- આરોપી એક છેલ્લા છ માસથી કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતો હતો, ઝડપાયેલા આરોપીને જમ્મુ કાશ્મીર પોલીસ લઈને રવાના થઇ
દોઢ વર્ષ પહેલાં જમ્મુ કાશ્મીરના સુરણકોટ શહેરની બેન્કમાં લૂંટ કરીને ભાગેલા આરોપીની જમ્મુ કાશ્મીર પોલીસ અને મંજુસર પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડયો છે. આરોપી એક છેલ્લા છ માસથી કંપનીમાં સિક્યુરિટી તરીકે નોકરી કરતો હતો. ઝડપાયેલા આરોપીને જમ્મુ કાશ્મીર પોલીસ લઈને રવાના થઇ ગઇ હતી.
મળેલી માહિતી મુજબ સાવલી લામડાપુરા રોડ પર આવેલ ગુજરાત વિક્ટરી ફોજીંગ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ-2માંથી સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવનાર દાનિશ સગીર શાહ (રહે. સુરણકોટ, પુંછ, જમ્મુ કાશ્મીર)ના આરોપીને ઝડપી પાડયો છે. જમ્મુ કાશ્મીરમાં આવેલ સુરણકોટ શહેરમાં જમ્મુ એન્ડ કાશ્મીર બેન્કમાં દોઢ વર્ષ અગાઉ બેન્ક રોબરી કરીને ફરાર હતો અને લામડાપુરા ખાતે ટાઈગર સિક્યુરિટી ફોર્સમાં છેલ્લા છ માસથી લામડાપુરા ખાતે નોકરી કરતો હતો.
જમ્મુ કાશ્મીર પોલીસે મોબાઈલ લોકેશનના આધારે ટ્રેસ કરીને મંજુસર પોલીસ મથકનો સંપર્ક કર્યો હતો. મંજુસર પોલીસના જવાનો એમ. એમ. ગઢવી અને દિપક રાઠવાએ ટીમ બનાવીને કંપની પર વોચ ગોઠવી હતી અને કાશ્મીર પોલીસ સહિત સંયુક્ત ઓપરેશનમાં આરોપીને ઝડપી પાડયો હતો. છેલ્લા દોઢ વર્ષથી બેન્ક રોબરીનો ફરાર આરોપી વિવિધ ઠેકાણે ફરતો હતો અને છેલ્લા છ માસથી લામડાપૂરા ખાતે સિક્યુરિટી જવાનના વેશમાં છુપાયો હતો.
મંજુસર પોલીસ મથકે જરૂરી કાગળ પર કાર્યવાહી કરી જમ્મુ પોલીસ આરોપીને લઈને રવાના થઈ છે. જ્યારે ફરી એકવાર પરપ્રાંતીય યુવકો અને શખસો પોતાનો ગુનાહિત ઇતિહાસ છુપાવવા માટે સાવલીની ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરી રહ્યા છે તેવામાં આ ખૂંખાર આરોપીઓ તાલુકા મથકમાં કોઈ ગુનાખોરીને અંજામ આપે તે પહેલા યોગ્ય કાર્યવાહી કરીને આવા ઇસમોને આઇડેન્ટીફાઇ કરાય એવી માંગ ઉઠી છે.