તા નજીક ઓવરટેક બાબતે તે અમારી સાથે કેમ બોલાચાલી કરી હતી? તેમ કહી લોખંડની પાઇપ મને માથામાં મારી હતી. જેને પગલે મેં બુમાબુમ કરતા મારો મિત્ર ભરત મકવાણા મને છોડાવવા વચ્ચે પડતા તેને મોંઢા ઉપર લાફો મારી દીધો હતો. મને લોખંડની પાઇપ મારતા મને માથામાં લોહી નીકું હતું. જેથી મારા મિત્રો ભરત અને પાર્થીવ મને સારવાર માટે ગોત્રી જનરલ હોસ્પીટલમાં લઈ ગયા હતા.