શહેરના આજવા રોડ પર આવેલી સ્ટેટ બેન્કમાં કાર લઇને ગયેલી મહિલા બેન્ક મેનેજરની કારનો કાચ તોડીને ચોર લેપટોપ તથા વોલેટ લઇ ગયા હતા.
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા ભવન પાર્ટી પ્લોટ નજીક પર્ણ વાટિકા સોસાયટીમાં રહેતા મનિષાબેન સુનિલભાઇ સેલકે નિઝામપુરામાં આવેલી એચ.ડી.એફ.સી.બેન્કમાં મેનેજર તરીકે નોકરી કરે છે. પાણીગેટ પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૭મીએ હું મારી કાર લઇને આજવા રોડ પર આવેલી મહાવીર હોસ્ટેલની સામે એસ.બી.આઇ. બ્રાન્ચની બેન્કમાં ગઇ હતી. મારી કાર મેં બેન્કની બાજુમાં આવેલા કોમ્પલેક્સ પાસે પાર્ક કરી હતી. હું ૧૫ મિનિટમાં મારૂ કામ પતાવીને પરત આવી ત્યારે કારનો કાચ તૂટેલો હતો. જેને પગલે મેં કારમાં તપાસ કરતાં મારું લેપટોપ તથા વોલેટ બંને ગૂમ હતા. વોલેટમાંથી આઇ કાર્ડ, પાન કાર્ડ, આધાર કાર્ડ, ડેબિટ કાર્ડ અને લોકરની ચાવી હતા. પાણીગેટ પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.