- આરોપીએ 15 લાખ રૂપિયાની સામે 27 લાખ આપવાની લાલચ આપી હતી
વડોદરામાં ટ્રેડિંગ કરીને રૂપિયા ડબલ કરવાની લાલચ આપી ભેજાબાજે ગુગલ ડોટ કોમ કંપનીના પૂર્વ HR મેનેજર પાસેથી 15 લાખ રૂપિયા પડાવ્યા હતા. આરોપીએ 15 લાખ રૂપિયાની સામે 27 લાખ રૂપિયા આપવાની લાલચ આપી હતી. આ મામલે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે. પોલીસે મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરાના ગોત્રી રોડ પર રહેતા યુવકે ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, 10 ફેબ્રુઆરીના રોજ હું મારા મિત્ર સાથે અકોટા વિસ્તારમાં મળ્યો હતો. જ્યાં કૌશલભાઈ પારેખનો મિત્ર ભાવિન રજનીકાંત મકવાણા પણ આવ્યો હતો, જ્યાં ભાવીન મકવાણા સાથે મારી ઓળખાણ થઈ હતી. ભાવિન મકવાણાએ મને મોબાઈલ એપ્લિકેશનથી ઓનલાઈન ટ્રેડીંગનો વ્યવસાય કરતો હોવાનું કહ્યું હતું અને મારી ભાવીન મકવાણા સાથે ટ્રેડીંગના વ્યવસાયને લગતી ઘણી વાતચીત થઈ હતી અને ભાવિન મકવાણાએ કહ્યું હતું કે, તે હાલમાં યુએસડીટી ટ્રેડીંગનો વ્યવસાય કરે છે અને તે ટ્રેડીંગમાં નાણા રોકવામાં આવે તો જેટલા નાણા રોકાશે તેના ડબલ નાણા પરત મળશે. જેથી અમોએ ભાવીન મકવાણાને તેઓ ટ્રેડીંગ કેવી રીતે કરે છે? કયા એકાઉન્ટમાં કરે છે? અને જો મારે ટ્રેડીંગમાં પૈસા રોકવા હોય તો મારે તે પૈસા કયા એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે? તે બાબતે પૂછતા ભાવિન મકવાણાએ તેના મોબાઈલમાં ઓકે એક્ષ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને તે એપ્લિકેશનથી તે યુએસડીટીના ટ્રેડીંગનુ કામ કરે છે અને જો ટ્રેડીંગમાં પૈસા રોકવા હોય તો આ એપ્લિકેશનમાં નાણા ટ્રાન્સફર કરવા પડશે અને જેટલા નાણા ટ્રેડીંગમાં રોકીશ તેના ડબલ રોજે રોજ કોઈ પણ ઓનલાઈન UPI દ્વારા અથવા રોકડેથી તે ચુકતે કરી આપશે તેમ જણાવ્યું હતું, જેથી ભાવીન મકવાણા મારા મિત્ર કૌશલ પારેખનો મિત્ર હોવાથી અને તેણે મને મારા ટ્રેડીંગમાં રોકેલ પૈસા કોઈ જગ્યાએ ડૂબે નહી એવો વિશ્વાસ આપી ટ્રેડીંગમાં નાણા રોકવા જણાવ્યું હતું.
ત્યારબાદ મે ભાવીન મકવાણાને રોકડા 1.80 લાખ રૂપિયા ટ્રેડીંગ વ્યવસાયમાં રોકવા માટે આપ્યા હતા અને ત્યારબાદ ભાવિન મકવાણાએ મને આ રૂપિયા એક મહિનાની અંદર ડબલ થઈને 3.60 લાખ રૂપિય મળી જશે તેમ જણાવ્યું હતું અને આ પૈસા આપ્યા, ત્યારે મારો મિત્ર કૌશલ પારેખ હાજર હતો. ત્યારબાદ ભાવીન મકવાણા મને થોડા દિવસ સુધી રોજના 9 રૂપિયા ક્યારેક રોકડેથી તો ક્યારેક ઓનલાઇન ચૂકવતો હતો અને તે દરમિયાન તેણે નવી સ્કીમ આવેલ હોવાનુ જણાવી તે સ્કીમમાં રૂપિયા 15 લાખ રોકશો તો રૂપિયા 27 લાખ મળશે તેઓ ભરોસો આપ્યો હતો અને ભાવીન મકવાણાએ મને 1.80 લાખની મુડીની રકમ પુરેપુરી ચુકતે કરી દિધી હોવાથી મને તેના ઉપર વિશ્વાસ આવી ગયો હતો અને બે ટુકડે-ટુકડે 15 લાખ રૂપિયા તેને આપ્યા હતા.
ત્યારબાદ દિવસે દિવસે ભાવિને મારો ફોન રિસીવ કરવાનો બંધ કરી દીધો હતો અને વ્હોટ્સએપ પર પણ કોઈ પ્રકારનો જવાબ આપતો ન હતો, જેથી ભાવીન મકવાણા વડોદરામાં જે જગ્યાએ બેસતો તે જગ્યાએ તેની શોધખોળ કરી હતી અને તેને મારા મૂડીના 15 લાખ રૂપિયા પરત આપી દેવા જણાવતા તેણે મને ખર્ચા માટે રૂપિયા 15000 રૂપિયા ઓનલાઇન આપ્યા હતા. ત્યારબાદ અત્યાર સુધી ભાવીન મકવાણાએ મને એક પણ પૈસો પરત આપ્યો નથી, હું તેને ફોન કરૂ તો તે મને વારંવાર ફોન નહી કરવા જણાવે છે. તેણે મારા 15 લાખ રૂપિયા મારી પાસેથી લોભામણી લાલચો આપી મેળવી લીધા છે અને તે પૈસા પરત આપતો નથી અને મારા પૈસાની સિક્યુરીટી માટે મે ભાવિન મકવાણાને વાત કરતા તેણે તેના તમામ એકાઉન્ટ ફ્રીજ થયેલ હોવાનુ જણાવી મને તેની મમ્મી વિજ્યાબેન રજનીકાંત મકવાણાના બીઓબી મકરપુરા શાખાના 6 ચેક આપ્યા હતા, જે પૈકી એક ચેક મેં મારા બીઓબી ઈલોરાપાર્ક શાખામાં વટાવતા તે ચેક બાઉન્સ થયા હતા. જેથી મારા મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.