વડોદરામાં સ્થાનિક સ્વરાજ્ય સ્થાપના દિવસની ઉજવણી કરાઇ, મેયરનાં હસ્તે ધ્વજવંદન કરાયું

ખંડેરાવ માર્કેટ પાલિકાની કચેરી પટાંગણમાં સ્થાનિક સ્વરાજ્ય દિવસની ઉજવણી થઇ

MailVadodara.com - Local-Self-Government-Day-was-celebrated-in-Vadodara-the-flag-was-hoisted-by-the-mayor

- ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર સહિત જવાનો હાજર રહ્યાં

- સ્થાનિક સ્વરાજ દિનની ઊજવણીમાં દિવસે યોજાયેલ કાર્યક્રમમાં મ્યુનિ. કમિશનર સહિત એક પણ અધિકારીઓ ન જોડાતા ચર્ચાનો વિષય બન્યો


વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે ખંડેરાવ માર્કેટ સ્થિત કોર્પોરેશનની કચેરીનાં પટાંગણમાં ધ્વજ ફરકાવીને અખિલ હિંદ સ્થાનિક સ્વરાજ્ય સ્થાપના દિવસની ઊજવણી કરવામાં આવી હતી. મેયરનાં હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. તેઓ સાથે ફાયરબ્રિગેડનાં ચીફ ફાયર ઓફિસર જોડાયા હતા. અત્રે નોંધનીય બાબત એ છે કે, 31 ઓગસ્ટનાં રોજ ઉજવાતા સ્થાનિક સ્વરાજ્ય સ્થાપના દિવસ ઊજવણી કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સહિત પાલિકાનાં અધિકારીની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી ત્યારે આજે મળનારી સામાન્ય સભામાં આ પ્રશ્ન ચર્ચાનો વિષય બને તેવી શક્યતાઓ છે.


31 ઓગસ્ટનાં દિવસે અખિલ હિંદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના સ્થાપના દિવસની ઊજવણી કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ પાલિકાનાં મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ અને ફાયર બ્રિગેડનાં જવાનો હાજર રહે છે. આજે ખંડેરાવ માર્કેટ સ્થિત પાલિકાની કચેરીનાં પટાંગણમાં સ્થાનિક સ્વરાજ્ય સ્થાપના દિવસની ઊજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.


જોકે, આ કાર્યક્રમમાં માત્ર મેયરની હરીફાઇમાં છે એવા મહિલા કાઉન્સિલરો સહિત આંગળીનાં વેઢે ગણાય તેટલાં જ કાઉન્સિલરો હાજર રહ્યા હતા. આ ઉપરાંત ડેપ્યુટી મેયર નંદાબહેન જોષી, સ્થાયિ સમિતિનાં અધ્યક્ષ ડૉ. હિતેન્દ્ર પટેલ, કાઉન્સિલર હેમીશાબહેન ઠક્કર, કોંગ્રેસમાંથી વિપક્ષના નેતા અમીબહેન રાવત, સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ હાજર રહ્યા હતા. આ ઉપરાંત અન્ય કાઉન્સિલરો હાજર રહ્યા હતા. ફાયર બ્રિગેડમાંથી ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ તેમજ જવાનો હાજર રહ્યા હતા.


સ્થાનિક સ્વરાજયની સંસ્થા સ્થાપવાનો હેતુ મૂળભુત રીતે નાગરિકોને શિક્ષણ આપવાનો, વહીવટી કાર્યક્ષમતા વધારવાનો તેમજ નાગરિક સુવિધાઓ વધારવાનો છે. આ પ્રસંગે મેયર નિલેશ રાઠોડે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી લોકોને ઉપયોગી સેવાઓનો ચિતાર રજૂ કર્યો હતો તેમજ કાઉન્સિલરો અને નગરજનોને ઓનલાઈન સેવાનો ઉપયોગ કરવા જણાવ્યું હતું.


આજે સ્થાનિક સ્વરાજ દિનની ઊજવણીમાં દિવસે યોજાયેલ કાર્યક્રમમાં વહીવટી પાંખ તરફથી મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સહિત એક પણ અધિકારીઓ ન જોડાતા શહેરમાં ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે આ અંગે મેયર નિલેશ રાઠોડે જણાવ્યું હતું કે, આજના પાવન દિવસે વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા નથી, તે દુખદ બાબત છે. જ્યારે વિપક્ષી નેતા અમીબહેન રાવતે જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્ય સ્થાપના દિવસની ઉજવણી કાર્યક્રમમાં વહીવટી અધિકારીઓએ પણ હાજર રહેવું જોઇએ. વડોદરાનાં વિકાસ માટેની જેટલી જવાબદારી ચૂંટાયેલી પાંખની છે તેટલી જ જવાબદારી વહીવટી અધિકારીઓની પણ છે. તેઓ ગેરહાજર કેમ રહ્યા? તે અંગે તેમનો જવાબ લેવો જોઇએ.

Share :

Leave a Comments