- 7 દિવસમાં કેબલ નહીં હટાવાય તો શિક્ષાત્મક પગલાં ભરી દંડ વસૂલાશે
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના સ્ટ્રીટલાઇટનાં પોલ પર ગેરકાયદે રીતે ઇન્ટરનેટ અને ટીવી કેબલ નેટવર્કના લગાવેલા કેબલો સાત દિવસમાં દૂર કરવામાં નહીં આવે તો શિક્ષાત્મક પગલાં ભરી દંડની વસુલાત કરવામાં આવશે, તે અંગે કોર્પોરેશન દ્વારા જાહેર નોટિસ જારી કરવામાં આવી છે.
વડોદરા કોર્પોરેશનના સ્ટ્રીટ લાઈટ વિભાગ દ્વારા મુખ્ય રસ્તા ઉપર આશરે 8000 થાંભલા ઉભા કરાયા છે. આ ઉપરાંત આંતરિક રસ્તા ઉપર પણ આશરે 8000 થાંભલા છે, જ્યારે સ્ટ્રીટ લાઈટની આંતરિક ગલીઓમાં પણ સુવિધા પૂરી પાડવા વીજ નિગમના થાંભલાનો ઉપયોગ કરવામાં આવે છે. આ થાંભલાઓ ઉપર કેબલ નેટવર્ક પ્રોવાઇડર, ઇન્ટરનેટ પ્રોવાઇડર તથા અન્ય ત્રાહિત ઇસમો દ્વારા તેઓની કામગીરી માટે ફાઇબર કેબલો, જંક્શન બોક્સ, કંટ્રોલ કેબલો તેની એસેસરીઝ વિગેરે ફિટ કરીને ગેરકાયદે દબાણ કરે છે. જેનાં કારણે સ્ટ્રીટલાઇટની નિભાવણીમાં અડચણ ઉભી થાય છે. આવા કેબલો ખેંચવાના કારણે સ્ટ્રીટલાઇટનું બ્રેકેટ ફરી જાય છે. જેથી પ્રકાશ રોડ પર પડવાના બદલે ડીવાઇડરને સમાંતર પડે છે. બ્રેકેટની દિશા બદલાઇ જવાથી ડિઝાઇન આધારિત સ્ટ્રીટલાઇટનો જે પ્રકાશ જોઈએ તે મળતો. એક સરખી ડિઝાઇન નહીં જળવાતા સુંદરતામાં ઘટાડો થાય છે. મેન્ટેનન્સ કરતી વખતે તકલીફ પડે છે. કેબલનું ઇન્સ્યુલેશન નીકળી જવાથી શોર્ટ સર્કિટના પણ ભય રહે છે. કેબલના ગૂંચળા થઈ જવાથી રીપેરીંગમાં વિઘ્ન ઊભું થાય છે, માટે આ પ્રકારનાં દબાણો દૂર કરવાં મ્યુનિસિપલ કમિશનર દ્વારા જાહેર નોટીસ આપીને જણાવાયું છે કે, દિન-સાતમાં ગેરકાયદે લગાડેલ ઇન્ટરનેટના કેબલ, ટી.વી. કેબલ અને નેટવર્કને લગતા વાયરો સ્વેચ્છાએ દૂર કરવામાં નહીં આવે તો શિક્ષાત્મક પગલાં ભરી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે.