નેશનલ ન્યૂઝ, ૧૮ ઓગસ્ટ ૨૦૨૩

MailVadodara.com - National-News-18-Augusts-2023

  • ૧. બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સવાલ : દોષિતોને આજીવન કેદની સજા થઈ તો ૧૪ વર્ષમાં કેવી રીતે
  • ૨. દિલ્હીથી પુણે જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાના ધમકી મળતા તમામ મુસાફરોને ઉતારી દેવાયા
  • ૩. ઈન્દોરમાં કૂતરા બાબતે બે પાડોશી બાખડ્યા, તો ગાર્ડે કર્યુ ફાયરિંગ, ૨ના મોત ૬ ઘાયલ
  • ૪. હિમાચલમાં પહાડી તૂટવા લાગી, લોકો ઘર છોડીને ભાગ્યા, અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત
  • ૫. રાહુલ ગાંધી ૨૫ ઓગસ્ટ સુધીના લેહ લદ્દાખ પ્રવાસે રહેશે
  • ૬. ISRO આદિત્ય L−1 લોન્ચ કરવાની કરી રહ્યું છે તૈયારી..
  • ૭. ઉત્તરાખંડમાં રામ ઝુલા બ્રિજ પર દ્વિ-ચક્રીય વાહનોની અવરજવર પર પ્રતિબંધ, કારણ છે આ
  • ૮. ઉતરપ્રદેશમાં ખચાખચ ભરેલી પંચાયતમાં છોકરીએ લીધો બેઈજ્જતીનો બદલો
  • ૯. જ્ઞાનવાપી પર સમાધાન દરખાસ્ત અંગે બોલ્યા હિન્દુ પક્ષના વકીલ, કહ્યું,’’અમે એક ઈંચ જમીન પણ નહીં આપીએ’
  • ૧૦. ઉતરાખંડ-હિમાચલમાં ત્રાટકેલી વરસાદી આફત કુદરતી કે માનવસર્જીત
  • ૧૧. સિમ કાર્ડ ફ્રોડની કમર તોડવા સરકાર એક્શનમાં, વેરિફિકેશન ના કરાવ્યુ તો લાગશે લાખોનો દંડ
  • ૧૨. એરોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો IPO મંગળવારે ખુલશે, જાણો કંપનીની યોજના
  • ૧૩. કેન્દ્રસરકારે મોંઘવારી સામે લડવા માટે બનાવી ફોર્મ્યુલા, તૈયાર કરવામાં આવશે બ્લૂ પ્રિન્ટ
  • ૧૪. સીમા હૈદર પર બની રહેલી ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ થયું
  • ૧૫. Kajolએ આ વાત કહીને ગદર ફિલ્મ રીજેક્ટ કરેલી
  • ૧૬. પૂર્વ પાકિસ્તાની દિગ્ગજે રોહિત પર સાધ્યું નિશાન, કહી આ વાત
  • ૧૭. WORLD CUP 2023માં ફરીથી ૨૦૧૧નું પુનરાવર્તન કરવા સામે આ પ મોટા પડકારો
  • ૧૮. ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ અગાઉ બાંગ્લાદેશ પ્રવાસમાં ત્રણ વન-ડે રમશે
  • ૧૯. ભારત-આયર્લેન્ડની બે ટી૨૦ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ મુક્ત થયા?..

(સમાચારની વિસ્ત્રુત માહિતી નીચે છે)


૧. બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને સવાલ : દોષિતોને આજીવન કેદની સજા થઈ તો ૧૪ વર્ષમાં કેવી રીતે મુક્ત થયા?..

બિલ્કીસ બાનો (Bilkis Bano)ના દોષિતોની મુક્તિ પર કેન્દ્ર અને ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાની દલીલો રજૂ કરી હતી. ગુજરાત સરકાર વતી એડિશનલ સોલિસિટર જનરલે કહ્યું કે ગુનેગારોની મુક્તિ નિયમો અનુસાર કરવામાં આવી છે. એએસજી એસવી રાજુએ કહ્યું કે દોષિત ઠેરવવાના સમયે, કોર્ટ એ પણ જાણતી હતી કે ૧૪ વર્ષ પછી માફી આપી શકાય છે. કોર્ટે એવી સજા નથી આપી કે ગુનેગારોને ૩૦ વર્ષ પછી જ છૂટ આપવામાં આવે. જ્યારે ગેંગરેપ થયો ત્યારે બિલકિસ બાનો ૨૧ વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. ત્રણ વર્ષની બાળકી સહિત તેના પરિવારના સાત સભ્યોની હત્યા કરવામાં આવી હતી. જસ્ટિસ નાગરને પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ૧૪ વર્ષથી વધુ જેલમાં વિતાવ્યા બાદ તેને સુધારાની તક આપવી જોઈએ. તેમણે કહ્યું, “કાયદો એવું નથી કહેતો કે દરેકને સજા અને ફાંસી આપવામાં આવે, પરંતુ તે કહે છે કે લોકોને સુધારવાની તક આપવી જોઈએ.’’ સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું કે સજામાં મુક્તિની નીતિ માત્ર પસંદગીના લોકોને જ કેમ? બે ન્યાયાધીશોની બેન્ચે પૂછ્યું કે અમે જાણવા માગીએ છીએ કે મુક્તિ નીતિને પસંદગીપૂર્વક કેમ લાગુ કરવામાં આવી રહી છે? સુપ્રીમ કોર્ટે કહ્યું કે શા માટે માત્ર કેટલાક કેદીઓને જ સુધારાની તક આપવામાં આવી? આ તક દરેક કેદીને મળવી જોઈએ. શા માટે માત્ર થોડા કેદીઓને સુધારવાની તક આપવામાં આવી? કેદીઓ લાયક હોય ત્યારે મુક્તિની નીતિ અમલમાં છે કે કેમ તે પ્રશ્ન છે. આ સામૂહિક રીતે ન થવું જોઈએ, તે ફક્ત તે જ લોકો માટે થવું જોઈએ જે તેના માટે પાત્ર છે અથવા આ માફી તે લોકોને આપવી જોઈએ જેમણે તેમની સજાના ૧૪ વર્ષ જેલમાં વિતાવ્યા છે. ગુજરાત સરકારે બિલ્કીસના ગુનેગારોને મુક્ત કરવાનો આદેશ જાહેર કર્યો હતો. એએસજીએ સુપ્રીમ કોર્ટની બેંચને જણાવ્યું હતું કે, ગયા વર્ષે મે મહિનામાં સુપ્રીમ કોર્ટના જ નિર્ણયના આધારે દોષિતોને મુક્ત કરવામાં આવ્યા હતા. ચુકાદામાં કોર્ટે કહ્યું હતું કે માફી અંગે નિર્ણય લેવાનો અધિકાર રાજ્ય સરકારને છે કેન્દ્રને નહીં. ગુજરાત સરકારે ૨૦૧૪માં રિમિશન પોલિસીમાં ફેરફાર કર્યો હતો.

૨. દિલ્હીથી પુણે જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાના ધમકી મળતા તમામ મુસાફરોને ઉતારી દેવાયા

શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. દિલ્હીથી પુણે જતી વિસ્તારાની ફ્લાઈટમાં આ ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ એરપોર્ટ પર જ ફ્લાઈટની તપાસ શરૂ થઈ ગઈ છે. પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી જીએમઆર સેન્ટરને આપવામાં આવી હતી. બોમ્બની માહિતી મળતા જ તમામ મુસાફરોને પોતપોતાના સામાન સહિત વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. ફ્લાઇટની આઇસોલેશન વેમાં તપાસ ચાલી રહી છે. વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની આ પહેલી ઘટના નથી. જૂનમાં, એક વ્યક્તિ દિલ્હીથી દુબઈ જઈ રહ્યો હતો જ્યારે તેણે કથિત રીતે ગુસ્સામાં કહ્યું કે તેની બેગમાં બોમ્બ છે. પછી શું હતું, પેસેન્જરની બાજુમાં બેઠેલી એક મહિલા પેસેન્જરે ખોટું સાંભળ્યું અને ગભરાઈ ગઈ. તેણે એલાર્મ વગાડ્યું અને કેબિન ક્રૂને બોલાવ્યો. આ વ્યક્તિને દિલ્હી એરપોર્ટ પર જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. દિલ્હી-મુંબઈ વિસ્તારા ફ્લાઈટની આ ઘટના બાદ મુસાફરોને ફ્લાઈટમાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો. આ વ્યક્તિને CISF દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે તે વ્યક્તિ તેની માતા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. આ વ્યક્તિએ પોતાની થેલીમાં નાળિયેર રાખ્યું હતું અને જ્યારે સિક્યુરિટી ગાર્ડે તેની સામે વાંધો ઉઠાવ્યો તો તેણે તપાસ કરી. આ વ્યક્તિ તેની માતાને આ વિશે કહી રહ્યો હતો કે ગાર્ડે બોમ્બની ધમકી માનીને નાળિયેર લઈ જવાની મંજૂરી આપી ન હતી પરંતુ પાન મસાલાને મંજૂરી આપવામાં આવી છે. દુબઈ જતા પેસેન્જરની બાજુમાં બેઠેલી મહિલાએ ‘બોમ્બ’ સાંભળ્યો અને એલાર્મ વગાડયું. કસ્ટડીમાં લીધા બાદ બંને મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા અને ફ્લાઈટની તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈ મળ્યું ન હતું.

૩. ઈન્દોરમાં કૂતરા બાબતે બે પાડોશી બાખડ્યા, તો ગાર્ડે કર્યુ ફાયરિંગ, ૨ના મોત ૬ ઘાયલ

મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક ગાર્ડે બે લોકોની ગોળી મારીને હત્યા કરી નાખી. મૃતક સગા જીજા-સાળો છે. તેમના નામ રાહુલ અને વિમલ છે. તે જ સમયે, આરોપી ગાર્ડનું નામ રાજપાલ છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આરોપી ગાર્ડની ધરપકડ કરી હતી. પોલીસે બંને મૃતદેહોને કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી રાજપાલ તેના કૂતરાને શેરીમાં ફ૨વા માટે છોડી ગયો હતો. આ દરમિયાન મહોલ્લામાં રહેતો લલિતનો કૂતરો પણ ઘરની બહાર આવી ગયો હતો. આ પછી બંને કૂતરાઓ એકબીજા પર ભસવા લાગ્યા. ત્યારબાદ વિમલ ઘરની બહાર આવ્યો અને એક પથ્થર ઉપાડીને રાજપાલના કૂતરાને માર્યો. ત્યારે આ જોઈ રાજપાલ ગુસ્સે થઈ ગયો અને તેણે પોતાની લાઇસન્સવાળી બંદૂકથી હવામાં ફાયરિંગ શરૂ કરી દીધું. વિમલ અને રાહુલે આ કૃત્ય સામે વાંધો ઉઠાવ્યો, ત્યારબાદ રાજપાલે બંને પર ફાયરિંગ કર્યું. તે જ સમયે ત્યાં હાજર અન્ય લોકો પણ ફાયરિંગની ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઈન્દોરના એડિશનલ ડીસીપી અમરેન્દ્ર સિંહે જણાવ્યું કે આરોપી ગાર્ડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે. મૃતક વિમલ અને રાહુલનો આરોપી ગાર્ડ સાથે કૂતરાના વિવાદમાં બોલાચાલી થઈ હતી, ત્યારબાદ ગાર્ડે ટેરેસ પર ફાયરિંગ કર્યું હતું. પોલીસે આરોપી પાસેથી તેની બંદૂક મળી આવી છે. આરોપી અને મૃતકના ઘર નજીકમાં છે. પોલીસે જણાવ્યું કે આ અકસ્માતમાં કુલ આઠ લોકો ઘાયલ થયા છે, જેમાંથી ૬ લોકોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરોની ટીમ તેની સારવારમાં લાગેલી છે. તે જ સમયે, પોલીસે આસપાસના લોકો પાસેથી પણ ઘટનાની માહિતી લીધી છે. મૃતકના પરિવારજનોની પણ પૂછપરછ કરવામાં આવી છે. તે જ સમયે, આ ઘટના બાદ વિસ્તારમાં મૌન છે. મૃતકના સ્વજનો રડતા-રડતા હાલતમાં છે. એક માણસ તેના કૂતરાને ચલાવતો હતો અને તેનો કૂતરો તેના પાડોશીના કૂતરા સાથે લડ્યો અને તેના કારણે માલિકો વચ્ચે ઝપાઝપી થઈ, લડાઈને કારણે કેટલાક લોકો ત્યાં એકઠા થઈ ગયા. તે વ્યક્તિ અચાનક તેના ઘરે ગયો અને બંદૂક લાવી પહેલા હવામાં અને પછી લોકો પર ફાયરિંગ કર્યું. આ ઘટનામાં ૨ લોકોના મોત અને ૬ લોકોના ઘાયલ છે. આરોપી બેંક ઓફ બરોડામાં ગાર્ડ તરીકે નોકરી કરતો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતક વિમલનું નિાનિયામાં સલૂન છે અને તેના લગ્ન ૮ વર્ષ પહેલા રાહુલની બહેન આરતી સાથે થયા હતા.

૪. હિમાચલમાં પહાડી તૂટવા લાગી, લોકો ઘર છોડીને ભાગ્યા, અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત

હિમાચલ પ્રદેશમાં વરસાદ અને ભૂસ્ખલનથી ભારે મુશ્કેલી સર્જાઈ છે. અત્યાર સુધીમાં ૩૩૦ લોકોના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ૧૩ ઓગસ્ટથી અત્યાર સુધીમાં ૭૪ લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં અંદાજિત ૭,૭૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. શિમલામાં ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જો કે હજુ પણ ૬ લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા છે. વિસ્તારમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. મંડી શહેરની પ્રખ્યાત તરણા ટેકરી હવે તુટી જવાના આરે પહોંચી ગઈ છે. આ ટેકરીમાં મોટી તિરાડો દેખાય છે. રસ્તાઓમાં મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર નજીકમાં બનેલા મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે. હિમાચલની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ કુદરતની આ તબાહી આવી છે અને તેની અસર પંજાબ સુધી પહોંચી છે. આ રાજ્યોમાં NDRFની ૩૦ ટીમો બચાવ કાર્યમાં લાગેલી છે. મંડી જિલ્લામાં ૧૩થી ૧૫ ઓગસ્ટ વચ્ચે પ ડેલા ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ છે. અહીંયા ૨૬૭ લોકોના ઘર સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ગયા છે. ૩૧ કરોડથી વધુનું નુકસાન થયું છે. મંડીના ADC નિવેદિતા નેગીના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિને જોતા જલ શક્તિ વિભાગના ચીફ એન્જિનિયરે ઓફિસને સંપૂર્ણપણે ખાલી કરાવી દીધી છે અને નીચાણવાળા વિસ્તાર તરફ રહેતા લોકોને પણ તેમના ઘર ખાલી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઘણા વિસ્તારોમાં સ્થિર છે, જ્યારે ઘણા વિસ્તારો ડૂબી ગયા છે, જ્યાં એરફોર્સના જવાનો લોકોને બચાવવામાં રોકાયેલા છે. એરફોર્સે ગઈ કાલે કાંગડા જિલ્લામાંથી ૨૨૦ થી વધુ લોકોને બચાવ્યા હતા. ત્રણ દિવસમાં ૧,૦૦૦ લોકોને પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી બચાવી લેવામાં આવ્યા છે. વાયુસેનાએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ જરૂરિયાત મુજબ આગળની કાર્યવાહી માટે તૈયાર છે. દરમિયાન NDRFની ટીમ પણ પૂર પ્રભાવિત લોકોની મદદ કરવામાં વ્યસ્ત છે. તેમને પાણી ભરાયેલા વિસ્તારોમાંથી બહાર કાઢીને સુરક્ષિત સ્થળોએ લઈ જવામાં આવી રહ્યા છે.

૫. રાહુલ ગાંધી ૨૫ ઓગસ્ટ સુધીના લેહ લદ્દાખ પ્રવાસે રહેશે

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લેહ લદ્દાખનો તેમનો પ્રવાસ લંબાવ્યો છે. રાહુલ હવે ૨૫ ઓગસ્ટ સુધી લેહ લદ્દાખમાં રહેશે. જણાવવામાં આવી રહ્યું છે કે ૨૦ ઓગસ્ટે રાહુલ પોતાના દિવંગત પિતા રાજીવ ગાંધીનો જન્મદિવસ પેંગોંગ લેક પર ઉજવશે અને અલગ-અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. તેમના રોકાણ દરમિયાન તેઓ કારગિલ મેમોરિયલની પણ મુલાકાત લેશે અને ત્યાંના યુવાનો સાથે વાતચીત કરશે. મળતી માહિતી મુજબ રાહુલ ગાંધી લેહ લદ્દાખની એક અઠવાડિયાની મુલાકાત દરમિયાન અન્ય ઘણા કાર્યક્રમોમાં સામેલ થશે. લેહમાં ફૂટબોલ મેચ પણ જોશે. રાહુલ પોતે પણ કોલેજકાળમાં ફૂટબોલર રહી ચૂક્યા છે. ફૂટબોલ રમતી વખતે તેમને ઘૂંટણની ઈજા થઈ હતી જે હજુ પણ તેમને પરેશાન કરે છે. સમયે સમયે રાહુલ પોતે ઈજાનો ઉલ્લેખ કરતા રહે છે. આ પછી ૨૫ ઓગસ્ટે હિલ કાઉન્સિલની ચૂંટણીને લઈને એક બેઠક યોજાવા જઈ રહી છે જેમાં રાહુલ ગાંધી પણ ભાગ લેશે. રાહુલ કાશ્મીરમાં ભારત જોડો યાત્રા પૂરી થયા બાદ જ લેહ લદ્દાખ જવા માંગતા હતા, પરંતુ ઘૂંટણની ઈજાને કારણે તેઓ જઈ શક્યા ન હતા અને ત્યારબાદ તેમણે સંસદની સભ્યતા ગુમાવી દીધી હતી. હવે રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે, આવી સ્થિતિમાં તેઓ લેહ લદ્દાખ પહોંચ્યા છે. રાહુલ ગાંધીની આ મુલાકાતને રાજકીય દૃષ્ટિકોણથી પણ ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. પાર્ટીના નેતાઓની વાત માનીએ તો રાહુલ લેહ લદ્દાખમાં કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે અને સામાન્ય ચૂંટણી પહેલા એકતાનો મંત્ર પણ આપશે. આ પ છી ૧૯ ઓગસ્ટે તેઓ ડુબરા વેલીની પણ મુલાકાત લેશે. ગુરુવારે લેહ એરપોર્ટ પર પહોંચતા રાહુલ ગાંધીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાર્ટીના ઘણા કાર્યકરો નારા લગાવતા જોવા મળ્યા હતા અને બીજી તરફ લોકો સાથે હાથ જોડીને અભિવાદન સ્વીકારતા પણ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીના પ્રવાસમાં અચાનક વધારો થયો છે. પહેલા તેઓ લેહ લદ્દાખમાં માત્ર બે દિવસ રોકાવાના હતા, પરંતુ ત્યાં પહોંચ્યા બાદ તેમનો પ્રવાસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

૬. ISRO આદિત્ય L-1 લોન્ચ કરવાની કરી રહ્યું છે તૈયારી..

ભારતની સ્પેસ એજન્સી ISRO આદિત્ય L-1 લોન્ચ કરવાની તૈયારીઓને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. બીજી તરફ, ભારતીયો ચંદ્રયાન-૩ ની સફળતાની ઉજવણી કરશે, જ્યારે ISRO આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્પેસ સ્ટેશનથી આદિત્ય એલ-૧ લોન્ચ કરવાની સંભાવના પર કામ કરી રહ્યું છે. આદિત્ય એલ-૧ શ્રીહરિકોટા પહોંચી ગયુ છે. અત્યાર સુધીની યોજના અનુસાર, સૂર્યનો અભ્યાસ કરવા માટેનું આ દેશનું પ્રથમ મિશન સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવામાં આવશે. તેને ઈસરોના યુઆર રાવ સેટેલાઇટ સેન્ટરમાં બનાવવામાં આવ્યું છે. આદિત્ય એલ-૧ સૂર્ય પર અભ્યાસ કરશે. તે પૃથ્વીથી ૧.૫ મિલિયન કિલોમીટરની મુસાફરી કરીને હાલો ઓર્બિટમાં પહોંચશે. ઈસરોનું માનવું છે કે આ ભ્રમણકક્ષામાં ઉપગ્રહ સ્થાપિત કરવાનો ફાયદો એ છે કે અહીંથી સૂર્ય પર સતત નજર રાખી શકાય છે. આ તે સ્થાન છે જ્યાં સૂર્યગ્રહણની કોઈ અસર નથી. સૂર્યની ગતિવિધિઓ અને અવકાશ પર તેની અસરનો ઊંડો અભ્યાસ કરવો અનુકૂળ રહેશે. કામ સરળ રહેશે. આદિત્ય એલ-૧ સાથે સાત પેલોડ (વિવિધ સાધનો) પણ અવકાશમાં મોકલવામાં આવી રહ્યા છે. આ બધા સૂર્યના વિવિધ ભાગોનો અભ્યાસ કરશે અને ઈસરોને રિપોર્ટ કરશે, જેથી વૈજ્ઞાનિકો ભવિષ્યની વ્યૂહરચના પર કામ કરી શકે. મિશનનો ઉદ્દેશ સૂર્યમંડળના ઉપરના વાતાવરણમાં ગતિશીલતાની શોધ કરવાનો છે. આ અભ્યાસ સૂર્યના કોરોનામાં ગરમી સંબંધિત રહસ્યને સમજવામાં મદદ કરશે. અવકાશમાં હવામાનના ફેરફારો સરળતાથી જાણી શકાય છે. સૂર્યની ગરમીને સમજવામાં મિશન માટે મહત્વની ભૂમિકા નક્કી કરવામાં આવી છે. મિશનનો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય સૂર્યના વિસ્તરણ, પ્રભાવ અને ગતિશીલતાને સમજવાનો છે. આદિત્ય-L1 એ ભારતનું પ્રથમ સૌર મિશન છે, જો કે જો આપણે વિશ્વની વાત કરીએ તો, સૂર્ય વિશે મહત્વપૂર્ણ માહિતી એકત્ર કરવા માટે ઘણી વખત પ્રયાસો કરવામાં આવ્યા છે. યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા સૌથી વધુ પ્રયાસો કરવામાં આવ્યા છે, જેણે અત્યાર સુધીમાં ૨૨ મિશન મોકલ્યા છે. આ સિવાય નાસાએ પણ ઘણી વખત આનો પ્રયાસ કર્યો છે, નાસાએ ૧૯૬૦માં જ પોતાનું પહેલું સોલર મિશન લોન્ચ કર્યું હતું. નાસાના ૧૪ સોલર મિશનમાંથી ૧૨ હજુ પણ સૂર્યની ભ્રમણકક્ષામાં છે.

૭. ઉત્તરાખંડમાં રામ ઝુલા બ્રિજ પર દ્વિ-ચક્રીય વાહનોની અવરજવર પર પ્રતિબંધ, કારણ છે આ

નરેન્દ્રનગર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ભારે વરસાદને કારણે ગંગા ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જે આ ગંગા નદીના વહેણને કારણે યાત્રાધામ શહેર ઋષિકેશમાં પ્રખ્યાત રામ ઝુલા બ્રિજનો પુલ તૂટી પડતાં પૌરી પોલીસ પ્રશાસને લોકો અને દ્વિચક્રી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. ઋષિકેશમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી હતી અને સોમવારે ભારે વરસાદને પગલે નદીનું જળસ્તર ભયજનક સપાટીથી ઉપર પહોંચી ગયું હતું. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ સોમવારે રાજ્યમાં પૂર પ્રભાવિત વિસ્તારોનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું અને ઋષિકેશમાં ગંગા નદીના વધતા જળ સ્તરની પણ સમીક્ષા કરી હતી. મહત્વનુક છે કે ઋષિકેશમાં સોમવારે સવારે ૨૪ કલાકના ગાળામાં સમગ્ર દેશમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, જેમાં ભારતીય હવામાન વિભાગ (IMD)ના આંકડા દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન ૪૨.૦૦ સેમી વરસાદ નોંધાયો હતો. પવિત્ર નગરમાં પરમાર્થ નિકેતન આશ્રમની નજીક આવેલી ભગવાન શિવની પ્રતિમા મંગળવારે નદીમાં આંશિક રીતે ડૂબી ગઈ હતી. સત્તાવાર અંદાજ મુજબ, રાજ્યમાં આ ચોમાસાની મોસમમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે ૫૨ લોકોના મોત થયા છે જ્યારે અન્ય ૩૭ લોકો ઘાયલ થયા છે. મુખ્યમંત્રી પુષ્કર ધામીની સૂચના પર, એસડીઆરએફ અને એનડીઆરએફના જવાનોને વરસાદ સંબંધિત ઘટનાઓથી ખરાબ રીતે પ્રભાવિત સ્થળોએ તૈનાત કરવામાં આવ્યા હતા. આ ચોમાસામાં ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન અને અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ છે. રામ ઝુલા, ૧૯૮૬માં બનેલો લોખંડનો ઝૂલતો પુલ છે જે તેહરી ગઢવાલ જિલ્લાના મુની કી રેતીના શિવાનંદ નગર વિસ્તારને પૌડી ગઢવાલ જિલ્લાના સ્વર્ગાશ્રમ સાથે જોડે છે. તે લક્ષ્મણ ઝુલા પુલ કરતાં તુલનાત્મક રીતે મોટો છે, જે લગભગ ૨ કિમી ઉપરની તરફ છે. ગયા વર્ષે એપ્રિલમાં, ગંગા પરના આઇકોનિક ૪૫૦ ફૂટ-લાંબા લક્ષ્મણ ઝુલા (એક સસ્પેન્શન બ્રિજ) પરની જાહેર હિલચાલને મુની કી રેતી પોલીસે અટકાવી દીધી હતી કારણ કે તેનો એક સપોર્ટિંગ વાયર અચાનક તૂટ્યો હતો. જૂના સ્ટ્રક્ચરને અડીને હાલમાં નવો પુલ નિર્માણાધીન છે.

૮. ઉતરપ્રદેશમાં ખચાખચ ભરેલી પંચાયતમાં છોકરીએ લીધો બેઈજ્જતીનો બદલો

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં પંચાયતે તુગલકી ફરમાન જાહેર કર્યું છે. બહાદુરગઢ પોલીસ સ્ટેશન વિસ્તારનો આ મામલો એક છોકરીનો અશ્લીલ વીડિયો વાયરલ કરવા સાથે સંબંધિત છે. આ મામલે રિપોર્ટ નોંધાયા બાદ પંચાયતે યુવકને ચપ્પલ વડે માર મારવાનો આદેશ જારી કર્યો હતો. જે બાદ યુવતીએ યુવકને ચપ્પલ વડે માર માર્યો હતો. મારપીટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જોકે પોલીસ આ સમગ્ર મામલે અજાણ છે. હાપુડના બહાદુરગઢ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના એક ગામમાં એક યુવકે એક યુવતીનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. આ પછી તે સતત યુવતીને વીડિયો દ્વારા બ્લેકમેલ કરતો હતો. તેના પર લગ્નનું દબાણ પણ વધી રહ્યું હતું. તેનાથી વ્યથિત યુવતીએ અનેક વખત યુવકનો વિરોધ કર્યો હતો, પરંતુ યુવક માન્યો ન હતો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયો વાયરલ થયા બાદ યુવતીએ આરોપી યુવક વિરુદ્ધ બહાદુરગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મામલો ઉગ્ર બનતા ગામના બંને પ ક્ષના લોકોએ તેનો ઉકેલ લાવવા પંચાયત બોલાવી હતી. આ પંચાયતમાં યુવકને સજા તરીકે ચપ્પલ મારવાનું કહેવામાં આવ્યું હતું. ફરમાન જારી થયા બાદ યુવતીએ તેને ચપ્પલથી માર માર્યો હતો. છોકરીએ ચંપલનો વરસાદ કર્યો. વીડિયો અનુસાર, ૨૦ સેકન્ડની અંદર યુવતીએ યુવકના ચહેરા પર લગભગ ૧૫ ચપ્પલ માર્યા અને તેના અપમાનનો બદલો લીધો. યુવતીને ચપ્પલ વડે મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. આ સાથે જ પંચાયતના આદેશ પર પણ સવાલ ઉભો થયો છે. આ મામલામાં એએસપી મુકેશ મિશ્રાનું કહેવું છે કે યુવતીની ફરિયાદ પર રિપોર્ટ પહેલા જ દાખલ કરવામાં આવ્યો છે. ગામની પંચાયતને આ બાબતની જાણ નથી, આ મામલે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. વિરોધ કરવા પર તેને જાનથી મારી નાખવાની ધમકી આપી, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં તેણે જણાવ્યું કે ગામમાં રહેતા એક છોકરાએ યુવતીનો અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. વિરોધ કરવા પર આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

૯. જ્ઞાનવાપી પર સમાધાન દરખાસ્ત અંગે બોલ્યા હિન્દુ પક્ષના વકીલ, કહ્યું,’’અમે એક ઈંચ જમીન પણ નહીં આપીએ’

વારાણસીના જ્ઞાનવાપીનો મામલો હજુ કોર્ટમાં છે. પરંતુ કોર્ટની બહાર પણ વિવાદ ઉકેલવાના પ્રયાસો ચાલુ છે. હિંદુ પક્ષે આ મામલો પોતાની વચ્ચે ખતમ કરવાની અપીલ કર્યા બાદ મુસ્લિમ પક્ષે વિવાદ ખતમ કરવાની ખાતરી આપી છે. જો કે, આ દરમિયાન, હિન્દુ પક્ષના વરિષ્ઠ વકીલ હરિશંકર જૈને મંદ સ્વરમાં કહ્યું કે, અમે કોઈ સમાધાન કરીશું નહીં. કાશીની એક ઇંચ જમીન પણ નહીં આપીએ. વિશ્વ વૈદિક સનાતન સંઘ અને હિંદુ પક્ષના વકીલો બંને જ્ઞાનવાપી મુદ્દે જુદી જુદી વાતો કહી રહ્યા છે. ૧૪ ઓગસ્ટના રોજ, વૈદિક સનાતન સંઘે મુસ્લિમ પક્ષને જ્ઞાનવાપી મુદ્દે પરસ્પર વાટાઘાટો દ્વારા વિવાદ ઉકેલવા અપીલ કરી હતી. જેનો મુસ્લિમ પક્ષે હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો. આ દરખાસ્ત હવે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટી પાસે મૂકવામાં આવશે, જે સંસ્થા જ્ઞાનવાપી સંકુલનું ધ્યાન રાખે છે. વિશ્વ વૈદિક સંગઠન મુસ્લિમ સંગઠનો સાથે કોર્ટની બહાર સમાધાન સુધી પહોંચવાની બાબત પર, એડવોકેટ હરિશંકર જૈને કહ્યું, “હું નામ આપવા માંગતો નથી કે કઈ સંસ્થાઓએ વાત કરી છે. હિંદુઓનું પ્રતિનિધિત્વ કરતી કોઈ સંસ્થા કે જેઓ શિવના ભક્ત છે, તેમને કોઈપણ મંદિર કે તેમની જમીનની મિલકત અંગે વાટાઘાટો કરવાનો અધિકાર નથી. તેમણે વધુમાં કહ્યું, “હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે, જે લોકો આ પ્રકારનું અભિયાન ચલાવી રહ્યા છે તેઓ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. હિન્દુઓ લોકોમાં ભ્રમ પેદા કરી રહ્યા છે. તેઓ વિભાજન કરવા માંગે છે, તેઓ એક રીતે હિંદુઓ સાથે દેશદ્રોહી છે. દરેક વ્યક્તિએ સાવચેત રહેવાની જરૂર છે.’હરિશંકર જૈને કહ્યું, “મેં આ કેસ માટે અભિયાન શરૂ કર્યું છે. મેં આ મામલે અત્યાર સુધીમાં ૬ કેસ દાખલ કર્યા છે. વિવિધ પ્રકારના કેસ દાખલ કરવામાં આવ્યા છે. મેં પૂજા કરવાનો અધિકાર, ૫ કોસ સુધીનો ધાર્મિક વિસ્તાર નક્કી કરવાનો અધિકાર જેવી અનેક બાબતો પર કેસ દાખલ કર્યા છે. કોર્ટે નિર્ણય કરવાનો છે. આમાં કોઈ બાંધછોડ કે ગીવ એન્ડ ટેક થઈ શકે નહીં. તેમણે વધુમાં કહ્યું કે કોઈ પણ વ્યક્તિ ચારેય ભગવાનની સંપત્તિ લઈ શકતો નથી. અમે દ્રઢપણે માનીએ છીએ કે પુરીને પુરી જ્ઞાનવાપી સંપત્તિ ભગવાન શિવની છે અને કોઈપણ હિંદુ કે સનાતની સંપ્રદાયને કોઈ અન્ય પક્ષને એક ઈંચ પણ જમીન આપવાનો અધિકાર નથી. અને મુસ્લિમ પક્ષને એક ઇંચ પણ જમીન આપી શકતા નથી. હા, એ જરૂરી છે કે મુસ્લિમો પોતે પોતાની ભૂલ સ્વીકારે અને મંદિરને મસ્જિદમાં ફેરવવા બદલ માફી માંગે. જો આપણે આપણા પોતાના પર વ્યવસાય છોડી દઈએ તો આપણી વચ્ચેની વાતચીતનો ઉકેલ આવી શકે છે. ધ્યાનમાં રાખો કે આનાથી ઓછું કંઈપણ સ્વીકારવામાં આવશે નહીં. મસ્જિદ પરિસરમાં સર્વે કરવા અને કોર્ટમાંથી ન્યાય મેળવવાના પ્રશ્ન પર, વરિષ્ઠ વકીલ હરિશંકર જૈને કહ્યું, “હું ભગવાનમાં વિશ્વાસ કરું છું. અને તમામ અદાલતો દ્વારા જે પણ નિર્ણય આપવામાં આવે છે તે ભગવાનના આદેશથી આપવામાં આવે છે. મને ખાતરી છે કે જે પણ નિર્ણય આવશે તે હિંદુઓની તરફેણમાં આવશે. જે રીતે અયોધ્યામાં કેસ જીત્યો હતો તે જ રીતે અહીં પણ કેસ જીતવામાં આવશે. અહીં શિવનું ભવ્ય મંદિર પણ બનાવવામાં આવશે. આ સાથે જ વિષ્ણુ શંકર જૈને એમ પણ કહ્યું કે, જે મુદ્દાઓ દેશ અને સમાજ સાથે જોડાયેલા હોય તેને કોઈપણ પક્ષ સમાધાન કરી શકતો નથી. મારા ગ્રાહકોમાંથી કોઈ પણ સમાધાન માટે તૈયાર નથી. તેમણે કહ્યું કે અમે બેરિકેડ્સની અંદરની જમીન આપવા તૈયાર નથી. અમારું મંદિર મસ્જિદમાં ફેરવાઈ ગયું છે. ભગવાનની મિલકત સાથે ન્યાય હોવો જોઈએ. મુસ્લિમ પક્ષે પણ માફી માંગવી જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે જિતેન્દ્ર સિંહ, હિંદુ પક્ષ તરફથી વકીલ નથી.

૧૦. ઉતરાખંડ-હિમાચલમાં ત્રાટકેલી વરસાદી આફત કુદરતી કે માનવસર્જીત

હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોમાં તબાહી સર્જાઈ છે. અહીં સદીઓથી બનેલા ભગવાનના મંદિરો ધરાશાયી થઈ રહ્યા છે. દાયકાઓથી માણસોએ બનાવેલા મકાનો નષ્ટ થઈ રહ્યા છે અને ઐતિહાસિક શહેરોનું અસ્તિત્વ જોખમાઈ રહ્યાં છે. શિમલા જેવું જૂનું શહેર પણ પત્તાના મહેલની માફક તૂટી રહ્યાં છે. નદીઓનું પાણી જ્યાં જાય છે ત્યાં વસાહતોને બરબાદ કરે છે. દરેકના મનમાં એક પ્રશ્ન છે કે અચાનક એવું શું થઈ ગયું કે પર્વતો અને નદીઓ, મનુષ્યના દુશ્મન બની ગયા. ઘણીવાર તમે જોયું હશે કે પહાડોમાં તિરાડ પડવાના અહેવાલો આવ્યા છે. ડુંગરાળ વિસ્તારોમાં ભૂસ્ખલન, ભારે વરસાદ અને અચાનક પૂરથી પાયમાલી સર્જાય છે. પરંતુ તેનું સાચું કારણ શું હોઈ શકે તે જાણવું ખૂબ જ જરૂરી છે. પ્રથમ અને મુખ્ય કારણ પર્યાવરણીય સમસ્યા છે. આ બધા માટે ગ્લોબલ વોર્મિંગ પણ જવાબદાર છે. આ બધા પર આબોહવા પરિવર્તનની પણ અસર પડે છે, જેનું સૌથી મહત્ત્વનું કારણ એ છે કે શું વધતી વસ્તી અને વધતા પ્રવાસીઓ પણ પર્વતોના વિનાશનું મુખ્ય કારણ છે. શું નબળી વ્યવસ્થાપન અને દ્રષ્ટિનો અભાવ પણ આ આફતો માટે જવાબદાર છે?

હિમાલયના પર્વતો ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલા છે જે જણાવીએ તો, હિમાલય પર્વત જે દેશના દુશ્મનોને રોકે છે તે ત્રણ શ્રેણીઓમાં વહેંચાયેલો છે. ગ્રેટ હિમાલયન રેન્જ, લેસર હિમાલયન રેન્જ અને શિવાલિક રેન્જ, જે પશ્ચિમથી પૂર્વ તરફ લગભગ ૨૪૦૦ કિમીની લંબાઇમાં ફેલાયેલી છે. હિમાલય પર્વત સમગ્ર વિશ્વના એવા પર્વતોમાંનો એક માનવામાં આવે છે, કે, જે કાચો પર્વત છે. તેની માટી હજુ સુધી પથ્થરો પર મજબૂત થઈ નથી. આવી સ્થિતિમાં ઝડપી વિકાસ હિમાલય માટે દુશ્મનથી ઓછો નથી. આ પ્રશ્ન વારંવાર ઉઠે છે કે શું પર્વતો પર ઝડપી અવૈજ્ઞાનિક બાંધકામ તેના વિનાશ માટે જવાબદાર છે ? ૨૭ જુલાઈના રોજ, હિમાચલના સોલનમાં એક એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં NHAI અને તેના સહયોગીઓ પર ગંભીર આરોપો મૂકવામાં આવ્યા હતા. શિમલાના પૂર્વ ડેપ્યુટી મેયરનો આરોપ છે કે પહાડોને ખોટી રીતે કાપવામાં આવી રહ્યા છે. બાંધકામમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવતો નથી, આમાં ભૂસ્તર વિભાગની સલાહ લેવામાં આવી ન હતી અને તેના કારણે જાનમાલનું નુકસાન થાય છે. મનાલીમાં વધતા હોટેલ-ગેસ્ટ હાઉસનો ગ્રાફ પર જો એક નજર કરીએ તો, ૧૯૮૦- ૧૦, ૧૯૯૪- ૩૦૦, ૨૦૦૯- ૮૦૦, ૨૦૨૨- ૨૫૦૦ જેટલો તફાવત જણવા આવ્યો. આ બાજુ અખા હિમાચલ પ્રદેશ માટે એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું. ઈસરોએ ગ્લેશિયર્સ અને સરોવરોનો અભ્યાસ કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે ૯૩૫ ગ્લેશિયર્સ અને સરોવરો તૂટવાનો ભય છે, જેના કારણે ઉત્તરાખંડમાં થયેલ ૨૦૧૩ જેવી દુર્ઘટના થવાની સંભાવના છે. બીજી તરફ જિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાના સર્વેમાં ૧૭,૧૨૦ સ્થળોએ ભૂસ્ખલનની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સિરમૌર ૨૫૫૯, ચંબા ૨૩૮૯, લાહૌલ સ્પીતિ ૨૨૯૫, કાંગડા ૧૭૭૯, શિમલા ૧૩૫૭, બિલાસપુર ૪૪૬, ઉના ૩૯૧, મંડી ૧૭૯૯ અને કિન્નોરમાં ૧૭૯૯ આવા સ્થળો છે. હિમાચલમાં ખડક તુટી પડવાની ઘટનાઓ પણ વર્ષે-દર વર્ષે વધી રહી છે, ૨૦૨૦માં ૧૬, ૨૦૨૧માં ૧૦૦ અને ૨૦૨૨માં ૧૧૭ ઘટનાઓ જોવા મળી છે. પર્યાવરણવિદો શું કહે છે?. માર્ગ વિસ્તરણ, પર્વતો તોડી નાખવા, વૃક્ષો કાપવા, વરસાદથી પર્વત નબળો પડી રહ્યો છે, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ, ટનલ બનાવવા માટે બ્લાસ્ટિંગ અને ભારે મશીનરીનો ઉપયોગ વગેરે જેવી સ્થિતિઓની અસર પડી. હિમાચલમાં આવો વિનાશ આ પહેલા જોવા મળ્યો ન હતો. આ વખતે કુદરતે એવો પાયમાલ સજ્યો છે કે ૧૨માંથી ૧૧ જિલ્લા ભૂસ્ખલન, પૂર અને વરસાદના કારણે ત્રસ્ત છે. ઘણી જગ્યાએ પર્વતો તૂટી પડ્યા છે, ભૂસ્ખલનનો તમામ કાટમાળ મુખ્ય રસ્તાઓ પર ૫ ચો છે, ઘણી જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે અને લોકો ફસાઈ ગયા છે. પ્રશાસન, NDRF રાહત અને બચાવ કામગીરીમાં લાગેલા છે. પરંતુ વિનાશ એટલો મોટો છે કે રાહત કાર્ય પૂર્ણ કરવામાં લાંબો સમય લાગી શકે છે.

૧૧. સિમ કાર્ડ ફ્રોડની કમર તોડવા સરકાર એક્શનમાં, વેરિફિકેશન ના કરાવ્યુ તો લાગશે લાખોનો દંડ

આજકાલ સિમ કાર્ડ (SIM card) દ્વારા છેતરપિંડીના કિસ્સાઓ ઝડપથી વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, આનાથી થતી છેતરપિંડીઓની (Fraud) કમર તોડવા માટે સરકારે વિશેષ પગલાં લીધાં છે. ખરેખર, સરકારે હવે સિમ ડીલરનું વેરિફિકેશન ફરજિયાત કરી દીધું છે. છેતરપિંડીની કમર તોડવા માટે સરકારે ખાસ પગલાં લીધાં છે. જે અંતર્ગત હવે સિમ વેચતા ડીલરો માટે પોલીસ અને બાયોમેટ્રિક વેરિફિકેશન (verification) જરૂરી બન્યું છે. ૧૦ લાખનો દંડ થશે!... ના માની શકાય ને.. જો જણાવીએ તો, સરકારે જથ્થાબંધ સિમ ખરીદવાની સિસ્ટમ પણ બંધ કરી દીધી છે. જથ્થાબંધ સિમ ખરીદવાની વ્યવસ્થાના સ્થાને બિઝનેસ કનેક્શનનો કોન્સેપ્ટ લાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ, જો કોઈપણ સિમ ડીલર ગેરકાયદેસર રીતે સિમ વેચતો જોવા મળે છે અથવા વેરિફિકેશન કરવામાં આવ્યું નથી, તો તેના પર ૧૦ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. જથ્થાબંધ સિમ ખરીદવા KYC કરવું પડશે.. જે જણાવીએ, સિમની ગેરકાયદેસર અને જથ્થાબંધ ખરીદી રોકવા માટે બિઝનેસ કોન્સેપ્ટ લાવવામાં આવશે. આમાં કોઈપણ બિઝનેસ ગ્રુપ, કોર્પોરેટ કે ઈવેન્ટ માટે સિમ ખરીદવાની સુવિધા આપવામાં આવશે. તેના દ્વારા કંપનીઓના રજિસ્ટ્રેશનના આધારે સિમ આપવામાં આવશે. જો કોઈ કંપની જથ્થાબંધ સિમ ખરીદવા માંગે છે, તો તેમાં પણ તેણે વ્યક્તિગત KYC કરવું પડશે. સરકારની નવી ગાઈડલાઈન સામે આવી છે. સરકારની નવી ગાઈડલાઈન મુજબ પોલીસ વેરિફિકેશન વગર સિમ કાર્ડ વેચવા પર ૧૦ લાખ રૂપિયા સુધીનો દંડ છે. ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર દેશમાં લગભગ ૧૦ લાખ સિમ કાર્ડ ડીલર્સ છે જેમણે પોલીસ વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે. આ સિવાય બિઝનેસનું KYC પણ કરવું પડશે. આજકાલ સિમ વેચતા ડીલરોની ઘણી બેદરકારી સામે આવી છે. તેમનું મુખ્યધ્યાન માત્ર સિમ વેચવા પર છે. તેને દૂર કરવા માટે ડીલરોનું બાયોમેટ્રિક અને પોલીસ વેરિફિકેશન જરૂરી બનાવવામાં આવી રહ્યું છે. તમામ POS ડીલરોનું રજીસ્ટ્રેશન પણ ફરજિયાત રહેશે. જો કોઈ વેપારી આ બાબતે બેદરકારી દાખવતો જોવા મળે તો તેની જવાબદારી નક્કી કરી શકાય. ટેલિકોમ મંત્રીએ કહ્યું કે સંચાર સાથી પોર્ટલ લોન્ચ થયા બાદ તેમણે લગભગ ૫૨ લાખ નકલી કનેક્શનને નિષ્ક્રિય કરી દીધા છે. ૬૭ હજાર ડીલરોને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે, ૩૦૦ માંથી ઘણી FIR નોંધાયેલી છે. લોકો જથ્થાબંધ સિમ ખરીદે છે પરંતુ તેમાં ૨૦ ટકા દુરુપયોગ થાય છે. આ સાયબર ફ્રોડ તરફ દોરી જાય છે. વિગતવાર અભ્યાસ કર્યા બાદ જથ્થાબંધ ખરીદીની સિસ્ટમ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેની જગ્યાએ બિઝનેસ કનેક્શનનો કોન્સેપ્ટ આવશે. આમાં કોઈપણ બિઝનેસ ગ્રુપ, કોર્પોરેટ કે ઈવેન્ટ માટે વ્યવસ્થા કરવામાં આવશે. જેમાં રજીસ્ટ્રેશનના આધારે સિમ આપવામાં આવશે.

૧૨. એરોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનો IPO મંગળવારે ખુલશે, જાણો કંપનીની યોજના

મુંબઈ સ્થિત એરોલેક્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, જે વૈશ્વિક બજારોની જરૂરિયાતો પૂરી કરે છે તેવા પર્યાવરણને અનુકૂળ મેટાલિક ફ્લેક્સિબલ ફ્લો સોલ્યુશન પ્રોડક્ટ્સનું ઉત્પાદક છે, તેણે તેના IPO માટે રૂ. ૧૦૨ થી રૂ. ૧૦૮ પ્રતિ ઇક્વિટી શેરની કિંમતની શ્રેણી નક્કી કરી છે. કંપનીના ("IPO” અથવા “ઑફર’”) સબસ્ક્રપ્શન માટે મંગળવાર, ઑગસ્ટ ૨૨, ૨૦૨૩ના રોજ ખુલશે અને ગુરુવાર, ઑગસ્ટ ૨૪, ૨૦૨૩ના રોજ બંધ થશે. રોકાણકારો ઓછામાં ઓછા ૧૩૦ ઇક્વિટી શેર માટે બિડ કરી શકે છે. ત્યારબાદ ૧૩૦ ઇક્વિટી શેરના ગુણાંકમાં. ઇક્વિટી શેર દીઠ રૂ. ૨ના ફેસ વેલ્યુના જાહેર ઇશ્યૂમાં રૂ. ૧૬૨ કરોડના નવા ઇક્વિટી શેર અને ૧૭.૫ મિલિયન ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. કંપની તેના IPO દ્વારા ભાવ શ્રેણીના નીચલા અને ઉપરના છેડે રૂ. ૩૪૦.૫ કરોડ – રૂ. ૩૫૧ કરોડ મેળવશે. કંપનીના પ્રમોટર્સે આ ઈસ્યુના લીડ બેકર્સ સાથે પરામર્શ કરીને ૮.૬૯ મિલિયન ઈક્વિટી શેર અથવા ૭.૬% હિસ્સો વેચ્યો હતો અને આશિષ કચોલિયા, બંગાળ ફાયનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ સહિતના સંસ્થાકીય રોકાણકારો પાસેથી પ્રી-આઈપીઓ પ્લેસમેન્ટમાં રૂ. ૭૬.૧૪ કરોડ એકત્ર કર્યા હતા. મિતુલ પ્રફુલ્લભાઈ મહેતા, સમેધ ટ્રિનિટી પાર્ટનર્સ, જગદીશ માસ્ટર, શ્યામસુંદર બાસુદેવ અગ્રવાલ, VPK ગ્લોબલ વેન્ચર્સ ફંડ, રજનીકકુમાર સુરેશભાઈ સાવલિયા HUF, રોઝી બ્લુ (ઈન્ડિયા) પ્રાઈવેટ લિમિટેડ, કાર્નેલિયન સ્ટ્રક્ચરલ શિફ્ટ ફંડ. એરોલેક્સ યુરોપ, અમેરિકા અને અન્ય સહિત ૮૦ થી વધુ દેશોમાં તેના ઉત્પાદનોની નિકાસ કરે છે, તેની ૮૦% થી વધુ આવક નિકાસમાંથી પેદા થાય છે. એરોફ્લેક્સના ઉકેલો હવા, પ્રવાહી અને ઘન સહિત તમામ પ્રકારના પદાર્થોના નિયંત્રિત પ્રવાહ માટે ઉદ્યોગોના વ્યાપક સ્પેક્ટ્રમમાં એપ્લિકેશન શોધે છે. કંપનીની ઉત્પાદન સુવિધા અને NABL માન્યતા પ્રાપ્ત R&D પ્રયોગશાળા તલોજા, નવી મુંબઈ ખાતે આવેલી છે. નાણાકીય ૨૦૨૩ માટે, એરોલેક્સે રૂ.ની કામગીરીમાંથી એકીકૃત આવક ઊભી કરી. ૨૬૯.૪ કરોડ છે. કંપની પાસે રૂ.નો EBITDA હતો. ૫૪ કરોડ અને EBITDA માર્જિન ૨૦.૦૫. નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે કંપનીનો કર પછીનો નફો રૂ. ૧૧.૧૯% ના PAT માર્જિન સાથે ૩૦.૧ કરોડ. નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે કંપનીનું રિટર્ન ઓન ઈક્વિટી (RoE) અને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોઈડ (RoCE) ૨૬.૪૩% અને ૩૧.૯૧% હતું. લવચીક ફ્લો સોલ્યુશન્સ કોઈપણ ઔદ્યોગિક અથવા વ્યાપારી ઇકોસિસ્ટમમાં પદાર્થો (હવા, પ્રવાહી અને નક્કર) ના સ્થાનાંતરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, વિવિધ પ્રક્રિયાઓના મૂળ અને અંતિમ બિંદુઓને જોડે છે. કંપની ૧,૭૦૦ થી વધુ SKU (સ્ટોક રાખવાના એકમો) હેઠળ તેના ઉત્પાદનો ઓફર કરે છે. કંપનીએ તાજેતરમાં બ્રોન્ઝ કાસ્ટ પ્રોડક્ટ્સ પણ વિકસાવી છે અને આજની તારીખે ૫૫ થી વધુ ઉત્પાદનોની પાઇપલાઇન ધરાવે છે. સંશોધન અને ઉત્પાદન વિકાસની જટિલતા, વિવિધ ઉત્પાદન એપ્લિકેશનો, જરૂરી તકનીકી નિપુણતા, તેમાં સામેલ ચોકસાઇ, લાંબી અને સખત ગ્રાહક લાયકાત પ્રક્રિયાઓને જોતાં, એરોલેક્સનું બિઝનેસ મોડલ નોંધપાત્ર પ્રવેશ અવરોધો (નવા પ્રવેશકર્તાઓ માટે) તેમજ બહાર નીકળવાના અવરોધો (નવા પ્રવેશકારો માટે) ઉભા કરે છે. પેન્ટોમાથ કેપિટલ એડવાઈઝર્સ પ્રાઈવેટ લિમિટેડ એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર છે અને LINK INTIME INDIA PRIVATE LIMITED ઓફર માટે રજિસ્ટ્રાર છે. ઈક્વિટી શેર બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ થવાની દરખાસ્ત છે.

૧૩. કેન્દ્રસરકારે મોંઘવારી સામે લડવા માટે બનાવી ફોર્મ્યુલા, તૈયાર કરવામાં આવશે બ્લૂ પ્રિન્ટ

છેલ્લા ૬ મહિનાથી દેશની સરકાર જે મોંઘવારીને (Inflation) માત આપતી નજર આવી રહી હતી, જુલાઈ મહિના સુધી આરબીઆઈ બડાઈ મારતી હતી કે હવે દેશમાં મોંઘવારી ચિંતાનો વિષય નથી. હવે આવનારા ૬ મહિના માટે સત્તાની લડાઈ બીજા કોઈ સાથે નહીં પણ મોંઘવારી સાથે છે. મોંઘવારી સામેની લડાઈમાં આ વખતે કમાન આરબીઆઈના હાથમાં નહીં, પરંતુ દેશના ટોચના નેતાઓના હાથમાં આવી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોંઘારી સામે લડવા પોતે આવી ગયા છે. આ માટે તેમણે અનેક રસ્તાઓ વિશે વિચારવાનું શરૂ કર્યું છે અને નક્કી કર્યું છે કે કયા રસ્તાનો ઉપયોગ ક્યારે કરવો. જેથી ચૂંટણીમાં વિપક્ષ પાસે મોંઘવારીનો કોઈ મુદ્દો ન રહે. તો ચાલો આ વાતને સમજવાનો પ્રયાસ કરીએ જેના પર દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભરોસો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારનું પહેલું પગલું દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરવાનું છે. આ માટે પીએમ પોતે જલ્દી નિર્ણય લઈ શકે છે. વાસ્તવમાં કેન્દ્ર સરકાર પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડવાની યોજના બનાવી રહી છે. જો પેટ્રોલ અને ડીઝલ પરના ટેક્સમાં ઘટાડો થશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો થશે. ૨૧ મે, ૨૦૨૨ના રોજ પણ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યૂટીમાં ૮ રૂપિયા અને ડીઝલ પર ૬ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. નિષ્ણાતોના મતે પેટ્રોલ પર ૧૫ રૂપિયા અને ડીઝલ પર ૧૨ રૂપિયા એક્સાઇઝ ડ્યૂટી ઘટી શકે છે. જે બાદ દેશના રાજ્યો તરફથી વેટ ઘટાડવાનું દબાણ આવશે. આ વર્ષે અસમાન વરસાદને કારણે ૫ કને ઘણું નુકસાન થયું છે અને સરકારના અંદાજ મુજબ દેશમાં ઘઉંનું ઉત્પાદન ઘણું ઓછું થઈ શકે છે. ઘઉંના ભાવમાં પણ એપ્રિલથી વધારો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં ઘઉંના ભાવને અંકુશમાં લેવા માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે. હાલમાં, ખાનગી ક્ષેત્રમાં ઘઉંની આયાત મફત છે, પરંતુ હાલમાં તે ટેરિફને આકર્ષે છે. આ ટેરિફ એપ્રિલ ૨૦૧૯ પહેલા ૩૦ ટકા હતો. હવે સરકાર ઘઉંના ભાવને નિયંત્રિત કરવા માટે ટેરિફને સંપૂર્ણપણે નાબૂદ કરવા વિચારી રહી છે. બીજી તરફ સ્ટોક હોલ્ડિંગની મર્યાદા ઘટાડવાનો પણ નિર્ણય લેવામાં આવી શકે છે. ખાદ્યતેલની કિંમત ઘટાડવા માટે કેન્દ્રએ સતત આયાત ડ્યુટીમાં ઘટાડો કર્યો છે. જેની અસર ભારતના છૂટક બજારમાં ખાદ્યતેલના ભાવમાં પણ જોવા મળી છે. માહિતી અનુસાર, જૂન મહિનામાં કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ, ખાસ કરીને સોયા અને સૂર્યમુખી તેલ પરની આયાત ડ્યૂટી ૧૭.૫ ટકાથી ઘટાડીને ૧૨.૫ ટકા કરી હતી, આ દર માર્ચ ૨૦૨૪ સુધી ચાલુ રહેવાના હતા. હવે તેને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. જે બાદ ખાદ્યતેલના ભાવમાં વધુ ઘટાડો જોવા મળશે. કેન્દ્ર સરકારનું માનવું છે કે જો તેલ અને ખાદ્યપદાર્થોના ભાવ નિયંત્રણમાં રહેશે તો દેશમાં મોંઘવારી આપોઆપ નીચે આવી જશે. આ માટે સ૨કારે એક લાખ કરોડ રૂપિયાની યોજના બનાવી છે. હકીકતમાં, કેન્દ્રીય મંત્રાલયોના બજેટમાંથી લગભગ એક લાખ કરોડ રૂપિયા ફરીથી ફાળવવામાં આવશે. આ નાણાનો ઉપયોગ તેલ અને ખાદ્ય પદાર્થોમાંથી મોંઘવારી ઘટાડવા માટે કરવામાં આવશે. મોંઘવારી ઘટાડવા માટે સરકારના ખાધના લક્ષ્યાંકને જરા પણ અસર ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. પીએમ મોદીનું આ છેલ્લું પગલું અને સામાન્ય લોકોને રાહત આપવાની છેલ્લી તક હશે. જે ફેબ્રુઆરી મહિનામાં આરબીઆઈ દ્વારા નાણાકીય નીતિ હેઠળ ચલાવી શકાય છે. હા, સામાન્ય લોકોને આ વર્ષે વધેલી EMIથી કોઈ રાહત દેખાઈ રહી નથી, પરંતુ ચૂંટણીના થોડા સમય પહેલા RBI દ્વારા રેપો રેટમાં ૦.૫૦ ટકાનો ઘટાડો થઈ શકે છે. આરબીઆઈના વ્યાજ દરોમાં સતત ત્રણ વખત કોઈ ફેરફાર થયો નથી. હાલમાં, રેપો રેટ ૬.૫૦ ટકા છે, જે સમગ્ર એશિયન પ્રદેશમાં સૌથી વધુ છે. આવી સ્થિતિમાં સામાન્ય લોકોને રાહત આપવાનું કામ ફેબ્રુઆરીમાં પૂર્ણ થઈ શકે છે.

૧૪. સીમા હૈદર પર બની રહેલી ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ થયું

હાલના દિવસોમાં ચારેતરફ પાકિસ્તાનથી ગેરકાયદેસર રીતે ભારત આવેલી સીમા હૈદરની ચર્ચા થઈ રહી છે. સીમા હૈદર દરેક જગ્યાએ દેખાઈ રહી છે. હવે સીમા હૈદર પર ફિલ્મ પણ બનવા જઈ રહી છે. જેનું પ્રથમ પોસ્ટર મેકર્સે જાહેર કર્યું છે. આ ઉપરાંત ફિલ્મનું પ્રથમ ગીત પણ તૈયાર થઈ ગયું છે. જેને બે દિવસ એટલે કે ૨૦ ઓગસ્ટ સુધીમાં રિલીઝ થઈ જશે. સીમા હૈદર અને નોઈડાના સચિન મીણાના પ્રેમની હાલમાં ચારેતરફ ચર્ચા થઈ રહી છે. આ કહાનીના પ્રોડ્યૂસર અમિત જાની પડદા પર બતાવવા જઈ રહ્યા છે. ફિલ્મમાં એક્ટ્રેસ ફરહીન ફલક સીમા હૈદરનું પાત્ર નિભાવતી જોવા મળે છે. આ ફિલ્મના નિર્દેશક ભરત સિંહ કરી રહ્યા છે. સીમા હૈદરની ફિલ્મ કરાચી ટૂ નોઈડાનું પ્રથમ ગીત ૨૦ ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે. પ્રોડ્યૂસર અમિત જાનીએ ખુદ ટ્વિટર પર તેનું પોસ્ટર જાહેર કર્યું છે. ગીતને પ્રીતિ સરોજે ગાયું છે અને લિરિક્સ પ્રોડ્યૂસર અમિત જાનીએ લખ્યું છે. આ ફિલ્મને જાની ફાયરફોક્સના બેનર બનાવવા જઈ રહ્યા છે. કરાચી ટૂ નોઈડા ફિલ્મનું જે પ્રથમ પોસ્ટર જાહેર થયું છે, તેમાં સીમા હૈદરના ત્રણ લુક દેખાડ્યા છે. એક્ટ્રેસ ફરહીન ફલકનો લુક સીમા હૈદર સાથે મળતો આવે છે. એક લુકમાં તે હિજાબમાં દેખાઈ રહી છે. બીજા લુકમાં વાળ ખુલા છે અને ચહેરા પર પરેશાની દેખાઈ રહી છે. જ્યારે ત્રીજા લુકમાં સીમા હૈદર સાડીમાં દેખાઈ રહી છે. માથા પર સાડીનો પાલવ અને બિંદી લગાવેલી છે.

૧૫. Kajolએ આ વાત કહીને ગદર ફિલ્મ રીજેક્ટ કરેલી

કાજોલ ભારતીય સિનેમાની પ્રતિભાશાળી અભિનેત્રી છે અને તે તેના સમય દરમિયાન સૌથી વધુ માંગ ધરાવતી અભિનેત્રીઓમાંની એક હતી. તે હજુ પણ ફિલ્મોમાં સક્રિય છે, અને તેને જાહેરાતોમાંથી જંગી પગાર મળે છે. અભિનેત્રીએ ડીડીએલજેમાંથી સિમરન, કુછ કુછ હોતા હૈમાંથી અંજલિ અને કભી ખુશી કભી ગમમાંથી અંજલિ જેવા પાત્રોને અમર કર્યા છે. અભિનેત્રી પાસે દુશ્મન, પ્યાર કિયા તો ડરના ક્યા અને અન્ય સહિતની શાનદાર ફિલ્મો છે. પરંતુ શું તમે જાણો છો કે, તેમની પાસે રિજેક્ટેડ ફિલ્મોની પણ લાંબી યાદી છે?.. કાજોલ દ્વારા નકારી કાઢવામાં આવેલી ફિલ્મોમાં દિલ સે, મોહબ્બતેં, ૩ ઈડિયટ્સ, મુન્નાભાઈ એમબીબીએસ અને ગદરનો સમાવેશ થાય છે. એકવાર તેને ફિલ્મોનો ઇનકાર કરવા વિશે પૂછવામાં આવ્યું, તો તેણે શા માટે આવી શાનદાર સ્ક્રિપ્ટને નકારી કાઢી? જોકે, તેમના જવાબે દિલ જીતી લીધું અને તેમના વ્યક્તિત્વનું યોગ્ય રીતે વર્ણન કર્યું. રજત શર્માના શો આપ કી અદાલતમાં તેણીના એક દેખાવ દરમિયાન, કાજોલને ગદર અને મોહબ્બતેં જેવી ફિલ્મો નકારવા વિશે પૂછવામાં આવ્યું હતું. એકરે કહ્યું, ‘કાજોલ સાચી છે, તમારા પર આનો આરોપ છે. તમે ૨૫ વર્ષથી લોકોના દિલ પર રાજ કર્યું છે. કેટલાય લોકોએ તને ગમ્યો, પ્રેમ આપ્યો, ઘણા એવોર્ડ મળ્યા, કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા પણ કામ. આ દાવો સ્વીકારતાં અભિનેત્રીએ કહ્યું, ‘હું કામ કરું છું, હા, હું તમારો આરોપ સ્વીકારું છું કે, હું વાસ્તવિક છું, પરંતુ હું કહેવા માંગુ છું કે, આ ફક્ત મારા કામના સંબંધમાં છે, જે મને લાગે છે. યજમાન એટલે કે રાજન શર્માએ તેમને અટકાવીને કહ્યું, ‘પણ પરિવારમાં બધા કહે છે, તમારા પતિ કહે છે, મા કહે છે, બાળકો પણ કહે છે, હવે કામ પર જાઓ.' કાજોલે પોતાની કામ કરવાની રીત અને કોઈપણ પ્રોજેક્ટ વિશે ખુલીને વાત કરી. તેણે ખુલાસો કર્યો, “મને લાગે છે કે, જો મારે કામ કરવું છે તો મારે સારું કામ કરવું પડશે અથવા મારે કરવું નથી. મને લાગે છે કે, ભગવાને મને આર્થિક ક્ષમતા આપી છે કે હું જાણું છું કે, મારે કામ કરવાની જરૂર નથી. મારે કામ કરવું નથી, મારે કામ કરવાની જરૂર નથી. એટલા માટે મને લાગે છે કે, જો મારે કામ કરવું હોય તો હું એવી ફિલ્મો કરવા માંગુ છું, જેમાં હું ૧૦૦ ટકા કામ કરવા માંગુ છું. આના પર રજત શર્મા અને ડીડીએલજે એક્ટ્રેસે કાજોલને રિજેક્ટ કરેલી ફિલ્મો વિશે વાત કરી. તેણે કહ્યું, ‘જુઓ, હું તમને ગણી શકું છું, ગદર, તે ખૂબ જ સારી ફિલ્મ હતી, તે સુપરહિટ હતી, તમને રોલ ઓફર કરવામાં આવ્યો હતો, તમે ન કર્યો. અભિનેત્રીએ કહ્યું, “મને નથી લાગતું કે, આ મારી પ્રકારની તસવીર છે...? ત્યારપછી જ્યારે દીલે સે વિશે પૂછવામાં આવ્યું તો તેને કહેવામાં આવ્યું કે, તારીખો મેચ નથી થતી. પછી રજત શર્માએ મોહબ્બતેં વિશે પૂછ્યું અને તેણે કહ્યું, મોહબ્બતેં મને ઓફર કરવામાં આવી ન હતી? મને તે યાદ નથી. મને દિલ તો પાગલ હૈ ઓફર કરવામાં આવી હતી. પરંતુ જ્યારે તે ફિલ્મની ઓફર થઈ ત્યારે મને લાગ્યું કે, તેમાં મારો રોલ એટલો મોટો નથી. જેમાં રજત શર્માએ જ્યારે કાજોલને પૂછ્યું, અને ૩ ઈડિયટ્સ? શું તમને કરીના કપૂરનો રોલ ઑફર કરવામાં આવ્યો હતો? અભિનેત્રીએ ખુશીથી યાદ કરતાં કહ્યું, “મૈને બોલા થા. જ્યારે મને સ્ક્રિપ્ટ સંભળાવવામાં આવી ત્યારે મેં કહ્યું કે, મને માધવનનો રોલ આપો, હું કરીશ. પણ તેણે કહ્યું ના, તને એ જ રોલ મળવાનો છે, મેં કહ્યું ના, મારે માધવનનો રોલ જોઈએ છે. મેં કહ્યું કે, ૩ ઈડિયટ્સમાંથી એક છોકરી પણ હોઈ શકે છે. બાદમાં કાજલે કહ્યું, “મેં ક્યારેય કોઈ ફિલ્મ અપનાવી નથી, જ્યાં સુધી મેં કામ ન કર્યું ત્યાં સુધી તે કરીનાની તસવીર છે, અમીષાની તસવીર છે. મેં ચોક્કસપણે કર્યું નથી પણ તે ફિલ્મ મારી નથી બની.

૧૬. પૂર્વ પાકિસ્તાની દિગ્ગજે રોહિત પર સાધ્યું નિશાન, કહી આ વાત

વિરાટ કોહલી જો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન રહ્યો હોત તો ભારત આગામી વન-ડે વર્લ્ડ કપ (2023 ODI World Cup) માટે તૈયાર પૂરેપૂરું હોત, તેવું પાકિસ્તાનના પૂર્વ સુકાની રાશિદ લતીફનું માનવું છે. તેણે રાહુલ અને અય્યર જેવા ઇજાગ્રસ્ત સિનિયરો પર ટીમનો મદાર જોખમી હોવાનું પણ કહ્યું હતું. વર્ષ ૨૦૨૧ના અંતમાં કોહલીની વનડે કેપ્ટન તરીકે હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેના થોડા મહિના તેણે પહેલા T-20ના સુકાની તરીકે પદ છોડી દીધું હતું. તે સમયે BCCI એ બંને ફોર્મેટમાં જુદા જુદા બે કેપ્ટન ઇચ્છતું ન હોવાનું કહ્યું હતું. ત્યારબાદ રોહિતે વ્હાઇટ-બોલના સુકાની તરીકેની જવાબદારી સંભાળી હતી. આ દરમિયાન ૨૦૨૨ની શરૂઆતમાં ટેસ્ટ સુકાની પદ પરથી પણ કોહલીએ રાજીનામું આપ્યું હતું. જેથી રોહિત ફૂલ ટાઈમ કેપ્ટન બની ગયો હતો. ત્યારબાદ ભારતને એકેય ફોર્મેટમાં સફળતા મળી શકી નથી. ૨૦૨૨માં એશિયા કપમાં ખરાબ પ્રદર્શન રહ્યું હતું. તેમજ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાયેલી ટી-૨૦ વર્લ્ડ કપની સેમી ફાઈનલમાંથી પણ ટીમ બહાર ફેંકાઈ ગઈ હતી. આ ઉપરાંત ભારત બાંગ્લાદેશ સામે વન-ડેમાં હાર્યું હતું. તેમજ WTC ફાઇનલમાં પણ હારી ગયું હતું. આ ઉપરાંત તાજેતરમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પાંચ મેચની T20 સીરીઝ પણ ગુમાવી હતી. ટીમને કેટલાક ખેલાડીઓની ઇજા પણ પરેશાન કરી રહી છે. એશિયા કપ પહેલા કેએલ રાહુલ અને શ્રેયસ અય્યરની ફિટનેસ નહોતી. જેથી ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. અત્યારે તો ભારતીય ટીમ પાસે ઘણા સારા પ્લેયર છે. ત્યારે લતીફે ભારતના હાલના સંઘર્ષ અંગે વિસ્તારથી વાત કરી છે. તે માને છે કે, જો કોહલી કેપ્ટન રહ્યો હોત તો પરિસ્થિતિ જુદી હોત. તે કહે છે કે, જો કોહલી કેપ્ટન રહ્યો હોત તો ભારત વર્લ્ડ કપ માટે ૧૦૦ ટકા તૈયાર હોત. લતીફે પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું કે, ભારતીય ટીમ મેનેજમેન્ટે ઘણા ખેલાડીઓ સાથે પ્રયોગો કર્યા છે અને જો હું, ભારતની બેટિંગ, મિડલ અને લોવર ઓર્ડરની વાત કરું તો મિડલ અને લોવર ઓર્ડર ૪ થી ૭ નંબર સુધી કોઈ પણ નવા ખેલાડીને ટકવા દેવાયો નથી. ઘણા બધા બદલાવ થયા છે. વર્તમાન સમયે જસપ્રિત બુમરાહ આયર્લેન્ડ સામેની ત્રણ ટી-૨૦ માટે ટીમ બીનું નેતૃત્વ કરી રહ્યો છે. જોકે, ટીમની નજર ૩૦ ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપ પર જ છે. આ ટુર્નામેન્ટ બાદ તરત જ ૫મી ઓક્ટોબરથી ભારતમાં વન ડે વર્લ્ડ કપનો પ્રારંભ થશે.

૧૭. WORLD CUP 2023માં ફરીથી ૨૦૧૧નું પુનરાવર્તન કરવા સામે આ ૫ મોટા પડકારો

વર્લ્ડ કપ ૨૦૨૩નું યજમાન ભારત ૨૦૧૧ના ટાઇટલ જીતનું પુનરાવર્તન કરી શકશે ખરા?.. ક્રિકેટ વર્લ્ડ ક્રિકેટના ‘મહાકુંભ’ને હજુ એક મહિના કરતાં વધુ સમય બાકી છે, પરંતુ આ પ્રશ્ન ચાહકોના મનમાં સતત ઘૂમી રહ્યો છે. જોકે, આ પહેલા ભારતીય ટીમે ૧૮ ઓગસ્ટથી આયર્લેન્ડમાં ત્રણ T20 મેચોની શ્રેણી અને ત્યારબાદ એશિયા કપ (ODI ફોર્મેટ) રમવાની છે. આ બંને શ્રેણીને વર્લ્ડ કપ પહેલા વિવિધ સંયોજનો અજમાવવાની કવાયત તરીકે ગણવામાં આવી રહી છે. વર્લ્ડ કપ ૨૦૧૯ માટે ભારતીય ટીમની જાહેરાત આવતા મહિને કરવામાં આવશે. તેની શરૂઆત ૫ ઓક્ટોબરથી થશે અને ચેમ્પિયન ટીમનો નિર્ણય ૧૯ નવેમ્બરે ફાઇનલમાં થશે. યજમાન અને ઘરેલુ સ્થિતિથી વાકેફ હોવાને કારણે રોહિત શર્માની ટીમ ઈન્ડિયાને ખિતાબની પ્રબળ દાવેદાર માનવામાં આવી રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને પણ ઓછો આંકી શકાય તેમ નથી. એવું પણ શકય છે કે, આ ચાર ટીમો સિવાય કોઈ અલગ ટીમ બધાને ચોંકાવી દે અને ચેમ્પિયનનો તાજ પોતાના નામે કરી શકે છે. હોમ ગ્રાઉન્ડ પર દરેક ભારતીય પોતાની ટીમ પાસેથી ખિતાબની અપેક્ષા રાખતા હોય છે, પરંતુ વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 શ્રેણીમાં સરેરાશ પ્રદર્શનને કારણે તેમનો વિશ્વાસ ચોક્કસપણે ડગ્યો છે. આવો જોઈએ તે પડકારો અને નબળાઈઓ જે ટીમની વર્લ્ડ કપ સફરને ‘કાંટાળાજનક’ બનાવી શકે છે.

વર્લ્ડ કપ ૨૦૧૧માં સચિન અને સેહવાગની જોડીએ ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારથી, બે વર્લ્ડ કપમાં (૨૦૧૫ અને ૨૦૧૯), ટીમે શિખર ધવન અને રોહિત શર્માને ડાબે-જમણે કોમ્બિનેશન તરીકે ઓપનર તરીકે અજમાવ્યો. આ જોડીએ વિપક્ષી બોલરો અને ફિલ્ડરોને ખૂબ જ પરેશાન કર્યા અને મોટાભાગની મેચોમાં ટીમ ઈન્ડિયાને મજબૂત શરૂઆત આપીને મોટા સ્કોરનો પાયો નાખવામાં મદદ કરી. કોઈપણ રીતે, MS ધોનીએ ઓપનર અને મિડલ ઓર્ડરમાં ડાબા-જમણા હાથના બેટ્સમેનોની જોડીનો ‘પ્રયોગ‘ અજમાવ્યો છે. વર્લ્ડ કપ ૨૦૨૩ પહેલા ટીમ મેનેજમેન્ટે નક્કી કરવું પડશે કે, શું માત્ર રોહિત શર્મા અને શુભમન ગિલની ઓપનર જોડી પર આધાર રાખવો કે, પછી રોહિતની સાથે ઈશાન કિશન (અથવા યશસ્વી જયસ્વાલ) જેવા સારા બેટ્સમેનને તક આપવી. આવી સ્થિતિમાં શુભમન ગિલ મિડલ ઓર્ડરને મજબૂત બનાવી શકે છે (જે ઘણી વખત નબળી કડી સાબિત થઈ છે). ફાસ્ટ બોલિંગમાં ટીમ ઈન્ડિયાના ટ્રમ્પ કાર્ડ જસપ્રીત બુમરાહ પર બધાની નજર છે.

સર્જરી બાદ બુમરાહે બોલિંગ શરૂ કરી દીધી છે, પરંતુ વર્લ્ડ કપ પહેલા ટોપ ફોર્મ મેળવવું તેના માટે પડકાર છે. વર્લ્ડ કપમાં બોલિંગ વિભાગની મોટાભાગની જવાબદારી બુમરાહ પર રહેશે. આવી સ્થિતિમાં ચાહકોની નજર આયર્લેન્ડ સામેની શ્રેણીમાં જસપ્રીત પર કેપ્ટન અને બોલર તરીકે રહેશે. બુમરાહની ગેરહાજરી વચ્ચે પસંદગીકારોએ વધુ એક અજીબોગરીબ નિર્ણય લીધો, જેમાં અન્ય ઝડપી બોલર શમીને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટની સાથે વનડે અને ટી૨૦ શ્રેણીમાંથી પણ બહાર રાખ્યો. શમી આયર્લૅન્ડ સામેની ટી૨૦ શ્રેણીની ટીમમાંથી પણ ગાયબ છે, તેથી તેની પાસે વર્લ્ડ કપ પહેલા ‘મેચ પ્રેક્ટિસ‘ માટે એશિયા કપ (જો પસંદ કરવામાં આવે તો) જ હશે. ક્રિકેટ સીઝન ૨૦૨૨-૨૩માં ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. બેટ્સમેનોની વાત કરીએ તો શ્રેયસ અય્યર અને કેએલ રાહુલને ઈજાના કારણે સર્જરી કરાવવી પડી હતી. આ કારણે મિડલ ઓર્ડરમાં મોટો વેક્યુમ‘ આવી ગયો. આ બંને બેટ્સમેનોએ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે, પરંતુ મેચમાં તેમની ફિટનેસ ચકાસવી પડશે. આ બંનેમાંથી કોઈ એક વર્લ્ડ કપમાં નંબર-૪ના મહત્વના સ્થાન પર ઉતરશે. આવી સ્થિતિમાં ટીમ માટે બેટિંગમાં પોતાની જૂની લય મેળવવી મહત્વપૂર્ણ રહેશે. આ બંને સંપૂર્ણ ફિટ ન હોવાની સ્થિતિમાં ટીમ મેનેજમેન્ટે સૂર્યકુમાર યાદવ અથવા તિલક વર્મા પર નિર્ભર રહેવું પડી શકે છે.

તિલકે તાજેતરમાં ઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં તેના કુદરતી સ્ટ્રોકસ્પ્લે અને અભિગમથી પ્રભાવિત કર્યા છે. ડાબોડી બેટ્સમેન હોવાના કારણે તે વર્લ્ડકપની ટીમમાં પણ ‘એસેટ’ સાબિત થઈ શકે છે. ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા ટીમને સંતુલન આપે છે. બેટિંગ ઉપરાંત તે બોલિંગથી પણ મેચનો પલટો ફેરવવામાં સક્ષમ છે. જોકે, હાર્દિકનું તાજેતરનું બેટિંગ ફોર્મ ટીમ મેનેજમેન્ટ માટે ચિંતાનો વિષય છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની ODI અને T20 શ્રેણીમાં તે ધીમી વિકેટ પર રન માટે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. ત્રીજી વનડેમાં અણનમ ૭૦ રનની ઇનિંગ્સ છોડીને તે અન્ય કોઇ મેચમાં ૩૦ રનનો આંકડો પાર કરી શક્યો ન હતો. એક બોલર તરીકે, તેણે બીજી ODIમાં જ ૫ થી વધુ ઓવર (૬.૪) ફેંકી. નિયમિત બોલર મોંઘો સાબિત થાય તેવા સંજોગોમાં હાર્દિક તેની ઓવરોનો ક્વોટા પૂરો કરી શકશે કે કેમ તે અંગે શંકા રહે છે. ભારતમાં વિકેટો સામાન્ય રીતે સ્પિનરો માટે ફાયદાકારક હોવાથી, ટીમ મેનેજમેન્ટને દ્વિધાનો સામનો કરવો પડી શકે છે કે, શું ૩ શુદ્ધ ઝડપી બોલરો (બુમરાહ, શમી અને સિરાજ) સાથે જવું કે, ત્રણ સ્પિનરો (કુલદીપ, રવીન્દ્ર જાડેજા) અને સંભવતઃ અક્ષર પટેલ સાથે. પંડ્યા છઠ્ઠા બોલરની ભૂમિકામાં હશે. જોકે, ત્રણ ઝડપી બોલરોમાંથી કોઈપણને અવગણવું મુશ્કેલ હશે. આવી સ્થિતિમાં પ્લેઈંગ ઈલેવનમાં માત્ર બે સ્પિનરોને જ સ્થાન આપવું પડી શકે છે. વર્તમાન ભારતીય ટીમ પાસે સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, સુરેશ રૈના કે, કેદાર જાધવ જેવા ખેલાડી પણ નથી જે જરૂર પડ્યે પાર્ટ ટાઈમ સ્પિનરની ભૂમિકા ભજવી શકે.

૧૮. ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ અગાઉ બાંગ્લાદેશ પ્રવાસમાં ત્રણ વન-ડે રમશે

ન્યૂઝીલેન્ડની ટીમ ૧૦ વર્ષમાં સૌપ્રથમ વખત બાંગ્લાદેશનો પ્રવાસ ખેડશે. સપ્ટેમ્બર અને નવેમ્બર એમ બે તબક્કામાં કિવી ટીમ બાંગ્લાદેશમાં અનુક્રમે ત્રણ વન-ડે તેમજ બે ટેસ્ટ મેચની શ્રેણી રમશે. બાંગ્લાદેશ સામેની ત્રણ વન-ડે મેચની સિરીઝ ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ બંને ટીમને વર્લ્ડ કપ પૂર્વે તૈયારી માટે મદદરૂપ બનશે. ૫ ઓક્ટોબરથી વન-ડે વર્લ્ડ કપનો પ્રારંભ થશે. ગત વર્ષની રનર અપ રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ ચેમ્પિયન બનેલી ઈંગ્લેન્ડ સામે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં મુકાબલાથી તેનો વર્લ્ડ કપ અભિયાનનો આગાઝ કરશે. જ્યારે બાંગ્લાદેશ ૭ ઓક્ટોબરના રોજ ધરમશાલા ખાતે અફઘાનિસ્તાન સામે વર્લ્ડ કપની પ્રથમ મેચ રમશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે ગુરુવારે જાહેર કરેલા કાર્યક્રમ મુજબ કિવી ટીમના ૨૧ સપ્ટેમ્બરથી શરૂ થનાર બાંગ્લાદેશ પ્રવાસમાં ત્રણ વન-ડે મેચ શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ મિરપુરમાં રમાશે. જ્યારે વર્લ્ડ કપ ઓક્ટોબરમાં હોવાથી નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ બે ટેસ્ટ મેચ રમશે. આ માટેના સ્થળની હવે પછી જાહેરાત કરવામાં આવશે. આ ટેસ્ટ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાઈકલનો હિસ્સો રહેશે. ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લે ૨૦૧૩માં બાંગ્લાદેશના પ્રવાસે આવી હતી. બંને દેશો વચ્ચે બે ટેસ્ટની શ્રેણી ડ્રો રહી હતી.

૧૯. ભારત-આયર્લેન્ડની બે ટી૨૦ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ

આવતીકાલે માલાહાઈડ ખાતે ભારત અને આયર્લેન્ડ વચ્ચે પ્રથમ ટી૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચનો પ્રારંભ થશે. ભારતી ક્રિકેટર્સની વૈશ્વિક લોકપ્રિયતાને પગલે આયર્લેન્ડ બોર્ડને તડાકો પડી ગયો છે. ભારત અને આયર્લેન્ડની પ્રથમ બે ટી૨૦ મેચની તમામ ટિકિટો ચપોચપ વેચાઈ ગઈ છે. આયર્લેન્ડ બોર્ડે ગુરુવારે જણાવ્યું હતું કે, ભારત અને યજમાન દેશ વચ્ચેની બે ટી૨૦ મેચની તમામ ટિકિટોનું વેચાણ થઈ ગયું છે. આ ઉપરાંત ત્રીજી ટી૨૦ મેચની ટિકિટો પણ ઝડપથી બુક થઈ રહી છે અને તે પણ સંપૂર્ણ વેચાઈ જવાની અપેક્ષા છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચે તમામ ત્રણ ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચો ધ વિલેજ માલાહાઈડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ સ્ટેડિમની સત્તાવાર ક્ષમતા ૧૧,૫૦૦ વ્યક્તિઓની છે. અગાઉ ભારત આયર્લેન્ડ સામેના તમામ પાંચ ટી૨૦ મુકાબલા જીતી ચૂક્યું છે. ૨૦૦૯ના ઈંગ્લેન્ડમાં રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં એમ એસ ધોનીની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાએ ગ્રુપ મુકાબલામાં પણ આયર્લેન્ડને આઠ વિકેટથી હરાવ્યું હતું. આ ઉપરાંત ૨૦૧૮ અને ૨૦૨૨માં આયર્લેન્ડે ભારતીય ટીમ સામે ઘરઆંગણે બે વખત બે-બે ટી૨૦ મેચની શ્રેણી રમી હતી અને તેમાં પણ ભારતનો વિજય થયો હતો. આયર્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન લોરકાન ટકરે જણાવ્યું કે, માલાહાઈડમાં રમવાનો એક અલગ અહેસાસ હોય છે. અમે ભારત જેવી ટોચની ટીમ સામે રમીને મોટી છાપ છોડવા પ્રયાસ કરીશું. ભારતીય ટીમના વધુ સમર્થકો હશે પરંતુ આટલા મોટાપાયે પ્રેક્ષકોની હાજરી આયર્લેન્ડમાં ક્રિકેટ માટે રોમાંચક સાબિત થશે. અમને ભારત સામે અગાઉ વિશ્વ કપ અને ઘરઆંગણે શ્રેણીમાં રમવાનો અનુભવ છે. આયર્લેન્ડની ટીમ સંપૂર્ણ સજ્જ છે તેમ ટકરે વધુમાં જણાવ્યું હતું.


Share :

Leave a Comments