- 28 વર્ષીય સુરજ મેડા મધ્યપ્રદેશના ધાર જીલ્લાના આંબેડી ગામે રહેતો હતો
- પોલીસને મૃતક યુવક પાસેથી ભુજ-દાહોદની ટીકીટ, આધારકાર્ડ મળ્યું
મધ્યપ્રદેશના યુવકે દાહોદના નસીપુર ગામે સ્મશાન રોડથી ઇન્દોર હાઇવે તરફ જવાના રસ્તે ભીના કપડે અગમ્ય કારણોસર દોટ મૂકી નજીકમાં આવેલ મધ્ય ગુજરાત વીજ કંપનીના ડીપીનો દરવાજો ખોલીને ડીપીમાંથી પસાર થતા હાઈવોલ્ટેજ વિજ વાયરને પકડી લેતા હાઈવોલ્ટેજ કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળે ઉપર જ કમકમાટીભર્યું મોત નિપજયું હતું. ઘટનાના પગલે દાહોદ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, દાહોદના નસીરપુર ગામે ઈન્દોર હાઇવે તરફ જવાના રસ્તે આવેલા મધ્ય ગુજરાત વીજ કંપનીના ડીપી પાસે આજે મધ્યપ્રદેશના ધાર જીલ્લાના આંબેડી ગામ ખાતે રહેતો 28 વર્ષીય સુરજ મેડા કોઈ અગમ્ય કારણોસર ભીના કપડે દોડી આવ્યો હતો. વીજ કંપનીના લાગેલા હાઈવોલ્ટેજના ડીપીનો દરવાજો ખોલીને ડીપીમાંથી પસાર થતો વિજ વાયરને પકડી લેતા સુરજ મેડાને વિજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેને પગલે આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.
દાહોદ પોલીસને ઘટનાની જાણ કરતા દાહોદ પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતો અને મૃતક સુરજ મેડાના મૃતદેહનો કબ્જો મેળવી તપાસ હાથ ધરતા મૃતક યુવક પાસેથી ભુજ-દાહોદ ની ટીકીટ તેમજ આધારકાર્ડ મળી આવ્યું હતું પોલીસે મૃતદેહને પી.એમ. અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.