માત્ર દશ વર્ષમાં ખખડી ગયેલા જીવન નગરના આવાસો માટે જવાબદાર સામે તપાસ કરો : આશિષ જોશી

ભ્રષ્ટાચારના તપાસની માંગ..

MailVadodara.com - Investigate-those-responsible-for-Jeevan-Nagars-housing-collapse-in-just-ten-years-Ashish-Joshi

- ભાજપના કાઉન્સિલર આશિષ જોશીએ ગરીબોની વેદનાને વાચા આપી

- આશિષ જોશીની જેમ અન્ય કાઉન્સિલરોએ પણ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવવો જોઈએ


વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલા  જીવન નગરના આવાસો બિસ્માર અને જર્જરીત હોવાનો અહેવાલ 'મેઈલ વડોદરા' એ રજૂ કર્યો હતો. દશ વર્ષમાં આવાસોની જર્જરીત હાલત માટે હવે ભાજપના જ કાઉન્સિલર તપાસ ની માંગ કરી રહ્યા છે.


     વડોદરા મહાનગર પાલિકાના ભ્રષ્ટાચારથી ખડબદતા વહીવટ સામે હવે સત્તા પક્ષમાંથી જ અવાજ ઉઠી રહ્યો છે. વાઘોડિયા રોડ પર આવેલા જીવન નગરના એક હજાર કરતા વધુ આવાસો માત્ર દશ વર્ષમાં પાલિકાના ભ્રષ્ટાચાર ની ચાડી ખાતા હોય તેમ જર્જરીત થઈ ગયા છે. ગરીબ પરિવારો પર તોળાતા જોખમ અંગે 'મેઈલ વડોદરા' એ અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ બાદ  શાશકો અને અધિકારીઓએ  સ્થળ નિરીક્ષણ કર્યું હતું. જો કે સ્માર્ટ તંત્રએ સ્થળ મુલાકાત બાદ "ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે" એવો આદેશ કર્યો હતો. પાલિકાએ રહીશોને બાકીના હપ્તા વસુલવા અને રહીશોને  સ્વખર્ચે મેન્ટેનન્સ કરવા નોટિસ ફટકારી હતી.


માત્ર દશ વર્ષમાં જર્જરીત થઈ જાય એવા આવાસો બનાવનાર કોન્ટ્રાકટરને જાણે ક્લીનચીટ અપાઈ ગઈ. વર્ષ 2008 માં કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકારની નૂર્મ યોજના હેઠળ જીવન નગરમાં એક હજાર કરતા વધુ આવાસો બનાવવાનું કામ રૂ. ૧૭.૫૪ કરોડમાં ચેતન વ્યાસ એન્ડ એસોસિયેટ્સને સોંપવામાં આવ્યું હતું. આ કામ માટે કોન્ટ્રાકટરને પાલિકાએ મૂળ ભાવ કરતા ૧૭.૯૦ ટકા વધુ કિંમત મંજુર કરી હતી. હવે જયારે માત્ર દશ વર્ષમાં આવસો ખખડધજ થઈ ગયા છે ત્યારે ભાજપના  જ કાઉન્સિલર આશિષ જોશીએ  તપાસની માંગ કરી છે. આશિષ જોશીએ  કમિશનર ને પત્ર લખી  ત્રાહિત એજન્સી દ્વારા તલસ્પર્શી તપાસ ની માંગ કરી છે.આશિષ જોશીએ માંગ કરી છે કે દશ વર્ષમાં ખખડી જાય એવા આવસો બનાવનાર અને તેનું સુપરવિઝન કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ.


આશિષ જોશીએ તપાસની માંગ કરી આવાસો ના ગરીબ પરિવારોની વેદના ને વાચા આપવાનો સરાહનીય પ્રયાસ કર્યો છે  ત્યારે કમિશનર દિલીપ રાણા તપાસ કરાવે છે કે નહીં એ જોવાનું રહ્યું...


Share :

Leave a Comments