- રોડ ક્રોસ કરી રહેલા દીપડો પર કાર ચાલકની નજર પડતા વિડીયો ઉતારી લીધો
વડોદરા શહેરની આસપાસ વારંવાર દીપડા દેખાઈ રહ્યા હોવાથી અને રહેણાંક વિસ્તારોમાં આવી પશુઓનું મરણ કરી રહ્યા હોવાના બનાવોથી લોકોમાં ભયની લાગણી વ્યાપી છે.
વડોદરામાં એક તરફ મગરનો ઉપદ્રવ જારી છે અને અવારનવાર રહેણાંક વિસ્તારોમાં મગર આવી જતા હોય છે ત્યારે બીજી તરફ હવે દીપડાની એન્ટ્રી શરૂ થઈ છે.
વડોદરા નજીકના પાદરા તાલુકામાં પણ બે દિવસ પહેલાં દીપડો દેખાયો હોવાની વિગતોને પગલે ગ્રામજનોમાં ભયની લાગણી આપી છે. પાદરા તાલુકાના સાધી ગોરીયાદ રોડ પર મોડી રાત્રે દિપડો શિકારની શોધમાં નીકળ્યો હતો. દીપડો રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ એક કાર ચાલકની તેના પર નજર પડતા તેને વિડીયો ઉતારી લીધો હતો. જે વિડીયો વાયરલ થતા ફોરેસ્ટ વિભાગે દીપડાને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, 15 દિવસ પહેલાં જ હરણી દરજીપુરા એરફોર્સના રહેણાંક વિસ્તારમાં દિપડો પાંજરે પુરાયો હતો.
આ ઉપરાંત વાઘોડિયા તાલુકામાં વારંવાર દીપડો રેણાંક વિસ્તારોમાં આવી પશુઓનું મરણ કરી રહ્યો હોવાના અવારનવાર બનાવો બની રહ્યા છે. તેમજ 15 દિવસ પહેલા ડભોઇ તાલુકામાં પણ દીપડો દેખાયો હતો જ્યારે, કરજણ તાલુકામાં સીમડી મેથી ખાતે બાળ દીપડો ખેતરની ફેન્સીંગમાં ફસાઈ જતા મોત નિપજ્યું હોવાનો હાલમાં જ બનાવ બન્યો હતો.