વડોદરા શહેર-જિલ્લામાં 179 કેન્દ્રો પર 75 હજારથી વધુ ઉમેદવારો આવતીકાલે તલાટીની પરીક્ષા આપશે

પરીક્ષા દરમિયાન કેન્દ્રની 100 મીટરના અંતરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં

MailVadodara.com - More-than-75-thousand-candidates-will-appear-for-Talati-exam-tomorrow-at-179-centers-in-Vadodara-city-district

- વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા 120 જેટલી વધારાની બસો દોડાવાશે, એડવાન્સ બુકિગનું પણ આયોજન, સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં ચાર વધારાના કોચ ઉમેરાશે

- વીજ પૂરવઠો ના ખોરવાય તે માટે પરીક્ષાના સમય દરમિયાન ખોદકામ પર પ્રતિબંધ


ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 7મી મેને રવિવારના રોજ લેવાનારી પરીક્ષા (તલાટી કમ મંત્રી) દરમિયાન ટ્રેનોમાં થતાં ધસારાને ધ્યાનમાં રાખીને મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેના વડોદરા વિભાગ દ્વારા 5થી 7 મે 2023ના રોજ વડોદરા-અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં 4 વધારાના કોચ ઉમેરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા 120 જેટલી એક્સ્ટ્રા બસોના સંચાલનનું આયોજન કરાયું છે. જેમાં પરીક્ષા બાદ પરત આવવાની પણ બસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. 


મળતી વિગતો પ્રમાણે, વડોદરા શહેર જિલ્લામાં 179 પરીક્ષા કેન્દ્રોમાં 75,210 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. ઉમેદવારોની સંખ્યા વધારે હોવાથી તંત્ર દ્વારા સ્કૂલો ઉપરાંત એમ. એસ. યુનિવર્સિટી તેમજ વડોદરાની અન્ય ખાનગી યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પણ બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ઉમેદવારોને પોતાનું પરીક્ષા કેન્દ્ર શોધવામાં સરળતા રહે અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી વડોદરા જિલ્લામાં જિલ્લા પંચાયત ખાતે એક હેલ્પલાઈન નંબર 0265-2438110 શરૂ કરવામાં આવ્યો છે. 

વડોદરા શહેર-જિલ્લામાં યોજાનાર તલાટી કમ મંત્રીની પરીક્ષા સંદર્ભે એસ.ટી નિગમ દ્વારા પરીક્ષાર્થીઓની સુવિધા માટે વધારાની 120 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા એસ.ટી. વિભાગ દ્વારા તા. 6 અને તા. 7 મે ના રોજ પરીક્ષાર્થીઓને જરૂરિયાત મુજબ સુવિધા મળી રહે તે માટે એકસ્ટ્રા બસોના સંચાલનનું આયોજન વડોદરા મધ્યસ્થ બસ સ્ટેશનથી કરવામાં આવ્યું છે. પરીક્ષાર્થીઓના ધસારાને ધ્યાને લઈ શક્યત એડવાન્સમાં ઓનલાઇન એકસ્ટ્રા બુકિંગનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેથી પરીક્ષાર્થીઓને એડવાન્સ બુકિંગ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. એડવાન્સ બુકિંગ માટે જી.એસ.આર.ટી.સી.ની સત્તાવાર વેબસાઈટ તથા મોબાઇલ એપ્લિકેશન ઉપરાંત તમામ બસ સ્ટેશનો ખાતેથી પણ કરી શકાશે. પરીક્ષાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે તે હેતુથી વડોદરા વિભાગના તમામ ડેપો ખાતે 24x7 કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે, જેથી ઉમેદવારો સંબંધિત ડેપોનો સંપર્ક કરી શકે છે.

વડોદરા-અમદાવાદની ટ્રેનમાં ચાર વધારાના કોચ જોડાયા


ટ્રેનોમાં થનારા સંભવિત ધસારાને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા તા. 5 થી 7 ના રોજ ટ્રેન નંબર 09495-09496 વડોદરા-અમદાવાદ-વડોદરા સંકલ્પ ફાસ્ટ પેસેન્જર ચાર જનરલ સેકન્ડ ક્લાસ કોચ વધારવામાં આવશે. આ ટ્રેન વડોદરા સ્ટેશનથી સવારે 06:30 કલાકે ઉપડશે અને અમદાવાદ સ્ટેશને સવારે 08:55 કલાકે પહોંચશે. પરતમાં આ ટ્રેન અમદાવાદથી 15:45 કલાકે ઉપડશે અને 18:00 કલાકે વડોદરા પહોંચશે. રૂટમાં આ ટ્રેન બંને દિશામાં વાસદ, આણંદ, નડિયાદ, મહેમદાવાદ ખેડા રોડ, બારેજડી, મણિનગર સ્ટેશનો પર ઉભી રહેશે. ટ્રેનના પરિચાલન સમય, સ્ટોપેજ અને સંરચના વિશે વિગતવાર માહિતી માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જાણકારી મળી રહેશે.

વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે. જે અનુસાર પરીક્ષા કેન્દ્રોના પરીક્ષા ખંડની અંદર તા. 7 મે, રવિવારે સવારે 9 થી બપોરના 3 વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, વાયરલેસ સાહિત્ય વગેરે નહીં લઈ જઈ શકે.  પરીક્ષા કેન્દ્રની બહાર આજુબાજુમાં 100 મીટરના અંતરમાં પરીક્ષા દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં. તથા પરીક્ષા કેન્દ્રની બહાર 100 મીટરના અંતરમાં ઝેરોક્ષ મશીન ચાલુ રાખી શકશે નહીં કે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. આ ઉપરાંત વીજ પુરવઠો ખોરવાઈ નહીં તે માટે આ સમય દરમિયાન ખોદકામ કરવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Share :

Leave a Comments