છ મહિનાથી પાણીની સમસ્યાનો ઉકેલ અધિકારીઓને ના મળ્યો, કાઉન્સિલરે એક દિવસમાં શોધી કાઢ્યો..!

પાલિકાના અધિકારીઓ માટે શરમજનક કિસ્સો..!!

MailVadodara.com - Officials-did-not-find-a-solution-to-the-water-problem-for-six-months-the-councilor-found-out-in-a-day

- પૂર્વ વિસ્તારમાં સ્માર્ટ અધિકારીઓએ વરસાદી કાસમાં પીવાના પાણીની લાઈન નાખી હતી

- ફીડર લાઈન લીકેજ થતા પીવાનું પાણી વરસાદી કાસમાં વહી જતું હતું અને દુષિત પાણી પીવાના પાણીમાં ભળતું હતું : આશિષ જોશી


વડોદરા મહાનગર પાલિકાનું વહીવટી તંત્ર ખાડે ગયું છે. એમાં બે મત નથી. પાલિકાના અધિકારીઓ માટે શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાલિકાના કહેવાતા સ્માર્ટ અધિકારીઓ દુષિત પાણીની સમસ્યાનો ઉકેલ છ મહિનાથી લાવી શકતા ન હતા, પરંતુ સ્થાનિક કાઉન્સિલરે એક જ દિવસમાં શોઘી કાઢ્યું કે દુષિત પાણી ક્યાંથી આવે છે.

       વડોદરા મહાનગર પાલિકાનો સ્માર્ટ વહીવટ કાગના વાઘ જેવો છે. પૂર્વ વિસ્તારના કાઉન્સિલર આશિષ જોશીનું માનીયે તો છેલ્લા છ મહિનાથી  પૂર્વ વિસ્તારમાં ઉકાજી વાડીયા સહિત સ્થાનિક મહિલા કાઉન્સિલરની સોસાયટીમાં પીવાનું પાણી ઓછા પ્રેશરની સાથે સાથે દુષિત થઈને પણ આવે છે. પીવાના દુષિત પાણી અને ઓછા પ્રેશરની સમસ્યા અંગે વારંવાર ફરિયાદો કરવામાં આવી હતી. પાલિકાના અધિકારીઓએ  આકાશ પાતાળ એક કરી નાખ્યું પરંતુ કહેવાતા સ્માર્ટ તંત્રના અધિકારીઓને ફોલ્ટ મળતો ન હતો.


આ દરમ્યાન કાઉન્સિલર આશિષ જોશીએ સ્થાનિક લોકો ની મદદ લઈ દુષિત પાણી ક્યાંથી આવે છે અને કેમ ઓછા પ્રમાણમાં આવે છે એ શોધી કાઢ્યું હતું. આ વિસ્તારમાંથી પસાર થતી  વરસાદી કાંસ માંથી પીવાના પાણીની લાઈન  પસાર થતી હતી એ લીકેજ થતા વરસાદી કાસનું દુષિત પાણી  પીવાના પાણી ની લાઈન  મારફત લોકોના ઘરો સુધી પહોંચતું હતું અને પાણીની ફીડર લાઈન લીકેજ હોવાથી પીવાનું પાણી  વરસાદી કાસ માં વહી જતું હતું.


   આમ  અધિકારીઓએ કરવાનું કામ  કાઉન્સિલરે કરતા અધિકારીઓ માટે આ કિસ્સો શરમજનક બન્યો હતો અને લોકોમાં ચર્ચાનો વિષય પણ બન્યો હતો.

Share :

Leave a Comments