- સાયન્સ ફેકલ્ટીમાં FYમાં પ્રવેશ માટે 2000 ફોર્મ ભરાયા
વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પહેલા વર્ષમાં પ્રવેશ માટેનું રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે પણ પહેલા બે દિવસમાં માત્ર 400 જેટલા વિદ્યાર્થીઓેએ જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ગુજરાત બોર્ડના ધો.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પરિણામ જાહેર થયા બાદ હજી સુધી કેટલાય વિદ્યાર્થીઓને માર્કશીટ મળી નથી. માર્કશીટ વગર વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે તેમ નથી અને માત્ર રજિસ્ટ્રેશન જ કરાવી શકે છે. જેના કારણે રજિસ્ટ્રેશન કરાવવામાં વિદ્યાર્થીઓએ ખાસ ઉત્સાહ બતાવ્યો નથી. માર્કશીટ આવ્યા બાદ પ્રવેશ ફોર્મ ભરવા માટે ધસારો જોવા મળે તેવી શક્યતા છે.
બીજી તરફ સાયન્સ ફેકલ્ટીમાં એફવાયમાં પ્રવેશ માટે અત્યાર સુધી 2000 જેટલા વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. પ્રવેશ ફોર્મ ભરવા માટે ફેકલ્ટી સત્તાધીશોએ સમય મર્યાદા તા.3 જૂનથી લંબાવીને તા.9 જૂન સુધી કરેલી છે. સાયન્સ ફેકલ્ટીના સૂત્રોનું કહેવું છે કે, ધો.12 સાયન્સના ઓછા પરિણામને જોતા 2000 જેટલા ફોર્મ ભરાયા છે તે ફેકલ્ટી માટે સારી વાત છે. આ પૈકીના કેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ લે છે તે જોવાનું રહે છે. સાયન્સમાં 1200 જેટલી ગ્રાન્ટ ઈન એડ બેઠકો છે, અને 420 જેટલી હાયર પેમેન્ટ બેઠકો છે. પ્રવેશ માટે ધસારો ઓછો રહે તો હાયર પેમેન્ટ બેઠકો ખાલી પડે તેવી શક્યતા છે.