- અધિકારીઓ એકબીજા વિભાગ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા હોવાનું સામે આવ્યું
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પેન્શનર્સ અને કર્મચારીઓના મેડિકલ બિલોના ચુકવણામાં વારંવાર વિલંબનો સામનો અરજદારોને કરવાનો વખત આવ્યો છે. અને આ અંગે અધિકારીઓ એકબીજા વિભાગ ઉપર દોષનો ટોપલો ઢોળી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
વડોદરા કોર્પોરેશનમાં કર્મચારીઓ અને પેન્શનર્સના મેડિકલ બિલોના ચુકવણામાં વિલંબ થવાની ઘટના વારંવાર ઘટે છે. આ અંગે કર્મચારીઓએ અધિકારીઓ તથા પદાધિકારીઓને અવારનવાર રજૂઆત પણ કરી છે. પરંતુ છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી કર્મચારીઓ અને પેન્શનર્સના બીલના નાણાં મળ્યા નથી. કોર્પોરેશનના ચીફ એકાઉન્ટન્ટસ સંતોષ તિવારીએ સબ સલામત હોવાનું જણાવી કહ્યું હતું કે, ફાઈલ ઓડિટમાંથી આવ્યા બાદ અમારૂં ડિપાર્ટમેન્ટ માત્ર બે થી ત્રણ દિવસમાં પ્રક્રિયા પૂર્ણ કરે છે.
આ અંગે ફુડ સેફટી અને હેલ્થ ઓફિસર મુકેશ વૈદ્યએ કહ્યું હતું કે, પેન્શર્સ વિભાગ, ઓડિટ વિભાગ, આરોગ્ય વિભાગ અને એકાઉન્ટન્ટ વિભાગ સાથે જ સંકલન બાદ બિલને મંજૂરી મળે છે. અરજદાર ઘણી વખત ક્વેરી સોલ્વ કરવામાં વિલંબ દાખવે છે. તેના કારણે પણ બિલોના ચુકવણામાં વિલંબ થાય છે. અમારા ડિપાર્ટમેન્ટમાંથી સમય અનુસાર પ્રક્રિયા પૂર્ણ થાય છે. હા, ફાર્માસિસ્ટની અછતના લીધે મુશ્કેલી ઉદ્ભવે છે.
આ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, મેડિકલ બિલો અંગેની ફરિયાદો મળી છે. હેલ્થ સેન્ટરો ખાતે મેડિકલ બિલ સ્વીકારવાના સ્થાને હેડ કવોટર્સથી સરળતા અને યોગ્યતાના આધારે પ્રક્રિયા પૂર્ણ થઈ રહી છે. તેના કારણે વિલંબનો પ્રશ્ન નથી. જોકે મેડિકલ બીલોમાં વિલંબ ન થાય અને કાયમી ધોરણે તેનું નિરાકરણ આવે તેવો પ્રયાસ કરીશું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખાસ કરીને, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન બજેટ નથી, તેવા બહાના સાથે અરજદારોને ધક્કા ખવડાવે છે. તો બીજી તરફ અધિકારી પદાધિકારીઓના બીલોને સડસડાટ મંજૂરી મળતી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.