- ધુનધોરાજી ગામની સીમમાં પરિવાર સાથે ખેતમજૂરી કરતાં ખેતમજૂરનો સાળો નજીકના ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારની દીકરીને ભગાડી ગયો હતો
- જેની અદાવતે યુવતીના ભાઇએ 4 સાગરીતો સાથે બહેનને ભગાડી જનાર યુવાનના બનેવી, બહેન અને તેમની દીકરીનું બોલેરોમાં અપહરણ કરી મધ્યપ્રદેશ ભાગી રહ્યા હતા
જામનગર જિલ્લાના કાલાવાડ તાલુકાના ધુનધોરાજી ગામની સીમમાં પરિવાર સાથે ખેતમજૂરી કરતાં ખેતમજૂરનો સાળો નજીકના ખેતરમાં મજૂરી કામ કરતા પરિવારની દીકરીને ભગાડી ગયો હતો.
આ અદાવત રાખી યુવતીના ભાઇએ સાથે કામ કરતા યુવાન સહિત ચાર સાગરીતો સાથે બહેનને ભગાડી જનાર યુવાનના બનેવી, બહેન અને તેમની દીકરીનું બોલેરો જીપમાં અપહરણ કરી મધ્યપ્રદેશ ભાગી રહ્યા હતા. આ અંગેની જાણ જરોદ પોલીસને થતાં પોલીસે નાકાબંધી કરી અપહરણકારોને ઝડપી પાડી અપહ્યુત દંપતી અને તેમની દીકરીને મુક્ત કરાવ્યા હતા. જરોદ પોલીસે અપહરણકારો અને અપહ્યુત પરિવારોને કાલાવાડ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે.
આ બનાવ અંગેની માહિતી આપતા જરોદ પોલીસ મથકના પીઆઇ જે. એ. બારોટે જણાવ્યું હતું કે, જામનગર જિલ્લાના કાલાવાડ પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે, એક સફેદ કલરની બોલેરો જીપમાં બે વ્યક્તિઓ પતિ, પત્ની અને તેમની સગીર દીકરીનું અપહરણ કરી મધ્યપ્રદેશ તરફ જઇ રહ્યા છે. જે માહિતીના આધારે પીએસઆઇ પી.બી. સોનનીસને સુચના આપતા તેમણે જરોદ રેફરલ ચોકડી પાસે નાકાબંધી કરી સફેદ જીપમાં ત્રણ વ્યક્તિઓનું અપહરણ કરીને જતાં અપહરણકારોને ઝડપી પાડ્યા છે.
આ અંગેની વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, મૂળ મધ્યપ્રદેશના સેધવા ગામનો વતની કૈલાશ સોલંકી પત્ની ઉષાબેન અને દીકરી નિશા અને પુત્ર સાથે જામનગરના કાલાવડ પોલીસ મથકની હદમાં આવેલા ધુન ધોરાજી ગામની સીમમાં ગીરીશભાઇ વિરાણીની વાડીમાં રહે છે. અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે. આજ વાડીમાં સુનિલ ભીલ તેના પરિવાર સાથે રહે છે અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવે છે.
કૈલાસ સોલંકીનો સાળો દિનેશ ધુન ધોરાજી ગામની સીમમાં ગીરધરભાઇની વાડીમાં મૂળ અડાવાડા મધ્યપ્રદેશના વતની વિક્રમ રામસીંગ દેસાઇની બહેનને ભગાડી ગયો હતો. જેની અદાવત રાખી વિક્રમ દેસાઇ તેની સાથે મંજૂરી કામ કરતા સમશેર માવી સહિત ચાર સાગરીતોની સાથે તા. 5 મીએ વહેલી સવારે ગીરીશભાઇ વિરાણીની વાડીએ બોલેરો જીપ લઈને પહોંચી ગયો હતો. અને કૈલાસ સોલંકી તેની પત્ની ઉષાબેન અને દીકરી નિશાનું અપહરણ કરી મધ્યપ્રદેશ ભાગી રહ્યો હતો. માતા-પિતા અને અપહરણકારોથી બચાવવા વાડીમાં બાજુમાં સુનિલ ભીલના પરિવાર સાથે સૂઇ ગયેલા પુત્ર ઉમેશે પ્રયાસો કર્યા હતા. પરંતુ, અપહરણકારોએ ઉમેશને માર મારી ફરાર થઇ ગયા હતા. દરમિયાન આ અપહરણ અંગેની જાણ સુનિલ ભીલે કાલાવાડ પોલીસને કરતાં પોલીસ એલર્ટ થઇ ગઇ હતી.
દરમિયાન જરોદ પોલીસે જરોદ પાસે નાકાબંધી કરી અપહ્યુત કૈલાસ સોલંકી, ઉષાબેન કૈલાશભાઇ સોલંકી (ઉં. 40) અને તેમની દીકરી નિશાબેન કૈલાશભાઇ સોલંકી (ઉં. 15)ને અપહરણકારોની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા હતા. તે સાથે અપહરણકારો વિક્રમભાઇ રામસિંગ દેસાઇ (રહે. અડાવાડા, અલીરાજપુર, મધ્યપ્રદેશ), શમશેર પારમસિંગ માવી (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ), ગુડ્ડ કાદી માવી (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ), ગનુરંગ સિંઘ માવી (રહે. અલીરાજપુર, મધ્યપ્રદેશ), અને ગીતા રાહુલ ઠાકરે (રહે. જયગુન, પાનસમય, બડવાની) ની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.