- મૃતકના પિતાએ કારચાલક આયુશ ઉર્ફે છોટુ સુરતી સામે પોલીસ ફરિયાદ નોંધાવી
વડોદરા શહેરના માંજલપુર અવધૂત ફાટકથી વિશ્વામિત્રી તરફ જઈ રહેલી કાર પલટી ખાઈ જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થયું છે. આ મામલે મૃતકના પિતાની ફરિયાદના આધારે પોલીસે કારના ડ્રાઇવર સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, વડોદરા શહેરના રાવપુરા ટાવર ચાર રસ્તા પાસે આવેલા 301, સાંઇ દર્શન એપાર્ટમેન્ટમાં રહેતા કમલેશભાઈ બાલકૃષ્ણભાઈ જોષી (ઉ.58)એ રાવપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 8 માર્ચના રોજ સાંજે 7:30 વાગ્યે મારો પુત્ર પરમ જાેષી (ઉ.22) તેના મિત્ર આયુષ ઉર્ફે છોટુ સુરતીની અર્ટીગા કાર (GJ-06-HL-0923)માં બેસીને માંજલપુર અવધૂત ફાટકથી વિશ્વામિત્રી તરફ જઈ રહ્યો હતો. તે સમયે આયુશ ઉર્ફે છોટુએ સ્ટેઇરિંગ પરથી અચાનક કાબૂ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. જેથી પરમને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી મારા પુત્રને પ્રથમ સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. મારા દિકરા પરમની સારવાર ચાલતી હોવાથી તે સમયે મેં પોલીસ ફરિયાદ નહોતી કરી.
જોકે, સારવાર દરમિયાન મારા પુત્ર પરમનું મૃત્યું થતાં મેં કારચાલક આયુશ ઉર્ફે છોટુ સુરતી સામે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. આ મામલે રાવપુરા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.