- શહેરના નવનાથ શિવાલયોની 5 નદી (મહીસાગર, ગંગા, નર્મદા, સિંધુ અને વિશ્વામિત્રી ઉપરવાસ)ના જળથી અભિષેક કરાશે, સાંજે 7 વાગે જાગનાથ મહાદેવ મંદિરે 101 દીવાની મહાઆરતી કરાશે
આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે, ત્યારે આજના દિવસે મહાદેવ પર જળાભિષેકનું ખૂબ જ મહત્વ હોય છે. આજના દિવસે ખાસ કરીને વડોદરામાં આવેલ નવનાથ મહાદેવ મંદિર દ્વારા છેલ્લા 10 વર્ષથી કાવડયાત્રા દ્વારા જળાભિષેક કરવામાં આવે છે અને આજે મોટી સંખ્યામાં કાવડયાત્રીઓ ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે આવેલ સિદ્ધનાથ મહાદેવથી કાવડ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું.
શ્રાવણ માસના છેલ્લો સોમવાર હોવાથી આજે વહેલી સવારથી જ હર હર મહાદેવના નાદ સાથે શહેરના તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા હતા. તમામ શિવમંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. નવનાથ કાવડયાત્રા સમિતિ, વડોદરા દ્વારા નિરજભાઇ જૈનની અધ્યક્ષતામાં આજે સવારે શહેરના નવનાથ મહાદેવ મંદિર માટે કાવડયાત્રા શરૂ કરવામાં આવી હતી, આ સંપૂર્ણ યાત્રા 33 કિમીની છે.
શહેરના સિધ્ધનાથ મહાદેવ મંદિર ખાતેથી શરૂ કરવામાં આવી હતી, ત્યારબાદ ગાજરાવાડી સ્થિત રામનાથ મહાદેવ, ઠેકરનાથ મહાદેવ, મોટનાથ મહાદેવ, કામનાથ મહાદેવ, ભીમનાથ મહાદેવ, કાશીવિશ્વનાથ મહાદેવ થઇ જાગનાથ ત્યારબાદ કોટનાથ ખાતે કાવડયાત્રીઓ દ્વારા કાવડમાં લાવેલ પવિત્ર જળથી તમામ નવનાથ મહાદેવના શિવાલયોમાં પાંચ મહાનદીના (મહીસાગર, ગંગા, નર્મદા, સિંધુ અને વિશ્વામિત્રી ઉપરવાસ)થી જળાભિષેક સાથે પૂજન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આજે સાંજે 101 દીવાની મહા આરતી યોજાશે. આ આયોજનમાં કુલ 130 જગ્યાએ આઈસ્ક્રીમ, દૂધ, છાશ, કેળાં, શરબત, પાણી, ફળ, હાર અને મહાપ્રસાદના રૂપમાં 13,000 લોકો માટે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા દરમિયાન મનુષ્ય નિર્મિત `મહાદેવ'જીના દર્શન પણ ભક્તો કરી શકે છે. માંડવી ચાર રસ્તા ખાતે 1500 લોકો દ્વારા ડીજે, ફુલહાર સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવશે. સાથે 2 આઈસર ટ્રક, 3 ફ્રૂટ ટેમ્પો, ભક્તોને બેસવા માટે 4 બસો સાથે 100 બાઇક, 20 કાર 1 ડોર ટુ ડોર સફાઈ વેન આ કાવડ યાત્રામાં જોડાઈ છે.
આ યાત્રાના પ્રણેતા અને આગેવાન નિરજ જૈને જણાવ્યું હતું કે, આ 10મી કાવડ યાત્રા છે. નવનાથ મહાદેવ વડોદરાના રક્ષક દેવ છે. હાલમાં આજની પરિસ્થિતિમાં આધુનિક મહાભારત શરૂ થયું છે. જેમાં એક તરફ સનાતન ધર્મ છે અને બીજી તરફ સનાતન ધર્મના વિરોધીઓ છે. આ મહાભારતમાં આપણે સૌ સાથે મળી મહાદેવના જય જયકાર સાથે કાવડયાત્રા શરૂ થઈ છે. પરંતુ આવા જે સનાતન વિરોધીઓ છે તેઓને આ સબક શીખવાડવાનો સમય છે. આ બધાનો નાશ મહાદેવ કરશે એટલે તો કહે છે કે હર હર મહાદેવ...
આ યાત્રામાં જોડાયેલ વિજય મહારાજે જણાવ્યું હતું કે, આજની આ કાવડયાત્રા ખાસ મહાદેવને રીઝવવા માટે મહત્વની છે. મહાદેવને એવી રીતે રિઝવવામાં આવે છે જ્યારે સમુદ્ર મંથન થયું હતું ત્યારે તેમાંથી 14 રત્નો નીકળ્યા હતા. એ તમામ અમૃત નીકળ્યા તો ભગવાને બધા દેવી-દેવતાઓને આપી દીધા હતા. પરંતુ જે વિષ નીકળ્યું તે સ્વયં ભગવાનને પાન કર્યું હતું. સૃષ્ટિને પ્રલયથી બચાવી છે. ભગવાન નિલકલરના થઈ ગયા તો દેવતાઓ ગભરાવવા લાગ્યા હતા. એટલે કાવડના માધ્યમથી ગંગાના જળથી જળાભિષેક કરવામાં આવ્યો હતો અને ભગવાન ખુશ થયા હતા. કાવડયાત્રાનું મહત્વ એટલે જ છે કે, જ્યાંથી આ યાત્રા નીકળે છે ત્યાં કોઈ પણ પનોતી લાગતી નથી.