- રોષે ભરાયેલ મહિલાઓએ દંપતીને માર મારવા પોલીસની પાછળ દોડી, કારેલીબાગ પોલીસ દંપતિને બચાવી પોલીસ મથકમાં લઇ આવી
- સ્થાનિક મહિલાએ જણાવ્યું, દંપતી હવે અમારા મહોલ્લામાં રહેવા જોઈએ નહિં
શહેરના તુલસીવાડી વિસ્તારમાં આવેલ સંજરી એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતા દંપતી બાળકોને ઘરે બોલાવી તેમની પર મેલી વિદ્યા કરતા હોવાના આરોપ સાથે એપાર્ટમેન્ટના રહીશોએ દંપતિને મેથીપાક ચખાડ્યો હતો. ભારે હોબાળો મચતા મામલો કારેલીબાગ પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે, પોલીસની તપાસમાં તાંત્રીક વિધીની વાતને ઉપજાવી નાંખવામાં આવી હોવાનું જણાવ્યું હતું.
મળેલી માહિતી પ્રમાણે શહેરના તુલસીવાડી વિસ્તારમાં આવેલ સંજરી એપાર્ટમેન્ટમાં અનિતા અને ગનીભાઇ નામની વ્યક્તિ ભાડે મકાન રાખીને રહે છે. તેઓ એપાર્ટમેન્ટના બાળકોને ઘરે બોલાવી તેમના ઉપર તાંત્રિક વિદ્યા કરી રહ્યા હોવાનો એપાર્ટમેન્ટના લોકોએ આરોપ મૂકી માર માર્યો હતો. ભારે હોબાળો મચતા કારેલીબાગ પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી. અને ટોળાના મારથી દંપતિને બચાવી પોલીસ મથકમાં લઇ આવી હતી. સ્થાનિક લોકોએ દંપતી અનિતા અને ગનીભાઈ એપાર્ટમેન્ટમાં રહેતા ચાર બાળકોને તેમના ઘરે બોલાવી તેમને પાણી પીવડાવી તેમના પર મેલી વિદ્યા કરતા હોવાના આક્ષેપો કર્યા હતા.
આજે સમી સાંજે તુલસીવાડીમાં બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી. ઘટનાની જાણ કારેલીબાગ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે ટોળાને દૂર કરી દંપતીને પોલીસ મથકે લઇ જવા પોલીસ વાહન સુધી લાવતી હતી ત્યારે પણ રોષે ભરાયેલ મહિલાઓ દંપતીને માર મારવા પોલીસની પાછળ દોટ મૂકી હતી. એક તબક્કે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જોકે, પોલીસે દંપતીને ઘટના સ્થળેથી બહાર કાઢ્યા હતા અને પોલીસ મથકે લઇ આવી હતી.
એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાએ જણાવ્યું હતું કે, મારા બાળક સહિત ચાર બાળકોને અનિતા જબરજસ્તી અપહરણ કરી તેના ઘરે લઇ ગઈ હતી. અમે જોયું એટલે એના ઘરે અમે બધા ગયા હતા. જયાં બાળકો પર જાદુ ટોણા કરી રહી હતી. અમે ચારે બાળકોને તેના ઘરેથી બહાર લઇ આવ્યા હતા. આ દંપતી અહીં ભાડેથી રહે છે. આજે આવું કૃત્ય કર્યું છે. ભવિષ્યમાં અમારા બાળકોને ઝેર પણ આપી શકે છે. જેથી આ દંપતી હવે અમારા મહોલ્લામાં રહેવા જોઈએ નહિં.
જોકે, કારેલીબાગ પોલીસ મથકના પી.આઇ. ચેતન જાદવે જણાવ્યું હતું કે, આક્ષેપીત દંપતી અને આરોપ લગાવનારાઓ વચ્ચે જુનો ઝઘડો છે. દંપતિ દ્વારા બાળકો ઉપર તાંત્રિક વિદ્યા કરવાનો મૂકવામાં આવેલ આક્ષેપ ખોટો છે. જુના ઝઘડાની અદાવતમાં આ વાતને ઉપજાવી નાંખવામાં આવી છે. આમ છતાં, આ અંગે તપાસ કરવામાં આવી રહી છે.