- ચોરીની કાર સાથે ત્રાટકેલા લુંટારુઓએ આજવા રોડ ઉપર આવેલી નવજીવન સોસાયટીમાં ત્રાટક્યા હતા અને પરિવારને બાનમાં લઇ લૂંટ ચલાવી હતી
વડોદરા શહેરના આજવા રોડ ઉપર આવેલી નવજીવન સોસાયટીમાં ઘાતક શસ્ત્રો સાથે ત્રાટકેલા લુંટારુઓએ એક પરિવારને બાનમાં લઇ રોકડ સહિતની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં નાસતા ફરતા એક આરોપીની કારેલીબાગ પોલીસે ધરપકડ કરી છે.
કારેલીબાગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર હરિત વ્યાસે વિગતો આપતા જણાવ્યું હતું કે, ગત 19 ઓક્ટોબરના રોજ કારેલીબાગ સુંદરવન સોસાયટીમાંથી એક મારૂતિ ઇકો કારની ચોરી થઇ હતી. આ ચોરીની કાર સાથે ધાડપાડુઓ નવજીવન સોસાયટીમાં ત્રાટક્યા હતા અને પરિવારને બાનમાં લઇ લૂંટ ચલાવી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓની જે તે વખતે બાપોદ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ એક આરોપી મલિન્દરસિંગ ઉર્ફે મલ્લુ રાજુસિંગ બાવરી (સિકલીગર) નાસતો ફરતો હતો. તેને ઝડપી પાડવા માટે કારેલીબાગ પોલીસ સહિત અન્ય પોલીસ પણ પ્રયત્નશીલ હતી.
આ દરમિયાનમાં હેડ કોન્સ્ટેબલ કિરણકુમારને બાતમી મળી હતી કે, આ ગુનાનો નાસતો ફરતો આરોપી કારેલીબાગ પાણીની ટાંકી નજીકથી પસાર થવાનો છે. જેને પગલે સ્ટાફ સાથે વોચ ગોઠવી મલિન્દરસિંગ ઉર્ફે મલ્લુ બાવરીને ઝડપી પાડ્યો હતો. એકતાનગર ઝુંપડપટ્ટીમાં રહેતા મલિન્દરસિંગ સામે કારેલીબાગ અને બાપોદ પોલીસ મથકે બે ગુના નોંધાયેલા છે. અગાઉ આ આરોપી ઘરફોડ ચોરી સહિતના પાંચ ગુનામાં પણ સંડોવાયેલો હતો.