- વડોદરાના શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓના ઘરે જઇ અથવા જ્યાં ભણતા હશે તે શાળાએ જઈ કળશમાં માટી એકત્રિત કરાશે
- વડોદરા જિલ્લાના 586 ગામોમાં વીર વંદના કાર્યક્રમનું આયોજન કરાશે
દેશભરમાં સ્વતંત્રતા દિવસથી શહીદોના સન્માનમાં વિશેષ અભિયાન મેરી માટી મેરા દેશ શરૂ કરાશે. આ અભિયાન હેઠળ દેશના ગામે ગામથી 7500 કળશમાં માટી લઈને `અમૃત કળશ યાત્રા' યોજાશે અને આ કળશ મારફત શહીદોના ગામની માટી દિલ્હી લવાશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ આ અભિયાન સંદર્ભે તારીખ 9 થી 12 સુધીમાં કાર્યક્રમ યોજવાના છે. વડોદરામાં સાત શહીદ થઈ ચૂક્યા છે, એ ઉપરાંત 20થી વધુ સ્વાતંત્ર સેનાનીઓ હતા. પૂર્વ સૈનિક સેવા પરિષદના સભ્યો તેમજ કોર્પોરેશનની ટીમ દ્વારા શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓના ઘરે જઈને અને ઘર જો શક્ય ન હોય તો તેઓ જ્યાં ભણતા હતા તે શાળાએ જઈને કળશમાં માટી એકત્રિત કરવામાં આવશે. તારીખ 12 ના રોજ કમલાનગર તળાવ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવશે. તકતીઓનું અનાવરણ કરાશે.
વડોદરામાં આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ વિસ્તારોમાં 7500 વૃક્ષો વાવવાના છે. કમલા નગર તળાવ ખાતે જે સમારોહ સવારે યોજાશે, તેમાં શાળાના બાળકો ઉપસ્થિત રહેશે અને રાષ્ટ્રભક્તોની વેશભૂષામાં જોવા મળશે. વડોદરામાં જે હેરિટેજ સાઇટ છે, તેના પ્લે કાર્ડ હાથમાં ધારણ કરીને હેરિટેજના જતન માટેનો સંદેશો આપશે. અહીં ધ્વજ પણ ફરકાવવામાં આવશે, એ પછી દિન દયાળ ઉપાધ્યાય ટાઉનહોલ ખાતે 10થી 12 સુધી શહીદ અને સ્વાતંત્ર સેનાનીઓના પરિવારોનું સન્માન કરાશે. આ સાથે રાષ્ટ્રભક્તિના ગીતો સાથેનો સંગીત કાર્યક્રમ યોજવામાં આવશે.
શહેર અને જિલ્લામાં યોજનારૂ આ અભિયાન નાણાકીય સર્વ સમાવેશનનું માધ્યમ પણ બની રહેવાનું છે. આ દિવસો દરમિયાન ગ્રામ્ય કક્ષાએ યોજનારા કાર્યક્રમો સાથે અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અને જીવન સુરક્ષા યોજનાઓમાં લાભાર્થીઓને આવરી લેવાના કેમ્પ ગામેગામ યોજવાના છે. વડોદરા જિલ્લાના તમામ 586 ગામોમાં વીર વંદના કાર્યક્રમ યોજવામાં આવનારા છે. આ સાથે આ ગામોમાં વસુધા વાટિકાઓનું પણ નિર્માણ થવાનું છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ઇ-શ્રમ કાર્ડના કેમ્પ પણ પોસ્ટલ વિભાગ દ્વારા યોજવામાં આવે તેવું આયોજન કરવામાં આવ્યું છે.