- મચ્છરોના બ્રિડિંગ મળતા ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 207 જેટલી સ્કૂલ-હોસ્ટેલો અને 422 જેટલી કન્સ્ટ્રક્શન સાઇટોને નોટિસ અપાઇ
વડોદરા શહેરમાં હાલમાં વરસાદી વિરામ બાદ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે. ચોમાસાની સિઝન હવે અંતિમ તબક્કામાં છે, ત્યારે હાલમાં મચ્છરોનું બ્રિડિંગ પણ વધતું જોવા મળી રહ્યું છે. જેના કારણે ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મેલેરિયાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 2 મહિનામાં ડેન્ગ્યુના 300થી વધુ કેસ, ચિકનગુનિયાના 50થી વધુ કેસ અને મેલેરિયાના 60થી વધુ કેસ સામે આવ્યા છે.
વડોદરા મહાનગરપાલિકામાં નોંધાયેલા આંકડા મુજબ સપ્ટેમ્બરમાં ડેન્ગ્યુના 135 અને ચિકનગુનિયાના 26 કેસ નોંધાયા છે. વડોદરામાં ગત રોજ ડેન્ગ્યુના 10 કેસ નોંધાયા છે, જ્યારે ચિકનગુનિયાનો 1 કેસ નોંધાયો છે. આ કેસો નવા યાર્ડ, તરસાલી, મકરપુરા, દિવાળીપુરા, ઊંડેરા, સુભાનપુરા વગેરે વિસ્તારમાં નોંધાયા છે. 2 જાન્યુઆરી 2023થી આજદિન સુધીમાં કોર્પોરેશમાં ડેન્ગ્યુના 474 કેસ સામે આવ્યા છે, જ્યારે ચિકનગુનિયાના 113 કેસ, મલેરિયાના 85 કેસ સામે આવ્યા છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત હાલ કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં કુલ 264 ટીમ દ્વારા કુલ 445 વિસ્તારોની મુલાકાત લઈને ઘરો તપાસીને મકાનોમાં ફોગિંગ કરવામાં આવ્યું છે. ગઈકાલે 472 ઘરમાં મચ્છરોના ઉત્પત્તિ સ્થાન મળ્યા હતા. આ ઉપરાંત સ્કૂલ-હોસ્ટેલમાં તપાસ કરવામાં આવી આવી રહી છે. મચ્છરોના બ્રિડિંગ મળતા ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 207 જેટલી સ્કૂલ-હોસ્ટેલોને નોટિસ પાઠવેલ છે. આ ઉપરાંત અત્યાર સુધીમાં 422 કન્સ્ટ્રક્શન સાઇટને નોટિસ આપી છે.
આ અંગે વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન ડો. રાજેશ શાહે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દર વર્ષે ચોમાસુ પૂરું થાય ત્યારે મચ્છરનું બ્રિડિંગ શરૂ થતું હોય છે. આ દરમિયાન વાતાવરણ સામાન્ય ભેજવાળું હોવાથી વાયરસ જન્ય, બેક્ટેરિયા જન્ય અને મચ્છરજન્ય રોગચાળામાં ખૂબ પ્રમાણમાં વધારો જોવા મળતો હોય છે. જેમાં ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, ચિકનગુનિયા જેવા રોગોનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને આ દરમિયાન ખોરાકમાં પણ ખૂબ કાળજી રાખવી જોઈએ.
વધુમાં ઉમેર્યું કે, અર્બન હેલ્થ સેન્ટરમાં કર્મચારીઓ કામગીરી કરતા હોય છે. એક કન્સ્ટ્રકશન સાઇટ બનતી હોય તો તે અંદાજીત 10 માળની બનતી હોય છે. જ્યાં કર્મચારીઓ માટે ઉપર ચેક કરવા જવાનું કામ ખૂબજ અઘરૂં છે. તો મારી તમામ કન્સ્ટ્રકશન સાઈટના ઓનારને નમ્ર વિનંતી છે કે તમારી કન્સ્ટ્રક્શન સાઇટ પર ક્યાંય મસકિટો બ્રિડિંગ ન થાય અને આસપાસના રહેતા લોકો અને વિસ્તારમાં સંક્રમિત કરે છે. જો બાબતનું ધ્યાન રાખવામાં આવે તો 50 ટકાથી વધુ પ્રોબ્લેમન આપણે સોલ કરી શકીશું ને ચોખ્ખાઈ અને સ્વચ્છતા રાખીએ અને પ્રાધાન્ય આપીએ.