- નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એક-બીજાને ઇદની મુબારક બાદી પાઠવી
ઉનાળાની ત્રાહિમામ ગરમીમાં શરૂ થયેલા મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસ દરમિયાન 29 દિવસ સુધી રોજા ઉપવાસ રાખ્યા બાદ આજે ઈદ ઉલ ફિત્રના ખુશીના પર્વે નવા વસ્ત્રોમાં સજ્જ થઈને શહેરના પ્રતાપનગર ગાજરાવાડી સ્થિત ઈદગાહ મેદાન ખાતે ઈદની વિશેષ નમાજનું આયોજન કરાયું હતું. જેમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મેદાનની બહાર પણ અનેક મુસ્લિમ બિરાદરોને નમાજ અદા કરવા એકત્ર થયા હતા.
છેલ્લા એક માસથી રમઝાન માસ કરી રહેલા મુસ્લીમ બિરાદરો દ્વારા આજે રમઝાન ઇદની ઉસ્તાહભેર ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે શહેરની તમામ મસ્જીદોમાં મુસ્લીમ બિરાદરો દ્વારા પરિવારની સુખશાંતિ અને દેશમાં શાંતિ અને સલામતી માટે દુઆ અદા કરવામાં આવી હતી. આ ઉપરાંત વાડી ઇદગાહ મેદાન ખાતે પરંપરાગત મુજબ સામુહિક નમાઝા અદા કરવામાં આવી હતી.
નમાઝ અદા કર્યા બાદ મુસ્લીમ બિરાદરો દ્વારા એક-બીજાની ઇદની મુબારક બાદી પાઠવવામાં આવી હતી. શહેરના મુસ્લીમ વિસ્તારોમાં રમઝાન ઇદને પગલે અનેરો માહોલ જોવા મળ્યો હતો. મુસ્લીમ બિરાદરો દ્વારા સામુહીક ઇદ મુબારક બાદીના પણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર ખતીબના અગ્રસ્થાને મુસ્લિમ બિરાદરોએ વિશેષ નમાજ અદા કરી હતી. આ અગાઉ શહેરની મધ્યમાં આવેલી જુમ્મા મસ્જિદ ખાતે સવારે 8 વાગ્યાના સુમારે નમાજનું આયોજન કરાયું હતું ત્યારે પણ મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત સૌ કોઈ સામૂહિક નમાજમાં જોડાયા હતા. આ પ્રસંગે ઇદગાહ મેદાન સહિત શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં આવેલી મસ્જિદોમાં પણ ઈદની નમાજનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું.