- અંધારી કોટડીમાં બંને લાશ અને સ્થળ સ્થિતીની તપાસ માટે પોલીસને ટોર્ચ અને મોબાઇલ ટોર્ચની મદદ લેવાની ફરજ પડી હતી
- અસહ્ય દુર્ગંધ વચ્ચે પોલીસ જવાનોએ મોંઢા ઉપર રૂમાલ બાંધી બંનેના મૃતદેહો બહાર કાઢી પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યાં
પાદરાના સોખડા રોડ પર આવેલ બજરંગનગર સોસાયટીના એક મકાનમાં 10 વર્ષથી રહેતા વૃધ્ધ દંપતિનું રહસ્યમય મોત નીપજતાં સનસનાટી મચી ગઇ હતી. પાદરા પોલીસે મૃતદેહોનો કબ્જે લઇ મોતનું કારણ જાણવા પેનલ પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાથ ધરી છે. વૃધ્ધ દંપતિનું બીમારીના કારણે મોત નીપજ્યું હોવાનું અનુમાન છે. વૃધ્ધ દંપતિના મૃતદેહો પાસે કીડા ફરી રહ્યા હતા. માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ શરૂ થતાં સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી.
મળેલી માહિતી પ્રમાણે પાદરાના સોખડા રોડ પર આવેલ બજરંગનગરમાં 75-80 વર્ષના વૃધ્ધ દંપતિ ભુપેન્દ્રભાઈ શાહ તથા મધુબેન શાહ રહેતા હતા. ભુપેન્દ્રભાઇ શાહ મોટર રીવાઇન્ડીંગનું કામ કરતા હતા અને પોતાનું જીવન પત્ની સાથે ગુજારતા હતા. હ્લદયરોગની બીમારી ધરાવતા ભુપેન્દ્રભાઇ શાહ અને તેમની જીવેલણ બિમારીથી પીડિત પત્ની છેલ્લા કેટલાંક સમયથી ઘરમાં જ હતા અને સ્થાનિક લોકો સાથે સંપર્કમાં પણ નહોતા.
વીતેલા 48 કલાક દરમિયાન વૃધ્ધ શાહ દંપતિનું રહસ્યમય મોત નીપજ્યું હતું. આ દંપતિના ઘરમાંથી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતા સ્થાનિક લોકો દ્વારા પાદરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પાદરા પોલીસને જાણ થતાં પી.આઇ. એલ.બી તડવી સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. મોંઢા ઉપર રૂમાલ બાંધીને ઘરમાં પ્રવેશેલી પોલીસને પલંગમાંથી ભુપેન્દ્રભાઇ શાહનો મૃતદેહ અને પલંગની બાજુમાં જમીન ઉપરથી મધુબહેન શાહનો મૃતદેહ મળી આવ્યો હતો.
અંધારી કોટડીમાં બંને લાશ અને સ્થળ સ્થિતીની તપાસ માટે પોલીસને ટોર્ચ અને મોબાઇલ ટોર્ચની મદદ લેવાની ફરજ પડી હતી. પોલીસ તપાસમાં વૃધ્ધા મધુબહેન શાહની લાશ પાસે તેમજ પલંગ નીચે જીવજંતુઓ ફરી રહ્યા હોવાનું જણાઇ આવ્યું હતું. અસહ્ય દુર્ગંધ વચ્ચે પોલીસ જવાનોએ મોંઢા ઉપર રૂમાલ બાંધી બંનેના મૃતદેહો ઘરમાંથી બહાર કાઢ્યા હતા અને સીધા પાદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
પાદરા પી.આઇ. એલ.બી. તડવીએ જણાવ્યું હતું કે, આ વૃધ્ધ દંપતિનું મોત બીમારીથી થયું હોવાનું લાગી રહ્યું છે. મોતનું ચોક્કસ કારણ જાણવા પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવશે. આ બનાવની જાણ વૃધ્ધ દંપતિના જંબુસર ખાતે રહેતા પુત્રને કરવામાં આવતા તેઓ આવી પહોંચ્યા હતા અને તેને તેના માતા-પિતાના મોત અંગે પૂછતા તેણે કોઈ શંકા વ્યક્ત કરી નથી. દંપતિના પલંગ પાસેથી બંનેની મેડિકલની ફાઇલ મળી આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોની પૂછપરછ કરતા એવી માહિતી મળી હતી કે, આ દંપતિને ત્રણ દિવસ પહેલાં જોયું હતું. મધુબહેનની હાલત ખરાબ હતી. ભુપેન્દ્રભાઇની પણ તબિયત સારી ન હતી. આસપાસના લોકો તેઓને જમવાનું આપતા હતા. દંપતિના ઘરમાંથી દુર્ગંધ મારતા પોલીસને જાણ કરી હોવાનું જણાવ્યું હતું. ભુપેન્દ્રભાઇ પણ હ્રદય રોગના દર્દી હતા. દંપતિ માંડ-માંડ દિવસો પસાર કરી રહ્યું હતું.
સ્થાનિક લીલાબેન રાવળે જણાવ્યું હતું કે, શાહ દંપતિ છેલ્લા દસ વર્ષથી રહેતું હતું. ત્રણ-ચાર દિવસ પહેલાં તેઓને જોયા હતા. દરમિયાન તેમના ઘરમાંથી માથું ફાડી નાંખે તેવી દુર્ગંધ આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તુરંત જ આવી પહોંચી હતી અને બંનેના મૃતદેહનો કબ્જો લઇ કાર્યવાહી હાથ ધરી છે.
પાદરાના બજરંગનગરમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા વૃધ્ધ શાહ દંપતિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. વૃધ્ધ દંપતિનું કયા કારણોસર મોત નીપજ્યું છે. તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ બનાવ અંગે પાદરા પોલીસે અકસ્માતે મોતના કાગળો તૈયાર કરી તપાસ હાથ ધરી છે. પોષ્ટમોર્ટમ રિપોર્ટ બાદ અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.