- નર્મદા પ્રોજેક્ટમાં વડોદરા બ્રાન્ચ કેનાલ માટે વાઘોડિયા તાલુકાના મોરલીપુરા, કુમેથા અને નિમેટા ગામની જમીનો સંપાદન કરાઇ હતી
નર્મદા પ્રોજેક્ટમાં વડોદરા બ્રાન્ચ કેનાલમાં જમીન ગુમાવનાર જમીન માલીકોના વળતરમાં ઘટાડો કરવાના ગુજરાત હાઇકોર્ટના આદેશને બાજુ પર મુકીને સુપ્રિમ કોર્ટના બે જજની બેચે જમીન માલીકોને વધુ વળતર ચૂકવવા માટે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે.
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના મોરલીપુરા, કુમેથા અને નિમેટા ગામની જમીનો નર્મદા પ્રોજેક્ટમાં વડોદરા બ્રાન્ચ કેનાલ માટે સંપાદન કરવામાં આવી હતી અને સંપાદન અધિકારીએ જમીનોની બજાર કિંમત રૂપિયા ૧.૯૦ પ્રતિ ચોરસ મીટરના હિસાબે ગણી હતી. પરંતુ જમીન માલીકોને આ રકમ મંજૂર ન હતી અને આ મામલે તેઓ ગુજરાત હાઇકોર્ટમાં ગયા હતા અને જમીનની બજાર કિંમત રૂપિયા ૪૦ લેખે વળતર ચુકવવા માટે માગ કરી હતી. પરંતુ હાઇકોર્ટે જમીન માલીકોની માગ નામંજૂર કરી દીધી હતી.
આ કેસ સંદર્ભે સુપ્રિમ કોર્ટના જસ્ટીસ બેલા એમ.ત્રિવેદી અને દિપાંકર દત્તાની બેચે ગુજરાત સરકારને આદેશ આપ્યો છે કે, ભારત જેવા લોકશાહી દેશમાં કે જ્યાં તમામ નાગરિકોને સમાન સામાજિક અને આર્થિક ન્યાય મળવો જોઇએ ત્યાં અસરગ્રસ્ત જમીન માલિકોને પણ યોગ્ય ન્યાય મળે તે જરૂરી છે અને અપીલકર્તા જમીન માલિકો જે પણ રકમ માટે હકદાર છે તે રકમ તા.૧૦મી મે ૨૦૦૭થી અત્યાર સુધી ૫ ટકા વ્યાજ સાથે ૯૦ દિવસમાં ચૂકવી દેવામાં આવે.