- રીપેરીંગ માટે 78 લાખના ખર્ચનો અંદાજ તૈયાર કર્યો
વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકનો સરદાર બાગ સ્વિમિંગપુલ છેલ્લા ચાર વર્ષથી બંધ હાલતમાં છે. વડીવાડી સ્થિત સરદાર બાગ સ્વીમિંગ પુલ કોરોનાકાળ દરમિયાન બે વર્ષ બંધ હતો, ત્યારે કોર્પોરેશનના તંત્રે જરૂરી મેન્ટેનન્સ કરી લીધું હોત તો આજે ભરઉનાળે સ્વીમિંગપુલના આજીવન સભ્યો તેમજ બીજા લોકો પણ તેનો લાભ લઈ શક્યા હોત.
વડોદરા કોર્પોરેશને કોરોના સમયની સમાપ્તિ પછી પણ એક વર્ષ દરમિયાન રીપેરીંગ માટે કોઈ કાર્યવાહી ન કરી. કોંગ્રેસ કહે છે કે તંત્રને સુવિધા ઊભી કરવામાં રસ છે ત્યાર બાદ તેની જાળવણી અને નિભાવણી અંગે ધ્યાન નહીં આપતા આ પરિસ્થિતિ સર્જાઈ છે. સ્વિમિંગપૂલના હોજમાં નીચેથી પાણી આવે છે, માટે નવી ટાઇલ્સ ફીટ કરતા અગાઉ આરસીસી કરવું પડશે. આ ઉપરાંત ફિલ્ટરેશન, ફિલ્ટર પ્લાન્ટ માટે શેડ બનાવવાનો, ટોયલેટ બ્લોક વગેરે પ્રકારની કામગીરી માટે આશરે રૂપિયા 78 લાખના ખર્ચનો અંદાજ તૈયાર કરવામાં આવ્યો છે અને તેના આધારે હવે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે રીતે સિવિલ વર્કનો ખર્ચનો અંદાજ તૈયાર કર્યો છે, તે જોતાં કામ ઓછામાં ઓછું નવ મહિના ચાલે તેટલું છે. આ સીઝન તો ઠીક છે, આવતી સિઝનમાં પણ સ્વિમિંગ પૂલ બંધ હોય તો નવાઈ નહીં.
સ્ટેન્ડિંગ સમિતિના અધ્યક્ષ કહે છે કે, સ્વિમિંગ પુલનો લોકોને જેમ બને તેમ જલ્દી લાભ તે માટે કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે સામાજિક કાર્યકર બળાપો વ્યક્ત કરતા કહે છે કે, એવી તે આ સ્વિમિંગ પુલની કઈ સમસ્યા છે કે ચાર વર્ષ સુધી બંધ રાખવો પડે.