- બે દિવસ પહેલાં પ્રતિક ઉંઘમાં ચાલતો ચાલતો કેનાલમાં પડી ગયો હતો
- પ્રતિકને ઘરમાં ન જોતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, આ દરમિયાન પ્રતિકનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો હતો
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના તાજપુરા ગામમાં ઉંઘમાં ચાલવાની બિમારીથી પીડિત યુવાનનું ઘરની બાજુમાં આવેલી કેનાલમાં પડી જતાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું. મંગળવારે વહેલી સવારે બનેલી આ ઘટનાએ ગામમાં ચકચાર જગાવી મૂકી હતી.
મળેલી માહિતી પ્રમાણે વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના તાજપુરા ગામમાં રહેતા પ્રતિક અશોકભાઇ માળી (ઉ.વ. 18) છેલ્લા કેટલાક સમયથી ઉંઘમાં ચાલવાની બિમારીથી પીડાતો હતો. પરિવાર દ્વારા સારવાર પણ ચાલતી હતી. અવારનવાર તે ઉંઘમાં ચાલતો હતો. બે દિવસ પહેલાં પ્રતિક વહેલી સવારે ઉંઘમાં ચાલતો ચાલતો ઘરની બાજુમાંથી પસાર થતી કેનાલમાં પડી ગયો હતો. સવારે ઉઠેલા પરિવારજનોએ પ્રતિકને ઘરમાં ન જોતાં ચિંતીત થઇ ગયા હતા. ફળિયામાં અને ગામમાં તપાસ હાથ ધરી હતી. પરંતુ, મળી આવ્યો ન હતો. આથી પરિવારે વડુ પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસે પણ જાણવા જોગ ગુમ થયાની અરજી લઇ તપાસ શરૂ કરી હતી. પરંતુ, પ્રતિક મળી આવ્યો ન હતો.
આ દરમિયાન મંગળવારે સવારે કર્ણકૂવા ગામ પાસેથી કેનાલમાંથી પ્રતિકનો મૃતદેહ મળી આવ્યો હતો. આ રહસ્યમય બનાવ અંગે વડુ પોલીસે લાશનો કબજો લઇ કાર્યવાહી હાથ ધરી હતી અને પરિવારના જયંતિભાઇ માળીએ આપેલી વિગતોના આધારે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉંઘમા ચાલવાની બિમારીથી યુવાનના નીપજેલા મોતના આ બનાવે પ્રતાપપુરા ગામમાં ચકચાર જગાવી મૂકી છે