વડોદરાના મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયાનો આજે જન્મદિવસ છે. તેમના જન્મદિવસે તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને ફુટપાથ પર રહેતા નિસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડી છે. એટલું જ નહિ તેમણે ગલ્લો ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા બે દિવ્યાંગજનોને જરૂરી સામાન ભરી આપ્યો હતો. જે બાદ હવે તેઓ તેમાંથી આવક મેળવીને પોતાનું ગુજરાન ચલાવી શકશે. આ સાથે મેયર અને ધારાસભ્યએ નિસહાય વૃદ્ધો સાથે ટુંકો સંવાદ કર્યો હતો. અને તેમને પડતી મુશ્કેલીના ઉકેલ માટે તત્પરતા બતાવી હતી.
સવારે તેઓએ બાળકો અને વિધવા મહિલાઓને જરૂરી વસ્તુઓનું વિતરણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ચાલતા ભોજનસેવા યજ્ઞમાં જોડાયા હતા. મેયર અને ધારાસભ્ય દ્વારા શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને નિસહાય વૃદ્ધોને સ્વાદિષ્ટ ભોજન સેવા પૂરી પાડવામાં આવી હતી. આ તકે તેમણે વડોદરાના સ્ટેશન વિસ્તારમાં ફુટપાથ પર રહેતા નિસહાય વૃદ્ધો સાથે ટુંકો સંવાદ સાધ્યો હતો. અને તેમની સમસ્યાઓ જાણી તેના ઉકેલ માટે તત્પરતા બતાવી હતી.
આ સાથે મેયર અને ધારાસભ્ય દ્વારા બે દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા માટે અનોખું પગલું ભરવામાં આવ્યું હતું. શહેરને સ્ટેશન વિસ્તારમાં વેફર્સ, બિસ્કીટ અને પાણીની બોટલ વેચીને ગુજરાન ચલાવતા બે દિવ્યાંગજનો આજીવન યાદ રાખે તેવી મદદ કરી હતી. મેયર અને ધારાસભ્ય દ્વારા દિવ્યાંગજન અતુલભાઇ અને અર્ચનાબેનનો ગલ્લો વેફર્સ, બિસ્કીટ અને પાણીની બોટલસહિતની જરૂરી ચીજવસ્તુઓથી ભરી આપ્યો હતો. હવે ગલ્લો ભરાઇ જવાને કારણે બંને દિવ્યાંજગનોને ચિંતામાંથી મુક્તિ મળી હતી. મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયાજી દ્વારા ગલ્લો ભરી આપવાને કારણે તેમાંથી થતી આવક દ્વારા આવનાર સમયમાં દિવ્યાંગજનો તેમને માલસામાન ભરી શકશે. આમ, મેયર અને ધારાસભ્ય દ્વારા દિવ્યાંગજનોને ટેકો આપીને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે મેયર અને ધારાસભ્ય કેયુર રોકડિયાએ જણાવ્યું કે, બર્થ ડે પર સમાજના જરૂરિયામંદ વર્ગ સુધી પહોંચવાનો પ્રયાસ છે. તેમના મોઢા પર સ્મિત આવે તેવો પ્રયાસ કર્યો છે. આ સાથે તેમની તકલીફો જાણી છે અને તેના કાયમી ઉકેલની દિશામાં કામ કરવાની દિશામાં આગળ વધાશે. આ નિસહાય વૃદ્ધોને કાયમી રહેઠાણ મળે, સરકાર થકી તેમની જરૂરીયાતો પૂરી પાડવાનો પ્રયાસ કરવામાં આવશે.